અમેરિકાએ ભારતથી મોઢું ફેરવી લીધું. ટેરિફ, વીઝા, અદાણી, ઘૂસણખોરો જેવા મુદ્દે ભારતને ઘેરવા લાગ્યું. અમેરિકા ભલે ભારતનું નાક દબાવે પણ ભારતે ડિપ્લોમસી માટે પ્લાન બી તૈયાર રાખ્યો છે. કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલથાનીને ભારતે આમંત્રણ આપ્યું. તે ગયા અઠવાડિયે જ્યારે આવ્યા ત્યારે વડાપ્રધાન મોદી પ્રોટોકોલ તોડીને તેમને એરપોર્ટે રિસિવ કરવા ગયા. ભારત અને કતારના સંબંધો મજબૂત બને તેમાં ભારતની ભલાઈ છે. નમસ્કાર, કતાર એ મિડલ ઈસ્ટનો સૌથી નાનો પણ શક્તિશાળી દેશ છે. ડિપ્લોમેટિક દ્રષ્ટિએ, જિઓ પોલિટિકલ રીતે કતારને ઘણા દેશો મહત્વ આપે છે. કારણ કે કતાર પાસે જે કુદરતી ભંડાર, જે સંપત્તિ છે તે મિડલ ઈસ્ટમાં કોઈ દેશ પાસે નથી. આ જ કારણ છે કે આવનારા સમયમાં જો ભારતે મંદી, મોંઘવારી જેવી સમસ્યાનો સામનો ન કરવો હોય તો કતાર સાથે સારાવાનાં રાખવા પડશે. ભારતનો પ્લાન બી એટલે નવો આરબ રૂટ. કારણ કે યુએઈ, સાઉદી અરબ, ઈરાન, ઈઝરાયલ, ઈજિપ્ત, સિરિયા જેવા મિડલ ઈસ્ટના તમામ દેશો કતારને ઘણું મહત્વ આપે છે. ભારત-કતાર વચ્ચે શું-શું સમજૂતી થઈ? ભારતને કતારના સંબંધોની જરૂર કેમ છે?
આના કારણો ઘણા છે. કતારની શક્તિ એ છે કે તેણે અફઘાનિસ્તાનને વોશિંગ્ટન સુધી પહોંચાડ્યું. કતારમાં જ દોહા એગ્રીમેન્ટ થયું. કતારના જ રાષ્ટ્રપતિએ ઈઝરાયલ-હમાસ યુદ્ધ વિરામની પહેલી જાહેરાત કરી. કતાર એ દેશ છે જ્યાં યુએસ સેન્ટકોમ સેન્ટ્રલ કમાન્ડની હાજરી છે. મિડલ ઈસ્ટનો સૌથી મોટો એરબેઝ કતારમાં છે. હમાસના ચીફ ખાલીદ મશરે કહેલું કે, આ એકમાત્ર એવી જગ્યા છે જ્યાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે વાટાઘાટો થાય છે. અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ, ઈઝરાયલના ગુપ્તચર વડા, ઈઝરાયલની બંને ગુપ્તચર એજન્સીઓ મોસાદ અને શિનબેટ અને ઈઝરાયલના ટોચના અધિકારીઓ વચ્ચે જ્યારે જ્યારે વાટાઘાટો થાય છે તો એ કતારમાં થાય છે. એ રીતે કતાર એ મિડલ ઈસ્ટની ડિપ્લોમસીનું સેન્ટર છે. એટલે મોદી 11 વર્ષથી વડાપ્રધાન હોવા છતાં દરેક અતિથિને એરપોર્ટ પર રિસિવ કરવા જતા નથી. બહુ ઓછા કિસ્સામાં તે વડાપ્રધાન તરીકે કોઈ અતિથિને રિસિવ કરવા એરપોર્ટ ગયા છે. કતારના શેખને રિસિવ કરવા મોદી પોતે એરપોર્ટ ગયા, તેના પરથી સમજી શકાય કે ભારત માટે કતાર એ કેટલો અગત્યનો દેશ છે. કતાર ભારતને શું આપી શકે?
કતાર ભારતમાં રોકાણ કરી શકે એ તો છે જ પણ ભારતને સૌથી મોટો ફાયદો ગેસ અને ઓઈલમાં થાય તેમ છે. ભારતને LPGની સૌથી વધારે જરૂર છે. ભારત અત્યારે રશિયા પાસેથી જરૂર મુજબ LPG ખરીદી કરે છે પણ કતારથી LPG ગેસ લાવવો ભારત માટે સહેલું છે. કતારથી ભારત સુધી પાઈલ લાઈન નાખીને પણ ગેસ મેળવી શકાય તેમ છે. કતાર એ ભારત માટે સૌથી મોટો ગેસ પાવર છે. કતારથી સૌથી વધારે ગેસ આયાત કરતો દેશ હોય તો એ ભારત છે. પણ ભારતને LPGની વધારે જરૂર છે જે અત્યારે રશિયા પાસેથી પણ લેવો પડે છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત અમેરિકા પાસેથી ગેસ ખરીદે. એમાં ભારતને બે નુકસાન થાય. એક તો ટેરિફ વધારે લાગૂ પડે અને કતાર સાથે ભારતના સંબંધો પણ બગડે. કતાર પાસેથી ગેસ ખરીદવા ભારતે 2020થી 2028 સુધી કરાર કર્યા છે. હવે તે રિન્યૂ કેવી રીતે થાય છે તે જોવાનું રહ્યું. ભારત જે ગેસ આયાત કરે છે તે બધો વપરાતો નથી. ભારત ગેસની બચત કરે છે. ભારત દર વર્ષે 7.5 મિલિયન મેટ્રિક ટન ગેસની આયાત કરે છે. 2028માં કતાર સાથે ગેસની આયાતના 20 વર્ષના કરાર થઈ શકે છે. તો આ કરાર 2048 સુધી ચાલશે. એ દ્રષ્ટિએ કતાર ભારત માટે મહત્વનું છે. કતાર ભારતને જો સૌથી વધારે ફાયદો કરાવી શકે તેમ હોય તો એ ગેસ આપીને ફાયદો કરાવી શકે છે. કતારનું ત્રીજા નંબરનું બિઝનેસ પાર્ટનર છે, ભારત
એક સમય હતો જ્યારે કામ કરવા માટે કતાર ગયેલા લોકો પર અત્યાચારો ગુજારવામાં આવતા હતા. પાસપોર્ટ જપ્ત કરીને ભારતીયોનું શોષણ કરવામાં આવતું હતું. જોકે, છેલ્લા થોડા સમયમાં બહુ મોટો બદલાવ આવ્યો છે. પોતાના દેશમાં કામ કરવા આવતા લોકો માટે કતારે ઉદાર નિયમો બનાવ્યા છે અને તેના કારણ વધુ લોકો કતાર તરફ આકર્ષાઈ રહ્યા છે. ભારત અને કતારના સંબંધો 1973થી સતત વિકસી રહ્યા છે. 1973માં આપણા દેશે કતારની એમ્બેસીમાં ચાર્જ દ અફેર્સની નિયુક્તિ કરી હતી. તેના બીજા જ વર્ષે કતારે ભારતમાં પોતાના રાજદૂતની નિમણૂક કરી હતી. ભારત કતારનું ત્રીજા નંબરનું બિઝનેસ પાર્ટનર છે. આપણો દેશ કતાર પાસેથી મોટાપાયે ઓઇલ અને ગેસની આયાત કરે છે. બંને દેશો બિઝનેસ ડીલ ડબલ કરવા પર કામ કરી રહ્યા છે. ભારત-કતાર વચ્ચે બિઝનેસ કતારથી ભારતમાં આયાત ભારતથી કતારમાં નિકાસ કતાર ગરીબ દેશ હતો, પેટાળમાંથી ઓઈલ મળ્યું ને ધનવાન દેશ બન્યો
કતાર પહેલેથી અમીર દેશ નથી. પ્રાચીન સમયમાં કતારની ગણના ગરીબ દેશમાં થતી હતી. લોકો માછીમારી અને બીજા સામાન્ય કામો કરીને ગુજરાન ચલાવતા હતા. કતારના પેટાળમાં ઓઇલ મળ્યું એ પછી તેનો વિકાસ રોકેટ ગતિએ થયો હતો. કતાર સામે આતંકવાદને પ્રોત્સાહન આપવાના આક્ષેપો પણ ખૂબ થયા છે. તાલિબાનો અને હમાસનું હેડ ક્વાટર કતારમાં જ છે. હમાસ અને તાલિબાનોના નેતાઓની બેઠક કતારમાં જ યોજાય છે. ઈઝરાયલ અને ગાઝાના યુદ્ધ વિરામની મિટિંગ કતારમાં થઈ હતી અને શેખ અલથાનીએ જ યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી. મુસ્લિમ દેશોમાં સાઉદી અરેબિયાનું સારું એવું વર્ચસ્વ છે. હજુ થોડા વર્ષો પહેલા સુધી કતાર અને સાઉદી અરેબિયાને બનતું નહોતું. 2021માં અમેરિકાની મધ્યસ્થીથી કતાર અને સાઉદી અરેબિયા નજીક આવ્યા હતા. ભારત સાથે સંબંધો મજબૂત રાખવા કતારે આપણા આઠ નેવી ઓફિસરોને છોડ્યા
કતારમાં ફાંસીની સજા પામેલા આપણા દેશની નૌસેનાના આઠ ભૂતપૂર્વ અધિકારીઓને છોડી દઇને કતારે દોસ્તીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કતારની એક પ્લેસમેન્ટ એજન્સી મારફતે કતારની નૌસેના માટે કામ કરવા ગયેલા ભારતીય નૌસેનાના આઠ અધિકારીઓ સામે ઇઝરાયેલને કતારની સબમરિનની વિગતો આપીને જાસૂસી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જાસૂસીના આ કેસમાં આઠેયને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિનંતી પછી તેમને છોડી મૂકાયા હતા. આ ઘટના પછી દોસ્તી વધુ ગાઢ બની હતી. હજુયે કતારમાં કામ કરનારા ભારતીયોની સુરક્ષાના અનેક પ્રશ્નો તો છે જ. કતાર અને ભારતના સંબંધો વધુ ઉમદા બની રહ્યા છે અને સરવાળે તેનાથી બંને દેશનો ફાયદો થવાનો છે. કતાર નાનો પણ રાયનો દાણો
કતારની GDP પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં ઘણી વધારે છે
કતારની કુલ GDP 400 અરબ ડોલર છે. જે પાકિસ્તાન અને બાંગ્લાદેશની કુલ GDP કરતાં અનેકગણી વધારે છે. સ્વિત્ઝર્લેન્ડની વ્યક્તિદીઠ આવક કરતાં કતારની વ્યક્તિદીઠ આવક દોઢ ગણી વધારે છે. કતારના શેખ તમીમ બિન હમાદ અલથાની અમીર છે. શેખ તમીમ 44 વર્ષના છે. તે કતારના ભૂતપૂર્વ અમીર હમદ બિન ખલિફા અલ-થાનીના બીજા નંબરના પુત્ર છે. 2013માં તેઓ કતારના રાજા એટલે કે અમીર બન્યા હતા. શેખ તમીમે ત્રણ નિકાહ કર્યા છે અને બધા મળીને તેના 13 સંતાનો છે. તેમની પાસે સંપત્તિની કોઇ કમી નથી. 100 રૂમના તેમના મહેલમાં સોનાની ચીજવસ્તુઓ છે. તેમને કારનો જબરો શોખ છે. દુનિયાની કોઇ એવી લકઝરી કાર નથી જે તેમના ગેરેજમાં ન હોય. તેમના મહેલમાં પાંચસો કારનું પાર્કિંગ છે. પોતાની પ્રાઇવેટ એરલાઇન છે. ફોર્બ્સની યાદી મુજબ તે દુનિયાના આઠમા નંબરના સૌથી વધુ ધનવાન રાજા છે. તેમના પરિવારની કુલ સંપત્તિ 28 લાખ કરોડ રૂપિયા છે. તેમની પાસે 150 મહેલો છે. દુનિયાની સૌથી મોંઘી યોટ ‘ધ કતારા’ના માલિક છે. ઈઝરાયલ કરતાં અડધી સાઈઝનો દેશ છે કતાર
મિડલ ઈસ્ટમાં કતાર સૌથી નાનો દેશ છે. 11,581 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા કતારની વસ્તી 30 લાખ 63 હજાર જેટલી છે. કતારમાં 8 લાખ 35 હજાર જેટલા ભારતીયો વસે છે. કતારની વસ્તીમાં ભારતીયોની સંખ્યા 27 ટકા જેટલી છે. કતારમાં ભારતીયો વ્હાઇટ કોલર જોબથી માંડીને સખત મજૂરીના કામોમાં જોડાયેલા છે. ઓઇલ કંપનીઓમાં ભારતીય એન્જિનિયરો મોટાપાયે કામ કરી રહ્યા છે. કતારના કન્સ્ટ્રકશન સેક્ટરમાં ભારતીય મજૂરો મોટી સંખ્યામાં કામ કરે છે. ભારતીયો કતારમાં કમાઇને અબજો રૂપિયા ભારત મોકલે છે. કતારના અમીર પણ અનેક વખત એવું કહી ચૂક્યા છે કે, કતારના વિકાસમાં ભારતીયોનો ફાળો અમૂલ્ય છે. આ વખતે ભારત આવ્યા ત્યારે પણ તેમણે આ વાત દોહરાવી હતી. કતારની મૂળ વસ્તી તો 4 લાખ આસપાસ જ છે પણ કતારમાં ભારતના લોકો અને બીજા દેશના લોકોની સંખ્યા ઘણીબધી છે. કતારમાં બહારના લોકોના કારણે અત્યારે 28 લાખ આસપાસ વસ્તી પહોંચી છે. આ 28માંથી 8 લાખ લોકો ભારતીયો છે. છેલ્લે,
સમુદ્ર અને રણ વચ્ચે પ્રાચીન સમયમાં ઝુબારાહ નામનું શહેર હતું. સમય જતાં આ જગ્યાએ નવું શહેર વસવા લાગ્યું તેને ઝુબારાહ પરથી કતારા નામ આપ્યું. કાળક્રમે કતારાનું કતાર થઈ ગયું. (રિસર્ચ યશપાલ બક્ષી)