back to top
Homeદુનિયાકોઈ 30 સ્ટોરના માલિક તો કોઈએ વસાવી 10 કરોડની પ્રોપર્ટી:USમાં ઇલીગલ ઘૂસીને...

કોઈ 30 સ્ટોરના માલિક તો કોઈએ વસાવી 10 કરોડની પ્રોપર્ટી:USમાં ઇલીગલ ઘૂસીને મજૂરી કરી, આજે કરોડોના માલિક; ચાર અજાણ્યા ચહેરાની ઇમોશનલ કહાની

‘વર્ષ 2000માં ગુજરાતથી કેનેડા પહોંચ્યો. અમેરિકા ઘૂસતા જતા પકડાતા 7 મહિના કેનેડાની જેલમાં નાખ્યો. છૂટ્યાના 4 જ દિવસ બાદ એજન્ટની પત્નીનો નકલી દીકરો બની ફરી USમાં ઘૂસ્યો. અલગ-અલગ જગ્યાએ જોબ કરી. આજે મારા ખુદના 30 સ્ટોર છે અને 10 વેરહાઉસ છે.’ ‘2019માં હું અને પત્ની કેનેડાથી અમેરિકામાં ઘૂસ્યા. હું ગેસ સ્ટેશનમાં અને પત્ની ગ્રોસરી સ્ટોરમાં રોજના 12 કલાક જોબ કરતાં. પછી મેં ટ્રક અને પત્નીએ ઉબર ટેક્સી ચલાવી. ત્રણ વર્ષ ઉંધા પડીને મહેનત કરીને એજન્ટના પૈસા ચૂકવ્યા. ચાર વર્ષ પછી સુખી જિંદગી શરૂ થઈ.’ ‘8 વર્ષ પહેલા અમેરિકા ગયો. દેવું કરીને કેનેડાની વર્ક પરમિટ લીધી. ત્રણ મહિના પછી 10 સીટર ગાડીમાં અમેરિકા પહોંચ્યો. અલગ અલગ જગ્યાએ કામ કર્યું. આજે મારા ખુદના 4 સ્ટોર છે. હવે મહિને 6 હજાર ડૉલર કમાવ છું.’ ‘અમેરિકા આવ્યાને આજે 26 વર્ષ થયા. ગામડે પાંચેક ભેંસો હતી.. 1999માં ડંકી રૂટથી 45 દિવસે અમેરિકા પહોંચ્યો. કોઈએ બોન્ડ ન ભરતા ત્રણ મહિના ડિટેન્શન સેન્ટરમાં રહ્યો. પછી સ્ટોરમાં કામ કર્યું. આજે ઇન્ડિયામાં દસેક કરોડની પ્રોપર્ટી બનાવી છે.’ અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા ચાર અલગ-અલગ લોકોની આ કહાની છે. ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝના પહેલા એપિસોડમાં અમેરિકામાં રહેતા ઇલીગલ ગુજરાતીઓમાં હાલ કેવો માહોલ છે, બીજા એપિસોડમાં અસાઇલમને કેવી રીતે હથિયાર બનાવવામાં આવે છે અને ત્રીજા એપિસોડમાં કેવી રીતે જીવના જોખમે ગુજરાતી અમેરિકા પહોંચે છે તેના તેના વિશે વાચ્યું. ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝનો પહેલો એપિસોડ: USમાં ઇલીગલ ગુજરાતીઓમાં ફફડાટ, કામ પર જવાનું બંધ કરી ઘરમાં કેદ થયા ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝનો બીજો એપિસોડ: અમેરિકામાં ઘૂસો, સામેથી પકડાવ, મન મૂકીને ડૉલર કમાઓ ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝનો ત્રીજો એપિસોડ: ગેરકાયદે US જતી યુવતીઓ રૂટમાં બને છે હવસનો શિકાર હવે ચોથા એપિસોડમાં વાંચો એવા 4 અજાણ્યા ગુજરાતી ચહેરાઓની ઇમોશનલ કહાની. દિવ્ય ભાસ્કર સાથે નામ, સ્થળ અને ઓળખ જાહેર ન થાય એ રીતે ચાર લોકોએ વાત કરી હતી, જેમાં તેમણે ગુજરાતમાં કેવી સ્થિતિ હતી, નસીબ બદલવા કેવી રીતે અમેરિકા પહોંચ્યા, ત્યાં કેવો સંઘર્ષ કર્યો અને આજે કેવી જિંદગી જીવે છે તેના વિશે ખૂલીને વાત કરી હતી. સૌથી પહેલાં અમે 25 વર્ષ પહેલા અમેરિકા પહોંચેલા ગાંધીનગરના મુકેશ પટેલ સાથે વાત કરી હતી. વાંચો મુકેશ પટેલના શબ્દોમાં તેમની કહાની- ‘અમેરિકામાં મેં ગુજારેલા 25 વર્ષની વાત 10 મિનિટમાં કેમની થશે? પણ જોઈએ. ભારતમાં એ વખતે ભણતર જ નહોતું. 94 તો શું 34 ઉપર કોઈના માર્ક જ નહોતા આવતાં. એટલે મારુ તો કોઈ ભવિષ્ય જ નહોતું. અમારી એ વખતની જનરેશનને પોતાનું કશું જ નહોતું. પપ્પાનું ચંપલ જ નક્કી કરે કે તમારે કયા જવાનું છે? એ વખતે બધા અમેરિકા જતાં જ હતા તો મેં પણ જવાનું નક્કી કર્યું. અહીંયા મહેનત સામે કોઈ વળતર નહોતું. કાપડની દુકાનમાં મહિને 1500 રૂપિયામાં આખી જિંદગી કાઢી નાખવાની. મરો ત્યારે માંડ 3500 રૂપિયા પગાર થાય. આમાં કયા સપનાં પૂરા થાય?’ ‘મને એ સમયનું એટલું યાદ નથી પણ વર્ષ 2000ના જાન્યુઆરીમાં ગુજરાતથી જવા નીકળ્યા હતા. એજન્ટ આપણને બધી વાત કરે પણ નહીં. એ કહે કે જવા માટે રેડી રહો એટલે આપણે રેડી રહેવાનું. મારા કાકાએ સેટઅપ કર્યું હતું. પહેલા ઈન્ડિયાથી જમૈકા ગયો હતો. ત્યાંથી એજન્ટ સાથે આવ્યો. અમે એર જમૈકાની ફ્લાઈટમાં બેસી ગયા. પાસપોર્ટ એજન્ટે જ લઈ લીધો હતો. એ વખતે ત્યાં કરપ્શન ઘણું હતું. અમને સાઇડમાંથી લઈ જઈ સીધા પ્લેનમાં બેસાડી દીધા. જમૈકાથી ઉપડેલી અમારી ફ્લાઈટ કેનેડાના ટોરેન્ટો એરપોર્ટ પર લેન્ડ થઈ. બોર્ડિંગ પાસ ફાડીને ફ્લશ કરી દીધો હતો. એરપોર્ટ પર ઉતરીને એજન્ટ જતો રહ્યો. આ થોડું ફની લાગશે પણ ત્યાં પછી ટાઈમ વેસ્ટ કરવાનો. બીજી 2-3 ફ્લાઇટ ઉતરવાની રાહ જોવાની. મતલબ પોલીસને ખબર ન પડે કે તમે કઈ ફ્લાઇટમાંથી ઉતર્યા છો તેનું નાટક કરવાનું. જો ખબર પડે તો મને જમૈકાની ફ્લાઇટમાં પાછો બેસાડે અને જમૈકાથી ઈન્ડિયા પાછો મોકલી આપે.’ ‘પછી ટોરેન્ટો એરપોર્ટ પર પોલીસે મારી પૂછપરછ કરી. મને હજુ પણ યાદ છે એ લેડી ઓફિસરે મને પૂછ્યું હતું, ‘ટેલ મી યોર સ્ટોરી. તમે કઈ ફ્લાઇટમાં આવ્યા છો?’ મેં જવાબ આપ્યો હતો, ‘મને ખબર નથી. મારી સાથે એજન્ટ આવ્યો હતો. એ મારો પાસપોર્ટ લઈને મને અહીંયા ઊભો રાખીને જતો રહ્યો.’ બધાની જેમ મેં પણ આ જ સ્ટોરી કહી. એટલે તમને કયા દેશમાં પાછા મોકલવા એ ત્યાંની પોલીસને ખબર જ ના પડે. કારણ કે તમારી પાસે પાસપોર્ટ પણ નથી. કાયદા મુજબ તમે જે ફ્લાઇટમાં આવ્યા હોય એ જ ફ્લાઇટમાં તમને એ બેસાડી શકે.’ ‘પ્રમાણિકતાથી કહું તો પોલીસની પણ આખી સ્ટોરી ખબર હતી. એમને ખબર હતી કે હું ખોટું બોલું છું. તેમને એ પણ ખબર હતી કે આ વ્યક્તિ આવું બોલે એટલે તે દેશના કાયદા પ્રમાણે તેને છોડી દેવી પડશે.’ ‘મેં પોલીસને નેશનાલિટી તો ઇન્ડિયન જ કહી પણ કારણ એવું આપ્યું કે મારા ઘરમાં ઝઘડો થયો હતો. મારા કાકાએ મને પ્લેનમાં બેસાડી દીધો. મારા જીવને ત્યાં ખતરો છે. પહેલા ગેરકાયદે જતાં લોકો આજ કારણ વધુ આપતા. અત્યારે ભાજપ-કોંગ્રેસ પાર્ટીનું કારણ આપે છે. મારા સમયે તો ફેમિલીનો વિવાદ કહી દો તો પણ ચાલતું હતું. એજન્ટનું પૂછ્યું તો મેં કહ્યું, ‘ખબર નથી’. છેલ્લે પોલીસે પૂછ્યું કે’ તમારી પાસે ટેક્સી માટે રૂપિયા છે.’ મે કહ્યું, ‘હા મારી પાસે છે.’ જો પૈસા નથી એમ કહ્યું હોત તો એ પણ આપત.’ ‘મારી વાત સાંભળ્યા પછી પોલીસે મને અંતે કહ્યું, ઓકે, તમે જઈ શકો છો. કેબ લઈ લો અને તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. મેક સ્યોર કે કોર્ટમાં હાજરી આપો. આટલું કહી મને અસાઈલમના કાગળ આપી દીધા. રહેવા માટે સાતેક પ્રોપર્ટીના ઓપ્શન આપીને કહ્યું કે તમને જે ગમે એમાં રહેજો. કોર્ટના ટાઈમે તમે આવી જજો. જજ નક્કી કરશે કે તમને આ દેશમાં રહેવા દેવા કે નહીં. ત્યાં સુધી અહીં રહીને નોકરી પણ કરી શકો છો. ત્યારે રાતના 12 વાગ્યા હતા. મારી પાસે કોઈ સામાન નહોતો. ત્યાં હાજર ઓફિસરે મને એક ટેક્સીમાં બેસાડી જવા દીધો.’ ‘એજન્ટે કહી રાખ્યું હતું એ મુજબ હું ગુરુદ્વારામાં જતો રહ્યો. મેં રાત્રે ગુરુદ્વારાનો દરવાજો ખખડાવ્યો એટલે એક દાદાએ દરવાજો ખોલ્યો. મને પથારી કરી આપી અને હું સૂઈ ગયો. સવારે ઉઠ્યો ત્યારે ચા-પાણીનું પૂછ્યું પણ હું ડરેલો હતો કે પારકાં દેશમાં મને કોઈ લેવા આવશે કે નહીં. થોડીવાર પછી એક ભાઈ લેવા આવ્યો. બીજા એક એજન્ટના ઘરે ગયા.’ ‘અમે કુલ દસેક લોકો હતા, જેમાં બે આફ્રિકન અને બાકીના પંજાબી હતા. અમને બધાને એક ગાડીમાં બેસાડીને અમેરિકાની બોર્ડર તરફ લઈ ગયા.ત્યાંથી ત્રણેક મિનિટમાં નદીનો રસ્તો બોટમાં પાર કરવાનો હતો પણ નદી સુધી પહોંચતા પહેલા જ બધા કેનેડાની પોલીસના હાથે પકડાઈ ગયા.’ ‘પોલીસે મને કહ્યું કે તને સવારે કેનેડામાં રહેવા માટે અસાઇલમ આપ્યું અને સાંજે તું બોર્ડર ક્રોસ કરવા જાય છે. પછી મને 7 મહિના જેલમાં નાખ્યો. બોર્ડર ક્રોસ કરતો હોઉ તો પૂરે જ ને. તો એની માટે મારે સરકારને બ્લેમ કરવાનું ના હોય. એ મારો ફોલ્ટ હતો. પછી હું ડિટેન્શન સેન્ટર જેવી હોલ્ડિંગ જેલમાં રહ્યો. એ હાર્ડકોર નહીં પણ સારા પ્રકારની જેલ હોય. રોજ બધાને જજ સામે લઈ જાય. જેમને છોડવાનું કહે એ જતાં રહે. સજા પડે એ હાર્ડકોર જેલમાં જાય અને તારીખ પડે એ બધા પાછા હોલ્ડિંગ જેલમાં આવે. આ જેલમાં રોજ કપડાં ધોવાઈને આવી જાય. તમારા ડાયટ અનુસાર બ્રેકફાસ્ટ આવી જાય. નોનેવેજ ખાવાનો ઈશ્યૂ હોવાથી હું 7 મહિના 21 દિવસ દૂધ, બ્રેડ અને ફળ ઉપર જ રહ્યો છું. ત્યાં એટલું દૂધ પીધું કે જેલમાંથી બહાર નીકળ્યા બાદ આજ સુધી દૂધનું એક ટીપું ચાખ્યું નથી!’ ‘એ પછી 7 મહિના 21 દિવસે મને જજે કહ્યું, ‘અમે તમારો ભરોસો કરીએ છીએ. તમે કોર્ટમાં આવજો.’ મને 10 હજાર ડૉલરના બોન્ડ ભરીને છોડ્યો. જોકે ફરી અમે એમનો ભરોસો તોડ્યો! ચારેક દિવસ પછી ફરી અમેરિકા જવા માટે પ્રયત્ન કર્યો. ‘ ‘ટોરેન્ટોથી ફ્લાઇટમાં બેસીને વેનકુંવર શહેર ગયો. ઇન્ટરનલ ફ્લાઇટમાં પાસપોર્ટ નહોતો માગ્યો. હું એ સમયે 19 વર્ષનો હતો. એજન્ટની વાઈફ સાથે તેનો દીકરો બનીને કારમાં બેસી ગયો. બોર્ડર પર તેણે તેના ટીનેજર દીકરાનો પાસપોર્ટ બતાવ્યો. જેનો ચહેરો મારા ચહેરાને મળતો આવતો હતો. કપડાં પણ એવા પહેરાવી દીધા હતા. એજન્ટની વાઇફે પોલીસને કહ્યું, ‘મારા પતિ પેલી બાજુ (અમેરિકા) ગયા છે તો અમે પણ એમને મળવા પાર્કમાં જઈએ છીએ. પાંચેક કલાકમાં પાછા આવી જઈશું.’ આ વખતે અમેરિકામાં જવામાં સફળ રહ્યો. એ વખતે બહુ જ લિબરલ હતા. આ બધું 9/11ના આતંકી હુમલા પછી સ્ટ્રિક્ટ થયું છે.’ ‘અમેરિકા પહોંચીને મને બસની ટિકિટ કરાવી આપી. પહેલાં હું ન્યૂ યોર્ક ગયો. ત્યાંથી બીજા સ્ટેટમાં મામા પાસે ગયો. આઠ મહિના જેલમાં રહ્યો તો પણ મામાને એમ ન થયું કે ભાણા, આરામ કર. જેવો ઉતર્યો એ જ રાત્રે નોકરી ચાલુ. રક્ષાબંધનનો દિવસ હતો તો બહેને રાખડી બાંધીને રાતની જોબ ચાલુ. મેં પહેલી જોબ એક વર્ષ સુધી ડંકીન ડોનટમાં કરી. પછી 4 વર્ષ બીજા કાકાને ત્યાં જોબ કરી. મેં વર્ષ 2007માં મારો પોતાનો પહેલો સ્ટોર કર્યો. ત્યારે મારી પાસે માત્ર 1000 ડૉલર જ હતા. આજે મારી પાસે 30 સ્ટોર છે અને 10 વેરહાઉસ છે. મેં ક્યારેય અસાઇલમ માટે અપ્લાય નહોતું કર્યું.’ ‘વચ્ચે એક નોકરી મારા પપ્પાના દૂરના કાકાના ત્યાં કરતો હતો. મંદિર આવીશ તો જ નોકરીએ રાખીશ એવી તેમણે શરત મૂકી હતી. એટલે હું તેમની સાથે દર વીકેન્ડમાં મંદિરે જતો, જ્યાં ચારેક કલાક વાસણ ધોવા સહિતની સેવા આપતો. એ રીતે ત્યાંના મહારાજ મને ઓળખતા થયા. મહારાજને મારી સ્થિતિની ખબર હતી. એ દરમિયાન ત્યાં નવું મંદિર બનવાનું હતું. એક મોટા સ્વામી આવ્યા તો મને એમની પાસે લઈ ગયા. મારા વિષે વાત કરી કે કમાય છે પણ કંઈ બચતું નથી. સ્વામીએ એક વ્યક્તિને બોલાવીને કહ્યું કે તું નવો સ્ટોર કરે ત્યારે આ છોકરાને ભાગીદારમાં રાખજે. ભગવાન દયા કરશે અને તમારા બંનેનું બહુ સારું ચાલશે. એ ભાઈ મને ઓળખતા નહોતા પણ એક જ વીકમાં એમની પાસે નવો સ્ટોર આવ્યો. એમણે મારો સંપર્ક કરીને કહ્યું મહારાજે કહ્યું હતું એટલે મારે તારો 50% ભાગ રાખવાનો છે. એ રીતે મને પહેલો સ્ટોર મળ્યો. બાદમાં દર વર્ષે એક નવો સ્ટોર ચાલુ કરતાં ગયા. મારું બધું દેવું ચૂકવી દીધું હતું.’ ‘આપણા ગુજરાતી લોકો અમેરિકામાં પારસી જેવા છે. અહીં પારસી લોકો કઈ માગતા નથી તેમ છતાં સારું કર્યું છે. એમ આપણે પણ અમેરિકા માટે નોન વાયોલન્ટ, મહેનતી પ્રજા છીએ પણ ચારેક વરસથી બધુ બદલાયું છે. કહે છે કે આમને રખાય જ નહીં. આમને કામ નથી કરવું અને ચોરીઓ કરવી છે. પહેલા ગુજરાતીઓ મજૂરી કામ કરતાં, પૈસા ભેગા કરીને પોતાનો ધંધો ચાલુ કરતાં. તરક્કી કરી 10 વર્ષે 5 સ્ટોર પોતાના કરે. બુદ્ધિ વધારે હોય તો 50 સ્ટોર પણ કરે. એવા તો આપણા ઘણા લોકો મિલિયોનેર બન્યા છે. અમેરિકા ઈઝ લેન્ડ ઓફ ઑપોર્ચ્યુનિટી.’ ‘ગુજરાતમાં હતો ત્યારે લગ્ન માટે એક છોકરી જોઈ. કમાતો જ નથી તો લગ્ન કરીને શું કરું? એટલે મેં ના પાડી. એક વર્ષ બાદ 2001માં એ રીતે એ જ છોકરી અમેરિકા આવી. ત્યારે ફરી એના પિતાએ મારો અપ્રોચ કર્યો. ત્યારે મેં હા પાડી. પછી અમે બંનેએ લગ્ન કર્યા.’ ‘અત્યારે અમેરિકાથી હાથકડી પહેરાવીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે તો લોકો કહે છે કે બેઈજ્જતી કરવામાં આવી રહી છે. તો તમને કોણે અમેરિકા જવાનું કીધું હતું? કોણે ઇન્વાઇટ કર્યા હતા? હું મારી પહેલી ગાડી લાવ્યો ત્યારે 100 ડૉલરનો ફાઇન થયો હતો પણ એડ્રેસ બદલાઈ જતાં મને લેટર ન મળ્યો એટલે ફાઇન ન ભર્યો. બીજીવાર ચેક પોઈન્ટ પર મને પકડ્યો. એમના નિયમ પ્રમાણે મને હાથકડી પહેરાવીને સાંજે જજ આગળ લઈ ગયા. જજ કહે 100 ડૉલર ભરો. મને થયું 100 ડૉલર માટે આટલું બધુ? પણ એ ત્યાંનો નિયમ છે. એ રીતે જ એ કરે છે. હું પણ ઇલીગલ રહેતો હતો તો મને કાઢી મૂક્યો હોત પણ અમેરિકન કાયદા એવા નથી. મને ઘણા વર્ષ રાખ્યો. મારા દીકરા પેદા થયા એનો ખર્ચો અમેરિકાએ આપ્યો. મારા છોકરાઓને અમેરિકાએ ભણાવ્યા છે. ‘ ‘અત્યાર સુધી પોલીસને કોઈ ઓથોરીટી જ નહોતી કે કોઈનું લીગલ સ્ટેટ્સ માગી શકે. પોલીસે ઘણો ટ્રાય કર્યો પણ એમને સેન્ટ્રલ ગવર્નમેન્ટે એ રાઇટ્સ જ ન આપ્યા. હા, તમે કોઇની છેડતી કરતાં પકડાયા તો સેન્ટ્રલ ઇનવોલ્વ થાય. તમારું સ્ટેટ્સ ચેક કરે ને ડિપોર્ટ કરે. એમ ઘણા પાછા આવ્યા છે પણ એ પ્રકારનું ક્રાઇમ કરો તો. રેગ્યુલર ડ્રાઇવ કરો તો વાંધો નથી આવતો. મારી ગાડી બેવાર અથડાઈ પણ એમણે ક્યારેય મારું લીગલ સ્ટેટ્સ નથી પૂછ્યું. ફેડરલ ગુનો કરો ત્યારે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો. અત્યારે પણ જે ત્યાં રહે છે એ કદી પાછા નહીં આવે, કારણ કે એ દેશના કાયદા એવા છે કે આખી જિંદગી રહીને તમે લડી શકો. હા, બોર્ડર પર પકડાયા તો એન્ટ્રી નહીં મળે. હમણાંથી ટ્રમ્પે અસાઇલમ આપવાનું બંધ કર્યું છે.’ ‘વતન ગુજરાતમાં બધા પૂછે કે શું કરવા અમેરિકા ગયા? મારું કહેવું છે કે અહીંયા કશું દેખાયું નહીં એટલે ભાગીને ગયો પણ ત્યાંથી પૈસા કમાવીને આ દેશમાં જ મોકલ્યા ને. તો ઘણા લોકો કહેતા હોય છે કે લાખો ખર્ચીને અમેરિકા જાવ એના કરતાં અહીં જ ધંધો કરો ને પણ એવું નથી. જો એટલા જ રૂપિયા હોત તો અહીં જ ધંધો કરત. પૈસા નથી હોતા એટલે તો અમેરિકા જાય છે. આવી વ્યક્તિ જ્યારે અમેરિકા પહોંચે ત્યારે મારા જેવા લોકો ફંડ ભેગું કરીને મદદ કરે છે. અમને પણ ખબર છે કે અહીંં આવ્યો છે તો પૈસા કમાઈને પાછા આપી દેશે. બાકી મારી પાસે રૂપિયા હોત તો હું પણ ન જાત. એ વખતે અહીં કોઈ 100 રૂપિયા પણ ઉછીના આપતું નહીં.’ ‘મારા દીકરાૃદીકરીએ એક વાર અસાઇલમ માગ્યું હતું, જેમાં તેમણે કારણ આપ્યું હતું કે તેમનો જન્મ અહીં જ થયો હોવાથી અમેરિકામાં જ રહેવાની પરમિશન આપો. લોકોએ અમને સલાહ આપી કે તમે એવું કારણ આપો કે તમારા દીકરાને અસ્થમા છે અને ભારતમાં ધૂળ અને ગંદુ છે એટલે ઇઝીલી અસાઇલમ મળી જશે. જોકે હું મારા પરિવારના ફાયદા માટે દેશને બદનામ કરતું જુઠ્ઠ ન બોલ્યો.’ ‘વર્ષ 2022ની વાત છે. મારા પપ્પા પડી ગયા. મને થયું પૈસા કરતાં એમને વતન ગુજરાતમાં અમારી વધારે જરૂર છે. હું ગુજરાત પાછો આવતો રહ્યો. ભારતમાં એરપોર્ટ પર પણ મને પૂછ્યું એટલે એ જ સ્ટોરી એમને કહી.’ ‘હું એમ કહું કે ભારત મારી માતા છે. મને મોટો કર્યો અને રાખ્યો તો પિતા તરીકેની ફરજ અમેરિકાએ બજાવી છે. મારા પરિવારનું ભરણપોષણ કર્યું અને રાખ્યો. હાલ હું ગુજરાતમાં સુખેથી રહું છું. પરિવાર અને ધંધો અમેરિકામાં સેટ છે.’ મુકેશ પટેલ જેવી જ કંઈક કહાની હિંમતનગરના રાહુલ ચૌધરીની છે, જે છ વર્ષ પહેલા અમેરિકામાં ગયા હતા. તેમના સંઘર્ષની વાતો તેમના જ શબ્દોમાં- ‘છેક વર્ષ 2009માં મેં યુએસના H1B વિઝા માટે એપ્લાય કર્યું હતું પણ રિજેક્ટ થયા. પછી વિઝિટર વિઝા પણ ન આપ્યા. બીજી તરફ ઇન્ડિયામાં પણ ધંધો ચાલતો નહોતો અને ફાઇનાન્શિયલ પ્રોબ્લમ હતા. વર્ષ 2016 સુધીમાં તો મારી સ્થિતિ સાવ કથળી ગઈ. મેં બધું સેટ કરવા માટે ગેરકાયદેસર અમેરિકા જવાના પ્રયાસ શરૂ કર્યા. ‘ ‘અ સમયે મારી પાસે યુરોપના વિઝા હતા. હું સ્પેન વગેરે જગ્યાએ જઈને આવ્યો હતો. પછી કેનેડાના વિઝિટર મૂક્યા તો એ પણ મળી ગયા. નક્કી કર્યું કે હવે કેનેડા થઈને અમેરિકા પહોંચી જવું છે. બહુ હેેરાન થતો હતો અને પૈસા પણ નહોતા. મને ત્યારે લાગ્યું કે ઈન્ડિયામાં હજી 50 લાખ નાખીશ તો પણ પૈસા ઉગશે કે નહીંં તેનું નક્કી નથી.’ ‘હું અને મારી પત્ની સાથે કેનેડા પહોંચ્યો. ત્યાં મારો એક ફ્રેન્ડ હતો. જેણે મને એક વ્યક્તિને મળાવીને કહ્યું કે આ તમને અમેરિકા પહોંચાડી દેશે. તું પૈસા મને આપીને જતો રહેજે. એ સમયે 8 હજાર ડૉલરમાં ડીલ થઈ. એ સમયે ડર અને ગભરામણ થઈ કે યુએસમાં એન્ટર થઈશું ને કોઈ પકડશે તો શું કરીશું. પણ કંઈ જ ન થયું અને સીધે સીધા આવી ગયા. હવામાન પણ સારું હતું એટલે ક્યાંય હેરાન ન થયા. એજન્ટે શું સેટિંગ કર્યું એ પણ ખબર ન પડી. ન્યૂ યોર્ક પાસિંગની 10 સીટર વાનમાં હું અને પત્ની સહિત 6 ગુજરાતી અને 2 પંજાબી લોકો હતા. પ્રવાસમાં 13 કલાક થયા. વચ્ચે રસ્તામાં બે વાર ઊભા પણ રહ્યા હતા.’ ‘કેનેડામાં સમય પસાર કરીને ધીરજ રાખો એટલે અમેરિકા પહોંચાડનાર માણસ મળી જ જાય. જે આરામથી કેનેડાથી અમેરિકા મૂકી જાય. જોકે આ વર્ષ 2019ની વાત છે. અત્યારની સ્થિતિની ખબર નથી. ન્યૂ યોર્ક પહોંચીને હું મારા એક સબંધીને ત્યાં 2-3 મહિના રહ્યો. પછી ડેલાવરમાં મારી જોબ લાગી. મારી પાસે કાર લાઇસન્સ કે કંઈ ન હતું. દોઢ વર્ષ ત્યાં જોબ કરી. ત્યાં સુધી એસાઇલમ માટે અપ્લાય કર્યું. 180 દિવસ સુધી વર્ક પરમિટ ન આવે ત્યાં સુધી ઘર ન મળે. જ્યાં જોબ કરતો ત્યાં ઓફિસમાં રહ્યો. પત્નીને સાથે નહોતો રાખી શકતો.’ ‘પાંચેક મહિના પછી રૂટિન સરખું થયું. એવરેજ પગાર 3000 ડૉલર જેટલો હાથમાં આવતો થયો. ત્યાં ઘર લો તો અંદાજે મહિને 2100 ડૉલર જેટલો ખર્ચો થાય. જોકે ઘણા સસ્તામાં ભાડે પણ રહેતા હોય છે. અંદાજે બે લોકોનું 600 ડૉલર લેખે ભાડું થાય છે. હું ગેસ સ્ટેશનમાં અને મારી વાઈફ ગ્રોસરી સ્ટોરમાં જોબ કરતી. લેડીઝને પૈસા ગણવામાં તકલીફ પડે એટલે તેણે એ માટે 15 દિવસની ટ્રેનિંગ લીધી. એ પછી કલાકના 9 ડૉલર લેખે તેનો પગાર શરૂ થયો. અમારે સેટ થવું હતું એટલે હું રોજના 12 કલાક લેખે વીકના 84 કલાક જોબ કરતો. જ્યારે મારી પત્ની બપોરે 12થી સાંજે 8 વાગ્યા સુધી નોકરી કરતી. ‘ ‘એક વર્ષ પૂરું થયા પછી પરમિટ વગેરે માટે એપ્લાય કર્યું. અસાઇલમ અપ્લાય કરો એટલે 180 દિવસની ક્લોક ચાલે. એ ફોન તથા વેબસાઇટ પર પણ બતાવે કે તમારા કેટલા દિવસ થયા. નિયમ મુજબ તમારી પાસે જે સ્ટેટનું EAD (એમ્પલોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ) હો ત્યાં જ કામ કરી શકો. પણ આપણાવાળા ન્યૂ યોર્કનું EAD લઈને દૂરના સ્ટેટમાં કામ કરતાં હોય છે. જેથી કાયદેસર ટેક્સ ન ભરવો પડે. ‘ ‘મારે ન્યૂ યોર્કનું EAD આવ્યું એટલે મેં ત્યાં જોબ માટે અપ્લાય કર્યું. મારું આઇટીનું બેકગ્રાઉન્ડ હતું એટલે મને તેમાં જોબ મળી. જ્યારે પત્નીએ સબ-વેમાં સેન્ડવીચ બનાવવાનું કામ શરૂ કર્યું. એ પછી તે ઉબરની ટેક્સી ચલાવતી થઈ ગઈ. હાલમાં પણ એ ટેક્સી ચલાવે છે.’ ‘અસાઇલમવાળાને મોટાભાગે ફેડરલ અને સરકારી નોકરી ન મળે. બાકી બધે મળી જાય. મારી કંપની સરકારી કંપનીમાં ઇન્સ્ટ્રુમેન્ટ આપે છે. જેના મેન્ટેનન્સ ટેક તરીકે કામ કરું છું. મારી અને પત્ની પાસે ટ્રક ડ્રાઇવરનું લાઇસન્સ પણ છે. અમે પહેલા ન્યૂ જર્સીથી કેલિફોર્નિયા અને ત્યાંથી રિટર્ન ટ્રકની ટ્રીપ મારતા, એમાં પાંચેક દિવસ લાગતા અને 1900 ડૉલર મળતા. પછી ટ્રાન્સપોર્ટ લાઇન બેસી ગઈ. પછી હું મારી આઈટીની લાઇનમાં જ આવી ગયો. ‘ ‘મારી પત્નીએ કોઈ દિવસ ગુજરાતમાં સ્કૂટી પણ નહોતી ચલાવી. જે અહીંયા આવીને ઉબર ટેક્સી ચલાવે છે, એમાં ડ્રાઈવર અને પેસેન્જર બંને સેફ રહે છે, કેમ કે એમાં કેશમાં જ વ્યવહાર થાય છે. વર્ષ 2012માં અમેરિકામાં ઉબર આવી એ પહેલા ડ્રાઇવર બહુ કમાયા. રોજના 800 ડૉલર જેટલી કમાણી થતી પણ પછી ગુનેગારો ટેક્સી કરીને ખૂણામાં લઈ જઈને ડ્રાઈવરને મારીને લૂંટી લેતા. ‘ ‘હવે અમારા જીવનમાં શાંતિ છે. 8 કલાક કામ કરીએ તો પણ ઈન્ડિયાનું ઘર પણ આરામથી ચાલે છે. હજી અમે કોઈ પ્રોપર્ટી નથી વસાવી. આપણે ગુજરાતી વિચારી વિચારીને ચાલવાવાળા. બધા પેપર વર્ક પૂરા થાય પછી જ કંઈક વસાવીશું હાલ નહીં.’ ‘મને કોઇની પાસે રૂપિયા માગવા ગમે નહીં પણ જીવનમાં એક તબક્કો એવો આવ્યો હતો કે લાખ-બે લાખ રૂપિયાની જરૂર પડી અને માગવા પડ્યા હતા. એકવાર ગોલ્ડ પણ વેચ્યું હતું પણ અત્યારે એના કરતાં ત્રણ ગણું ખરીદ્યું છે, આટલો ફરક પડ્યો છે. શરૂમાં એક વર્ષ અહીં તકલીફ પડી, પણ પાછા જવાનો વિચાર ક્યારેય નથી આવ્યો. હાલમાં યથાશક્તિ પ્રમાણે મંદિર વગેરેમાં કાર્યક્રમ હોય તો 20-25 હજાર રૂપિયા લખાવી દઉં છું. પહેલા એટલી તાકાત નહોતી.’ ‘ઈન્ડિયાથી જે લોકો આવે એ પહેલા અહીં એક જગ્યા શોધીને રહેવા લાગે. તેમને ખાવા-પીવા ઉપરાંત મહિને 5000 ડૉલર મળી જાય. આમ 12 મહિને 60 હજાર ડૉલરનું સેવિંગ થાય. એક કરોડ ખર્ચીને આવ્યા હોય એટલે શરૂઆતના 3 વર્ષ તો ઉંધા પડીને મજૂરી કરે એટલે એજન્ટને રૂપિયા ચૂકવાઈ જાય. ત્યાર બાદ જ્યાં કામ કરતાં હોય એ માલિક તેમને પગાર ઉપરાંત 20%ની ઓફર આપે. બીજા બે વર્ષ કામ કરે. થોડા રૂપિયા ભેગા થાય એટલે આગળ વિચારે. મતલબ જે રૂપિયા ખર્ચીને આવ્યા હોવ એ ચારેક વર્ષમાં તો નીકળી જાય. પછીની જિંદગી અમેરિકામાં શાંતિ થઈ જાય. જોકે કેનેડા-યુકેમાં એ નથી. ત્યાં આટલા પૈસા ન મળે. અમેરિકા એક જ એવું છે કે જ્યાં ફૂલ કામની સાથે સારો એવો પગાર પણ મળે છે. સિંગલ વ્યક્તિ આવે એ તો વધારે કમાય. એ જમવાનું ક્યાંય પણ સેટિંગ કરી લે. અમેરિકામાં ગુજરાતી-પંજાબી એટલા છે કે વીસીમાં જમવાનું તો મળી જ રહે.’ કંઈક આવી જ વાત ચરોતરના શિવભાઈની છે. જે 26 વર્ષ પહેલા યુએસ ગયા હતા. તેમના સંઘર્ષની વાત તેમના જ શબ્દોમાં- ‘કોઈ પણ માણસ અમેરિકા ઇલીગલ આવે તે પહેલાં તેણે લીગલ રીતે આવવાના પ્રયાસ કર્યા જ હોય છે પણ કોઈ રસ્તો બાકી ન રહે ત્યારે છેલ્લો આ રસ્તો અપનાવે. બાકી આટલો ખર્ચો અને આટલું રિસ્ક કેમ લે?’ ‘હું અમેરિકા આવ્યો એને આજે 26 વર્ષ થયા છે. એટલે અત્યારે એટલું બધુ યાદ નથી પણ વતન ચરોતરમાં પાંચેક ભેંસો હતી. બે બહેનો અને એક ભાઈ વચ્ચે બે વીઘા જમીન હતી. પરિવારમાં સૌથી મોટો હું હતો. મારા લગ્ન થઈ ગયા હતા અને બે બાળકો હતા. એ સમયે મારી ઉંમર 35 વર્ષની હતી. ઘણી સ્ટ્રગલ કરી પણ કોઈ રીતે કંઈ સેટ થતું નહોતું. પરિવારના ભવિષ્ય માટે છેવટે અમેરિકા જવાનું નક્કી કર્યું.’ ‘1999માં ડંકી રૂટથી 45 દિવસે મેક્સિકો થઈને યુએસ પહોંચ્યો. ક્યાંક બોટમાં તો ક્યાંક ચાલતો ગયો. ઘણીવાર વરસાદ આવે ત્યારે રોકી દેતા. ટેક્સાસની ફિનિક્સ બોર્ડર પરથી અમે અંદર ગયા. જ્યાં નવા જ બનેલા એક ગુરુદ્વારામાં રોકાયા. પછી પોલીસે અમને પકડી લીધા અને અમે સરન્ડર થઈ ગયા. હું છ મહિના ડિટેન્શન સેન્ટરમાં રહ્યો. એ સમયે બોન્ડ ભરવાના, લોયર રાખવાની કંઈ ખબર નહોતી. બોન્ડ ભરવા માટે કોઈ તૈયાર પણ નહોતું થતું. બધાને એવું હતું કે મને સપોર્ટ કરવામાં ક્યાંક તેમને તકલીફ થશે તો? એટલે 3 મહિના વધુ અંદર રહેવું પડ્યું.’ ‘એ પછી મારા સબંધી સાથે સ્ટોરમાં કામ કરવાનું શરૂ કર્યું. એ દરમિયાન અગસ્ટા નામના શહેરમાં નોકરી કરતો હતો. એક દિવસ એક આફ્રિકન સ્ટોર લૂટવા આવ્યો. હું કંઈ સમજુ એ પહેલાં જ એણે મારા ઉપર ચાકુથી હુમલો કર્યો હતો. હાથ અને ગળામાં ગંભીર ઇજાઓ થઈ. જેને પગલે હોસ્પિટલમાં સારવાર લેવી પડી. ત્યાં આપણી જેમ પહેલા રૂપિયા લઈને સારવાર શરૂ કરે એવું નથી. તાત્કાલિક સારવાર શરૂ કરી દીધી. અમેરિકાની આ વાત મને સ્પર્શી ગઈ. લીગલ- ઇલીગલ પૂછ્યા વગર જ મને સારવાર આપી. એ પછી 20 દિવસે રિકવર થઈને ફરી જોબ શરૂ કરી. ‘ ‘મેં કેટલાક કારણોસર હજી એસાઇલમ અપ્લાય નથી કર્યું. હવે મારી 61 વર્ષની ઉંમર થઈ છે. અત્યારે પરિવારમાં બધા સેટ થઈ ગયા છે. બંને દીકરાને ભણાવ્યા. એક સારી પોઝિશન પર છે. બીજો હાલમાં જ સ્ટુડન્ટ વિઝા પર આવ્યો છે. મેં 26 વર્ષના સંઘર્ષના પગલે પરિવારમાં ભાઈ-ભત્રીજા- ભાણીયા બધા સેટ થઈ ગયા છે. આ જ હકીકત છે.’ ‘મેં 26 વર્ષ ઘર અને સ્ટોર પર જ વિતાવ્યા છે. જે સ્ટોરમાં કામ કરું છું ત્યાંથી સીધા ઘરે અને ઘરેથી સીધા સ્ટોર પર. આ જ મારું રૂટિન રહ્યું છે. જ્યાં રહું છું એ શહેર છોડીને ક્યાંય ગયો નથી. અહીં આવ્યો તેના 12 વર્ષ પછી પહેલી અને એક જ વાર ન્યૂ યોર્ક ગયો હતો. બાકી જ્યાં રહું છું એ શહેરમાં પ્રસંગ હોય તો અટેન્ડ કરું. મારી પાસે કોઈ લાઈસન્સ કે કંઈ નથી. રવિવારે મંદિર જવાનું જ્યાં લોકોને મળવાનું થાય છે.’ ‘અહીં મારો ગોલ એક જ હતો કે મજૂરી કરવી, રૂપિયા કમાવવા અને અને ઘરનાને સુખી કરવા. અહીં મારા સંબંધી પાસે 14 જેટલા સ્ટોર છે, એમાંથી 2 સ્ટોર મેનેજ કરું છું. શરૂઆતમાં 1500 ડૉલર પગાર હતો. પછી 2500 ડૉલર થયો. આજે 4 હજાર ડૉલર પગાર છે. આજે આજે વતનમાં ગામડે ઘર બનાવ્યું છે અને જમીન લીધી છે. લગભગ દસેક કરોડ રૂપિયાની પ્રોપર્ટી બનાવી છે. ઉપરાંત અન્ય સામાજિક પ્રસંગો સાચવ્યા હોય એ અલગ.’ ‘આટલા વર્ષો સુધી હું પરિવાર અને દીકરાઓથી દૂર રહ્યો. આજે બંને દીકરા મોટા થઈ ગયા છે. ખુશીની વાત એ છે કે દીકરાને યુએસના વિઝા મળી ગયા છે. વતનમાં 3 વર્ષના જે દીકરાને મૂકીને ગયો હતો એ આજે મને 22 વર્ષે અમેરિકામાં મળ્યા. હું 61 વર્ષે પણ ફીટ છું પણ ખબર નહીં હવે બીજા કેટલા વર્ષ કાઢીશ. હવે ફેમિલી સાથે રહેવા માટે વતન ચરોતર પાછા જવાની ઈચ્છા છે.’ સુરેન્દ્રનગરના સુનિલ પટેલ 8 વર્ષ પહેલા ડૉલરિયા દેશમાં પોતાની જિંદગી બદલવા ગયા હતા. તેમની વાત તેમના શબ્દોમાં- ‘હું વર્ષ 2016ની આસપાસ અમેરિકા આવ્યો હતો. ગુજરાતમાં મારા મોટાભાઈનાં ડિવોર્સ થઈ ગયા હતા. મારા ફાધર પણ રિટાયર થઈ ગયા હતા. 12 પાસ કરીને મિકેનિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું પણ એ પુરું નહોતું કર્યું. ઘરની સ્થિતિ ખૂબ ખરાબ હતી. વતનમાં પૈસા કમાવવાની એટલી તકો ન મળતાં અમેરિકા જવાનું નક્કી કર્યું.’ ‘મેં દેવું કરીને લગભગ 20 લાખ રૂપિયા ખર્ચીને કેનેડાની બે વરસની વર્ક પરમિટ લીધી. ત્યાં ત્રણેક મહિના રોકાયો. જ્યાં એક વ્યક્તિએ મને પાંચ લાખ એડવાન્સ રૂપિયાના બદલામાં અમેરિકા પહોંચાડવાની વાત કરી. એ વખતે મને ખ્યાલ નહોતો કે કેનેડાની વર્ક પરમિટ હોય તો કેનેડાના જ પીઆર મળી જતાં હોય છે. કોઈએ દિશા ન આપી. જેણે સલાહ આપી તેણે એમ જ કહ્યું કે અમેરિકા જતાં રહો ત્યાં બધુ સારું થઈ જશે.’ ‘ડીલ ફાઇનલ થયા બાદ નિર્ધારિત દિવસે સાંજે 5.30 વાગ્યાની આસપાસ એક 10 સીટર ગાડી મને લેવા આવી, જેમાં હું એકલો ગુજરાતી હતો બાકીના પંજાબ તથા હરિયાણાના બેઠા હતા. બીજા દિવસે સવારે આઠેક વાગ્યાની આસપાસ અમને ન્યૂ જર્સી ઉતારી દીધા.’ ‘અમેરિકામાં મારા કોઈ રિલેટીવ નહોતા. મારા એક મિત્રે તેના એક મિત્રનો કોન્ટેક્ટ કર્યો અને તે મને લેવા આવ્યો. તેણે મને એક મૉટેલમાં કામનું સેટિંગ કરી આપ્યું. મૉટેલમાં એક વર્ષ જેટલું કામ કર્યું. શરૂઆતમાં ફિક્સ મહિને 1500 ડૉલર પગાર આપતા. રહેવા માટે મૉટેલમાં રૂમ આપ્યો. ઉપરાંત જમવાનું બનાવવા ગ્રોસરી ભરી આપતા. એટલે પગાર બધો સેવ થતો હતો.’ ‘પછી મિત્રની સલાહ મુજબ છ મહિનામાં વકીલ દ્વારા અસાઇલમનો કેસ કર્યો. મારા વકીલે અસાઇલમ માટે મને કોઈ કારણ આપવાનું કે કંઈ કહ્યું નહીં. બધુ તેણે જાતે જ સેટિંગ કરી દીધું. સાત મહિના પછી વર્ક પરમિટ આવી.’ ‘એ પછી તો લિકર સ્ટોર, ગેસ સ્ટેશન જેવી ઘણી જગ્યાએ કામ કર્યું છે. અત્યારે મેનેજર છું અને ચાર સ્ટોરને હેન્ડલ કરું છું. અહીં કામની કિંમત છે. તમે તમારું કામ કરો તો તમને કોઈ પ્રોબ્લમ નથી થતો અને તમને કોઈ કંઈ પૂછતું નથી. મેં અહીં એવા લોકો પણ જોયા છે, જે 25 વર્ષથી શાંતિથી રહે છે. એમાંથી કેટલાંકે તો હજી અસાઇલમની ફાઇલ જ નથી મૂકી અને એમ જ રહે છે.’ ‘હાલમાં મારે મહિને 5500 ડૉલર જેટલું બચે છે. એક સ્ટોરમાં 3500 ડૉલર ફિક્સ પગાર મળે છે. ઉપરાંત બીજા બે સ્ટોરમાંથી 1–1 હજાર ડૉલર મળે છે.’ ‘અત્યારે ઘરમાં વધું વ્યવસ્થિત થઈ ગયું છે. હાલમાં અમારા સમાજની વાડી, અંધજન મંડળ જેવી સંસ્થામાં વર્ષે લાખ રૂપિયા જેટલું દાન કરું છું. એ સિવાય ગાયોને દાન, આઠમની આરતી બોલાય એ લઈએ છીએ. જ્યાં જ્યાં દાન- મદદ કરવા જેવું લાગે ત્યાં કરીએ છીએ. ઉપરાંત જે લોકો નવા આવે છે તેમને પણ હેલ્પ કરું છું.’ ‘ભુતકાળ તો યાદ આવે જ છે. ફેમિલી અને કોઈના સપોર્ટ વગર અમેરિકામાં રહ્યો છું. ત્યાં આવો એટલે અમુક તકલીફોનો સામનો તો કરવો જ પડે છે. ભારતમાં હો ત્યારે ફેમિલી કે મમ્મી ઘણા કામો કરી આપે, પરંતુ ત્યાં એ બધું કામ જાતે જ કરવું પડે. ‘ ‘જેની પાસે સોશિયલ સિક્યોરીટી હોય એ પ્રોપર્ટી પણ ખરીદે છે. કોઈ સ્ટોરમાં આવીને કામ કરતાં હોય અને અમેરિકન નાગરિક ત્યાં આવીને લૂંટફાટ કરે તો એનો કેસ અલગ નાખતા હોય છે. એમને ચારેક વર્ષના સમયગાળામાં સોશિયલ સિક્યોરીટી મળી જતી હોય છે. એ બધા પોતાના નામે બિઝનેસ પણ કરતાં હોય છે. એ અમુક દિવસો માટે અમેરિકાની બહાર જવું હોય તો પણ જઈ શકે છે. કયા ડોક્યુમેન્ટ પર બહાર જાય છે એ મને ખબર નથી પણ મારા એક ફ્રેન્ડનો ફ્રેન્ડ એકવાર ઇન્ડિયા જઈને પાછો આવ્યો છે.’ અમારી ખાસ સિરીઝ ‘ડૉલર ડ્રીમ્સ’માં આવતીકાલે છેલ્લાં અને પાંચમાં એપિસોડમાં વાંચો, ગેરકાયદેસર પહોંચાડતા એજન્ટો હાલ શું કરી રહ્યા છે? યુએસ બોર્ડર પર હાલ કેવી સ્થિતિ છે? ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝનો પહેલો એપિસોડ: અમેરિકામાં ઇલીગલ ગુજરાતીઓમાં ફફડાટ, જીવ પડીકે બંધાયા:કામ પર જવાનું બંધ કરી ઘરમાં કેદ થયા, 3 મહિના આવી સ્થિતિ રહી તો ફાંફાં પડશે ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝનો બીજો એપિસોડ: અમેરિકામાં ઘૂસો, સામેથી પકડાવ, મન મૂકીને ડૉલર કમાઓ:USમાં વસવાની ગુજરાતીઓની નવી ટ્રિક, ભારતને બદનામ કરતા પણ નથી અચકાતા ‘ડૉલર ડ્રીમ્સ’ સિરીઝનો ત્રીજો એપિસોડ: ગેરકાયદે US જતી યુવતીઓ રૂટમાં બને છે હવસનો શિકાર:પતિથી પત્નીને અલગ કરી દે છે, ગુજરાતીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે માફિયા તમારી પાસે કોઈ માહિતી હોય કે તમને કોઈ ઈસ્યુ હોય તો અમારી સાથે dvbbhaskar123@gmail.com પર શૅર કરો. અમે તમારો સંપર્ક કરીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments