દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે ‘ખબરદાર જમાદાર!’. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. એક મહત્ત્વની જગ્યા મેળવવા કેટલાક IPS અધિકારીઓ મધમાખીની જેમ મંડરાવવા લાગ્યા
અમદાવાદ જિલ્લાના એક સિનિયર IPS અધિકારી હવે એક બે દિવસમાં નિવૃત્ત થવાના છે. આ જગ્યા ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે અને સમગ્ર રાજ્યમાં આ જગ્યા પર બિરાજમાન થવા માટે અનેક IPS સતત પ્રયાસ કરતા હોય છે. હવે આ જગ્યા ખાલી પડવાની છે ત્યારે આ જગ્યા પર બિરાજમાન થવા માટે અનેક IPS અધિકારીઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. પોતે અલગ અલગ જગ્યાએ ક્યાં શું મદદ કરી અને શું કરી શકે છે તેવી વાતોનું લોબિંગ કરતા પણ ચર્ચામાં છે અને આ જગ્યા પર જે બિરાજમાન થશે તે સરકારમાં ખૂબ જ નજીકનું વ્યક્તિ હોય તેવું ચર્ચામાં છે. લ્યો બોલો… જો પોલીસ પર જ હુમલો થતો હોય તો હવે લોકોની રક્ષા કોણ કરશે?
એક સમય એવો હતો કે ગુનેગારોમાં રાજકોટ પોલીસના ઝપટે ન ચડવાનો ડર સતાવતો રહેતો હતો. કારણ કે, કોઇપણ ગુનામાં આરોપી ઝડપાય તો કેમને ફરજિયાત પોલીસ કમિશનર કચેરી ખાતે લીમડાનો સ્વાદ ચખાડવામાં આવતો હતો. જોકે, આજના સમયમાં તો ખાખીનો કોઈ ખોફ જ રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. ચોરી, લૂંટ, ધાડ કે ફાયરિંગની ઘટના જવા દો પરંતુ હવે તો રાજકોટના રક્ષક જ સુરક્ષિત નથી રહ્યા જેથી પ્રજાનું રક્ષણ કેવી રીતે થશે તે સૌથી મોટો સવાલ છે. તાજેતરમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લુખ્ખા તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો અને જે આરોપીઓને પકડવા માટે ગયેલા પોલીસકર્મી ઉપર ફરી એ જ શખસોએ હુમલો કર્યો હતો. ચર્ચા તો એવી પણ છે કે, આ સમયે છરી બતાવી પોલીસ પાછળ આરોપીઓ દોડ્યા હતા અને હુમલામાં પોલીસ ઇજાગ્રસ્ત પણ થઈ હતી. હવે આ આરોપીઓને લીમડો ચખાડી કાયદાનું ભાન કરાવવાની વાત તો દૂર પણ રાજકોટ પોલીસ હજુ સુધી તેમને પકડી પણ શકી નથી. ત્યારે આ લુખ્ખા તત્વોને પોલીસ પકડી શકશે કે પછી આમ જ પોલીસ પર હુમલાઓ થતા રહેશે તે સૌથી મોટો સવાલ સતાવી રહ્યો છે. કચેરીના એક વિભિષણે ખંડણી માંગનારની યાદી લીક કરતા ખંડણીખોરો અંડરગ્રાઉન્ડ
સુરતમાં તાબડતોડ RTI કરી ખંડણી માંગનાર લોકો સામે ફરિયાદ દાખલ થઈ રહી છે. આવા ખંડણીખોરોની યાદી પણ બનાવવામાં આવી છે. જેના આધારે સતત ફરિયાદ થઈ રહી છે. પરંતુ આ વચ્ચે આ યાદી લીક થઈ જતાં ખંડણીખોરો અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. તપાસ કરનાર અધિકારીની ઓફિસમાંથી આ યાદી કેવી રીતે લીક થઈ અને કોણે કરી તે અંગે તપાસ ચાલી રહી છે. આ વચ્ચે પોલીસને જાણવા મળ્યું છે કે, આ યાદી ખાસ એક વ્યક્તિ પાસે પહોંચી છે, જેનો સંબંધ ખંડણીખોરો સાથે છે. ખંડણીખોરોની ઓફિસમાં બેસનાર આ વ્યક્તિ હાલ પોલીસની રડારમાં છે. યાદી લીક થતાં યાદીના આધારે જે લોકો ઉપર ફરિયાદ થઈ હતી અને જે લોકો ઉપર ફરિયાદ થવાની હતી તે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે અને કેટલાક લોકોએ આગોતરા જામીન માટે અરજી પણ કરી છે. આ યાદી કોની પાસે પહોંચી, તેની જાણકારી પોલીસના ઉચ્ચ અધિકારીઓને મળી ગઈ છે. પરંતુ કચેરીના કયા વિભિષણે ખંડણીખોરોની યાદી લીક કરી છે, તેની તપાસ હાલ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે. મહિલાઓના વીડિયો વેચવાના કેસમાં મહેનત કરનાર એક PSIને ક્રેડિટ જ ન મળી
તાજેતરમાં ગુજરાતની અલગ અલગ જગ્યાએથી મહિલાઓના વીડિયો અપલોડ કરવાના કેસમાં મહત્ત્વની એજન્સીએ તપાસ કરી છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશના આરોપીઓ પકડાયા છે. જ્યારે શરૂઆતમાં વિગતો સામે આવી ત્યારે ગુજરાત પોલીસ હરકતમાં આવી હતી અને આરોપીને પકડવા માટે ખૂબ જ મહેનત કરી હતી. તે સમયે એક PSI જે આવા આરોપીઓને પકડવા માટે એક્સપર્ટ છે અથવા તેને ઓનલાઈન આવા ખેલાડીઓ સુધી પહોંચવા માટે મહત્ત્વની માહિતી મળતી હોય છે તેવા સમયે તેણે પણ આ કેસની અંદર ખૂબ જ મહત્ત્વની મદદ કરી હતી, પરંતુ આખરે તેને ક્રેડિટ મળી નહીં તેવું પણ એજન્સીમાં ચર્ચાઈ રહ્યું છે. એક સમયે આ PSI એજન્સીનો કાસ માણસ હતો, પરંતુ હવે કદાચ તે હાંસિયામાં ધકેલાઈ ગયો હોય તેવી પણ ચર્ચા છે. એજન્સીમાં ખાનગી વ્યક્તિ પોલીસકર્મી જેવી કામગીરી કરે છે
સુરતની એક એજન્સીમાં ખાનગી વ્યક્તિ દ્વારા પોલીસકર્મીની તમામ કામગીરી કરવામાં આવી રહી છે. આ અંગેની જાણકારી ત્યારે થઈ જ્યારે એક નોટિસ આપવા માટે ખાનગી વ્યક્તિ ભાજપની મહિલા કાર્યકર્તા પાસે પહોંચ્યો હતો. ભાજપની મહિલા કાર્યકર્તાએ જ્યારે આ ખાનગી વ્યક્તિનો નંબર અને નામ લીધું ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે, આ નામનો વ્યક્તિ એજન્સીમાં કામ જ નથી કરતો. એજન્સીના અન્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે, ફરિયાદ દાખલ થવા પહેલાં જે પણ ડ્રાફ્ટિંગ અને નોટિસ આપવાની કામગીરી હોય છે, તે આ ખાનગી વ્યક્તિ બ્રાન્ચનાં ઇન્સ્પેકટરની ઓફિસમાં બેસીને કરે છે. અધિકારી પોતે બોલાવીને તેની પાસેથી આ કામ કરાવે છે. આ કારણે સરકારી પગાર લેનારા અને આ કામ માટે રાખવામાં આવેલા પોલીસકર્મીઓમાં પણ ભારે નારાજગી છે. ભાજપની મહિલા કાર્યકર્તા સાથે બનેલી આ ઘટના બાદ જ્યારે આ ઘટના પ્રકાશમાં આવી, ત્યારે થોડાક દિવસ સુધી આ ખાનગી વ્યક્તિએ શહેરના મધ્યમાં આવેલી આ એજન્સીની ઓફિસમાં આવવાનું બંધ કરી દીધું હતું. પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ફરીથી આવીને લેપટોપ પર નોટિસ અને કેટલાક અભ્યાસક્રમ બહારના અન્ય કામોની શરૂઆત કરી દીધી છે. જેથી ચર્ચા ઉઠી છે કે, ખાનગી વ્યક્તિ સેટિંગના કેસો માટે બોલવામાં આવે છે. ગોવાના જુગાર ટુરિઝમ કરનાર ભેજાબાજે પોલીસથી બચવા ટુર ટ્રાવેલ્સનું પાટિયું માર્યું
અમદાવાદમાં અલગ અલગ જગ્યાએથી જુગાર રમવા માટે જુગારીઓને ગોવા લઈ જવા માટે આખું જુગાર ટુરિઝમ સોશિયલ મીડિયામાં ચાલતું હતું. પોતાના વોટ્સએપ સ્ટેટસમાં જુગાર રમવા માટેની વ્યવસ્થા કરી આપવા અને ગોવામાં અન્ય વ્યવસ્થા કરી આપવાની વિગતો અપલોડ કરવામાં આવતી હતી. આ બધુ ચાલી રહ્યું હતું ત્યારે કાલા નામથી જાણીતો એક વ્યક્તિ પોતે ટ્રીપ ઓર્ગેનાઇઝર હતો. એમાં જુગારીઓ જુગાર પણ રમવા જતા હતા. પરંતુ કોઇને ખબર ન પડે તે રીતે તેણે રાતોરાત પોતાની ઓફિસની બહાર જ પાટ્યું બદલી નાખ્યું છે. એવું પણ ચર્ચામાં આવી રહ્યું છે કે, તેણે આ ટુરિઝમમાં ખૂબ મોટો ખેલ પાડ્યો છે અને હવે તે કોઇના ધ્યાનમાં ન આવે તે માટે તેણે પોતાની લક્ઝરી ગાડીઓ સંતાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે અને ઓફિસની ઉપર રાતોરાત પાટ્યુ ફેરવી નાખ્યું છે. પરંતુ જુગાર ટુરિઝમ સાથે તે હજી પણ કનેક્ટ હોવાની વાતો ચર્ચામાં છે.