સુરતમાં જહાંગીરપુરા શિવમ હોટલની સામે આવતા હજીરાથી વરીયાવ તરફ જતા રોડ પર SMCના માર્શલનો રાત્રે અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઉભેલા કન્ટેનરમાં SMCનો માર્શલ બાઈક સાથે ઘૂસી ગયો હતો. જેના પગલે માર્શલનું માથું ફાટી ગયું હતું અને ટુકડા થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ મોતને ભેંટ્યો હતો. આ મામલે ભયજનક રીતે રોડ પર કન્ટેનર પાર્ક કરનાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાત્રે નોકરીથી ઘરે પરત ફરતો હતો
ઓલપાડના હાથીસા રોડ પર આવેલી ઓમકારેશ્વર સોસાયટીમાં 30 વર્ષીય રાકેશકુમાર અમૃતભાઈ પટેલ પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને બે ભાઈ છે. રાકેશ છેલ્લા નવ મહિનાથી સુરત મહાનગરપાલિકામાં ઝોનમાં માર્શલ તરીકે ફરજ બજાવી પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો. બપોર બાદ 4 કલાકે પોતાની બાઈક પર તે નોકરી પર જતો અને રાત્રે પરત ફરતો હોય છે. ત્યારબાદ રાત્રે એક વાગ્યા આસપાસ ઘરે આવી જતો હોય છે. અકસ્માતના કારણે ટ્રાફિકજામ પણ સર્જાયો હતો
ગત રાત્રે રાકેશને ભાઈએ ફોન કરીને પૂછેલું હતું કે, તું કેટલા વાગ્યા સુધીમાં ઘરે આવીશ? ત્યારે રાકેશે જણાવ્યું હતું કે, હું રામનગર ખાતે છું અને થોડીવારમાં ઘરે પહોંચી જઈશ. જોકે, રાત્રિના બે વાગવા છતાં પણ રાકેશ ઘરે આવતા તેના ભાઈએ તેને કોલ કરવાનું શરૂ કર્યું હતું. જોકે, તેણે એક પણ કોલ રીસીવ કર્યો ન હતો. અઢી વાગ્યા આસપાસ રાકેશનું હજીરા વરિયાવ રોડ પર અકસ્માત થયો હોવાની જાણ થઈ હતી. અકસ્માતના પગલે હજીરા રોડ પર ટ્રાફિકજામ પણ સર્જાઈ ગયો હતો. માથું કન્ટેનરમાં અથડાવાના કારણે ફાટી ને ટુકડા થયું
મળતી માહિતી પ્રમાણે, જહાંગીરપુરા શીવમ હોટલની સામે આવતા હજીરાથી વરીયાવ તરફ જતા રોડ ઉપર એક કન્ટેનર (GJ-16-AU-8929) પાર્ક કરેલું હતું અને તેની પાછળ રાત્રે રાકેશ બાઇક સાથે ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. રાકેશનું માથું કન્ટેનરમાં અથડાવાના કારણે ફાટી ગયું હતું અને ટુકડા થઈ ગયા હતા. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટના અંગે જાણ થતા જહાંગીરપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જ્યારે મૃતક રાકેશ ના ભાઈએ કન્ટેનર ચાલક સુરેન્દ્ર કુમાર યાદવ વિરોધ ફરિયાદ નોંધાવી હતી.