ગત તા. 8 અને 9 ફેબ્રુઆરી 2025 દરમિયાન વડોદરાની MS ટેકનોલોજી યુનિવર્સિટી ખાતે યોજાયેલા ઇનોવેશન ફેર મેકરફેસ્ટ 2025માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના સંશોધકો અને વિદ્યાર્થીઓની ટીમે પોતાનું ઉત્કૃષ્ટ ઇનોવેશન પ્રસ્તુત કરી બાજી મારી છે. કૃત્રિમ ડાઈથી કપડા રંગવાના ઉદ્યોગોના પ્રદૂષિત પાણીમાં અઢળક નુકસાનકારક કેમિકલ્સ રહેલા હોય છે. જેનાથી પ્રદૂષિત જળનું શુદ્ધિકરણ એ ખૂબ ગંભીર સમસ્યા છે. આના વિકલ્પ તરીકે કુદરતી પદાર્થો જેવા કે ફળ, ફૂલ અને શાકભાજીમાંથી નેચરલ ડાઈ બનાવી જો કાપડ રંગવામાં આવે તો પર્યાવરણ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે. હાલ આવી કુદરતી ડાઈથી કપડાં રંગવાના ગૃહ ઉદ્યોગો કાર્યરત છે, પરંતુ કુદરતી ડાઈથી કાપડ રંગવામાં ઘણી જટિલ સમસ્યાઓને લીધે આ ઉદ્યોગ પ્રમાણમાં ખૂબ ઓછો વિકસિત છે. કુદરતી ડાઈ બનાવવા અને તેનાથી કાપડ રંગવાની એક સરળ અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પ્રક્રિયા ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓ પાયલ જોશી (PhD સ્કોલર) સંગીતા ચાવડા (PhD સ્કોલર) શ્રેયા કુબાવત (MSc સ્ટુડન્ટ) અને પ્રજ્ઞા વણકર (MSc સ્ટુડન્ટ)ની ટીમે, પ્રાધ્યાપક ડો. ડેવીટ ધ્રુવના માર્ગદર્શન હેઠળ શોધી છે. વિદ્યાર્થીઓએ બીટ, પાલક, સ્ટ્રોબેરી, ગલગોટા, દાડમ વગેરે સ્ત્રોતોમાંથી અલગ અલગ પ્રકારની નેચરલ ડાઈનું અલ્ટ્રાસોનિક તરંગોથી એક્સટ્રેક્શન કર્યું હતું. ઉપરાંત ડાઇનિંગ કરતા પહેલાં કાપડના પ્રી-ટ્રીટમેન્ટ માટે વપરાતા એલ્યુમિના કોમ્પલેક્ષની જગ્યાએ એલોવેરા, આમળા જેવા પદાર્થોનો ઉપયોગ કર્યો હતો જેથી પ્રદૂષણ ઓછું કરી શકાય. ઉપરાંત કાપડ રંગાઈ ગયા પછી રંગ નીકળતો અટકાવવા માટે ડાઇનિંગ દરમિયાન જ કાપડને હાઇડ્રોફોબિક બનાવ્યું હતું જેથી અનેક વખત ધોવાણ પછી પણ કાપડમાંથી રંગ નીકળતો નથી. ભૌતિકશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓની ટીમે તેમનું આ સંશોધન મેકર ફેસ્ટ 2025 ખાતે રજૂ કર્યું હતું જેને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. મેકરફેસ્ટના બે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉદ્યોગપતિઓ તેમજ સંશોધકોએ આ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. તેમજ ખૂબ સારા ફીડબેક આપ્યા હતા. આ પ્રોજેક્ટને મેકર ફેસ્ટ ખાતે પર્યાવરણ કેટેગરીમાં ગોલ્ડ એવોર્ડ (પ્રથમ ક્રમાંક) અને સાથે રૂ. 21,000 નો પુરસ્કાર મળ્યો હતો. આ ઉપરાંત નેટવેબ કંપની દ્વારા વુમન ઓન્લી કેટેગરીમાં વિશિષ્ટ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સંશોધનને આગળ વધારી સ્ટાર્ટઅપ સુધી પહોંચાડવા માટે સિગ્મા યુનિવર્સિટીના ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા રૂ. 60,000 ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો. (ડો.) નિકેશ શાહ, પ્રાધ્યાપક ડો. પિયુષ સોલંકી, ડો. ડેવીટ ધ્રુવ તેમજ અન્ય પ્રાધ્યાપકોએ શુભેચ્છા પાઠવી હતી.