ગુજરાત સરકારે હિમોફિલિયા જેવા દુર્લભ રોગની સારવાર માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. જીએમઈઆરએસ હોસ્પિટલ ધારપુર ખાતે હિમોફિલિયાના દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલના હિમોફિલિયા ટ્રીટમેન્ટ સેન્ટરમાં ફેક્ટર-7, ફેક્ટર-8, ફેક્ટર-9 અને હેમલીબ્રા પ્રોફાઈલેક્સિસની સારવાર આપવામાં આવે છે. વર્ષ 2024માં ફેક્ટર-7ના 27, ફેક્ટર-8ના 393, ફેક્ટર-9ના 187 અને હેમલીબ્રાના 152 દર્દીઓએ સારવાર લીધી છે. 2012માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સિવિલ હોસ્પિટલોમાં મફત ઇન્જેક્શનની સુવિધા શરૂ કરવામાં આવી. આના કારણે દર્દીઓનું આયુષ્ય વધ્યું છે અને તેમની રોજિંદી પ્રવૃત્તિઓ સરળ બની છે. ગુજરાતમાં 3,000થી વધુ હિમોફિલિયાના દર્દીઓ છે. તેમાંથી 225થી વધુ દર્દીઓ ઉત્તર ગુજરાતમાં છે. મહેસાણામાં હિમોફિલિયા સોસાયટી દર્દીઓના કલ્યાણ માટે કાર્યરત છે. ધારપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. પારૂલબેન શર્મા જણાવે છે કે 30 જેટલા દર્દીઓને પ્રોફાઈલેક્સિસ સારવાર આપવામાં આવે છે. આ સારવારથી રક્તસ્ત્રાવની સંભાવના ઘટી છે અને વિકલાંગતાનું જોખમ પણ નહિવત થયું છે. 10 વર્ષ પહેલાં હિમોફિલિયાની કોઈ સારવાર ઉપલબ્ધ નહોતી. આજે સરકારના પ્રયાસોથી દર્દીઓને માત્ર મહિનામાં એક વખત ફેક્ટર લેવાની જરૂર પડે છે. હિમોફિલિયા ધરાવતી વ્યક્તિઓ હવે સામાન્ય જીવન જીવી શકે છે અને પોતાના સપના સાકાર કરી રહી છે.