દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા પૌરાણિક ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રિના આગલે દિવસે અજાણ્યા શખ્સોએ પ્રવેશ કરી, શિવલિંગની ચોરી કરીને લઈ ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણ સંદર્ભે જિલ્લા પોલીસની ટીમે કરેલી તપાસના અંતે આશ્ચર્યજનક વણાંક જોવા મળ્યો હતો. હિંમતનગર તરફની રહીશ એક યુવતીને આવેલા સ્વપ્ન સંદર્ભે મહિલાઓ સહિત કેટલાક શખ્સોએ રેકી કરી, અને શિવલિંગ ચોરી કરીને પોતાના ઘરે સ્થાપિત કર્યાનું ખુલવા પામ્યું છે. દ્વારકામાં શિવલિંગ ચોરીનો કેસ ઉકેલાયો
આ સમગ્ર પ્રકરણની જાહેર થયેલી સિલસિલા બંધ વિગત એવી છે કે, સાબરકાંઠા જિલ્લાના રહીશ મહેન્દ્ર કુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને રાત્રિના સમયે એક સપનું આવ્યું હતું. જેમાં દ્વારકા જિલ્લાના હરસિધ્ધિ મંદિર પાસેના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરનું શિવલિંગ પોતાના ઘરે લાવીને જો સ્થાપન કરવામાં આવશે તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે. આને અનુલક્ષીને જગતસિંહ ઉદયસિંહ મકવાણા (ઉ.વ. 55), વનરાજસિંહ સમરસિંહ મકવાણા (ઉ.વ. 40), મનોજ અમરતસિંહ મકવાણા (ઉ.વ. 19) અને મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા તથા અન્ય ત્રણ મહિલાઓ સહિતના લોકોએ શિવલિંગ ચોરવાનું કાવતરું રચ્યું હતું. યુવતીને આવેલા સપના સંદર્ભે ચાર શખ્સોએ શિવલિંગ ચોરી હતી
જુદા જુદા બે વાહનોમાં અહીં આવીને આ તમામ શખ્સો હર્ષદ ખાતે રોકાયા હતા. થોડા દિવસો તેઓએ અહીં રોકાઈને રેકી કરી હતી. શિવરાત્રિના એક દિવસ પૂર્વે હર્ષદના દરિયા કિનારે સ્થિત ભીડભંજન મહાદેવના મંદિરે સ્થાપિત શિવલિંગ તેઓ પોતાના વતન હિંમતનગર (જી. સાબરકાંઠા) ખાતે લઈ ગયા હતા અને અહીંથી ચોરેલા શિવલિંગની પોતાના ઘરે સ્થાપના કરી દીધી હતી. આટલું જ નહિં તેઓએ શિવરાત્રિના દિવસે આ શિવલિંગની પૂજા પણ કરી હતી. ‘SIT’ અને ડોગ સ્કોડની મદદથી ચાર શખ્સો ઝડપાયા
આમ, ગત તારીખ 25 ફેબ્રુઆરીના રોજ શિવલિંગની થયેલી ચોરી કે જે સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાસ્પદ બની ગઈ હતી. જે પડકારરૂપ બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા આ બનાવની ગંભીરતા પારખી અને ડીવાયએસપી, એલસીબી અને એસ.ઓ.જી.ના તમામ ચુનંદા અધિકારીઓની ટીમ સાથે ‘SIT’ની રચના કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે ડોગ સ્કોડની મદદથી આ શિવલિંગ ચોરીનો ભેદ ઉકેલાયો છે અને જિલ્લા પોલીસે આ સમગ્ર મામલે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.