સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટના 25 ફેબ્રુઆરી 2025ના રોજ બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું દાઝવા તેમજ ગૂંગળાઈ જવાથી મોત નીપજ્યું હતું, 26 ફેબ્રુઆરીના રોજ આજે ફરી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. સવારે 7 વાગ્યાની આસપાસ માર્કેટમાં લાગેલી આગ છેલ્લા 10 કલાકથી કાબૂમાં આવી નથી. ફાયરબ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે ખડકી દેવાઈ છે અને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ઓક્સિજન માસ્ક સાથે ફાયર અધિકારીઓ અલગ અલગ ફ્લોર પર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે છતાં એના પર કાબૂ મેળવી શકાયો નથી. શિવશક્તિ માર્કેટમાં કુલ 853 દુકાનો આવેલી છે, ત્યારે ભીષણ આગમાં 30થી 40 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. આજીવિકા છીનવાતાં વેપારી રડી પડ્યો
ટેક્સટાઈલ માર્કેટમાં મોટે ભાગે કાપડની દુકાનો હોવાથી ખૂબ મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો બળીને ખાક થઈ જતાં વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ આગમાં એક વેપારીની દુકાન બળીને ખાક થઈ જતાં અને પોતાની આજીવિકા છીનવાતાં વેપારી રડતો જોવા મળ્યો હતો. ધીમે ધીમે બિલ્ડિંગની સ્ટેબિલિટી વીક થઈ રહી છે: ફાયર ઓફિસર
ફાયર ઓફિસર કિષ્ણા મોઢે જણાવ્યું હતું કે સવારે 8:30 વાગ્યાની આગ હતી. અત્યારથી લઇને સવારે 8:30 વાગ્યા સુધીમાં જોઇએ તો 7 કલાકથી વધુનો સમય થઈ ગયો છે. આખું બિલ્ડિંગ આગની ચપેટમાં છે એટલે ઓલમોસ્ટ આ બિલ્ડિંગની જે સ્ટેબિલિટી વીક રહી છે. હવે અંદર બેઝમેન્ટમાં અને એની જગ્યા હોય ત્યાં સ્લેબનો ભાગ થોડો નમેલો હોય એવું લાગી રહ્યું છે, હમણાં એક બીમ પડી ગયું છે, એટલે પોસિબિલિટી છે કે આ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ધીમે ધીમે વીક થતું જશે, એટલે એ જેટલું વીક થાય એ પહેલાં આપણે આગને કાબૂમાં લેવી ખૂબ જ જરૂરી છે. અંદાજે 300થી 400 કરોડનું નુકસાન: વેપારી
શિવશક્તિ માર્કેટના વેપારી ઉમેશ મહેતાએ જણાવ્યું હતું કે અમારી દુકાન શિવશક્તિ માર્કેટમાં જ છે. દુકાન નંબર 2044 ગણેશ ફેશનના નામથી દુકાન છે અને માર્કેટમાં કુલ 853 દુકાન છે. ગઈકાલે 1.30 વાગ્યા માર્કેટમાં આગ લાગી હતી, જે સાંજે 6થી 7 વાગ્યા આસપાસ કાબૂમાં લેવામાં આવી હતી. વોચમેન કહી રહ્યો હતો કે આજે ફરી સવારથી ધુમાડો નીકળી રહ્યો છે તેમજ શિવશક્તિ માર્કેટના વ્હોટ્સએપ ગ્રુપમાં 8 વાગતાં ખબર પડી કે આગ ખૂબ મોટી લાગી છે. બાદથી ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે, પરંતુ કાબુ આવ્યો નહિ. ટેક્સટાઇલ માર્કેટ સાઇટની મોટા ભાગની દુકાનો બળી ગઈ છે. જ્યારે આજે સવારથી લાગેલી આગમાં મોટા ભાગની દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. અંદાજે 100થી 150 દુકાન બળી ગઈ હશે. લગભગ 300થી 400 કરોડનું નુકસાન થયું હશે. મંદીના માહોલને લઈ અમારી દુકાનમાં સ્ટોક ભરેલો હતો
વેપારી નીરજ જૈને જણાવ્યું હતું કે અમારી દુકાન જે છે એમાં પણ આગ લાગી છે. મોટા પ્રમાણની અંદર માલ અત્યારે ભરેલો હતો. થોડો મંદીનો માહોલ હોવાને કારણે સ્ટોક અમારી દુકાનોમાં હતો. સવારે 8 વાગ્યાથી આગ પર કાબૂ મેળવવાનો શરૂ કરી દેવાયો હતો, પરંતુ હજુ સુધી સંપૂર્ણ રીતે કાબૂ મેળવાયો નથી. આગ હજી ચાલુ જ છે, ઘણી બધી દુકાનો હજી પણ આગની લપેટમાં આવી ચૂકી છે. એને કારણે દુકાનોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. અમારા હિસાબના ચોપડા અને કોમ્પ્યુટર પણ અંદર હોવાને કારણે વેપારીઓની ચિંતા વધી છે. એક માળથી બીજા માળે જવામાં મુશ્કેલી
શિવશક્તિ માર્કેટના એક માળથી લઈને પાંચ માળ સુધી સતત આગ ભભૂકી રહી છે. ટેક્સટાઈલ માર્કેટમાં એક માળથી બીજા માળે જવું આગને કારણે મુશ્કેલ થઈ રહ્યું હતું. ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા શરૂઆતમાં એક માળથી બીજા માળ ઉપર જવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેઓ પણ ફસાઈ ગયા હતા અને સ્થિતિ વધુ ગંભીર જણાતા નીચે ઉતરી ગયા હતા. ફાયરના અધિકારીઓએ સીધી રીતે પહેલાં ફ્લોરથી આગ પર કાબુ મેળવીને બીજા માળ ઉપર ઝડપથી જઈ શકતા નહોતા તેને કારણે આગ સતત આખા માર્કેટના એક તરફના ભાગે વધુ પ્રસરી ગઈ હતી. શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગ
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે આગ ખૂબ જ મોટા પ્રમાણમાં અંદર ફેલાઈ રહી છે. કેટલાક ફાયરના અધિકારીઓ પણ અંદર ફસાઈ ગયા હતા, જેઓ બહાર આવી ગયા છે. અમારા પહેલાં ફાયર ઓફિસર દિનેશ જે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે અહીં ખૂબ મોટા ધડાકા થઈ રહ્યા છે. હજી અંદર પણ મોટા પ્રમાણમાં આગ લાગી છે. તેમણે વધુમાં જણાવતાં કહ્યું હતું કે અલગ-અલગ સ્ટેશનની ગાડીઓને બોલાવી લેવામાં આવી છે. અત્યારે આગ પર કંટ્રોલ લાવવા માટેની કામગીરી હાથ ધરાઇ છે. ચારથી પાંચ માળ સુધી આગ પ્રસરી ચૂકી છે. કયા કારણસર આગ લાગી છે એ તપાસ હજી ચાલી રહી છે, પરંતુ પ્રાથમિક રીતે ઇલેક્ટ્રિસિટી ચાલુ થવાથી એકાએક ધડાકા થયા હોવાનું જાણવા મળ્યું છે. ફાયર સેફ્ટીની સુવિધા અને NOC પણ લીધી છે
મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે ગઈકાલે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ આજે સવારે ફરીથી એકાએક આગ લાગી ગઈ છે. પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે કોઈક વ્યક્તિ દ્વારા ઈલેક્ટ્રિક સ્વિચને શરૂ કરવામાં આવી હતી, જેને કારણે આગ લાગી છે. શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટમાં ફાયરની સુવિધા પણ છે અને તેમણે એનઓસી પણ લીધી છે છતાં પણ આ કયા કારણસર આગ લાગી છે એની તપાસ કરવામાં આવી રહી છે. ગઈકાલે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી હતી
25 ફેબ્રુઆરીએ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં ચારથી પાંચ દુકાનમાં આગ લાગી હતી. આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. માર્કેટનો સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા. એકાએક આગ લાગતાં લોકો પોતાનો જીવ બચાવવા બહાર ભાગ્યા હતા. જોકે ACના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગ લાગવાની જાણ થતાં જ ફાયર વિભાગની 20થી 25 ગાડીઓ સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે ધુમાડામાં ગૂંગળાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. સમગ્ર સમાચાર વાંચવા અહીં ક્લિક કરો…