ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. સવારે 9:15 વાગ્યાથી તમામ પરીક્ષા કેન્દ્રો પર બાળકોનું ચેકિંગ કરી, ફૂલ, ચોકલેટ, પેન અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ સમય પહેલાં જ પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ગયા હતા. ધોરણ 10ની પ્રથમ પેપર પૂર્ણ થયું છે. ગુજરાતીનું પેપર સરળ નીકળતા બાળકો ખુશખુશાલ બહાર આવતા નજરે પડ્યા. ધોરણ 12નું બપોરે 3 વાગ્યે પેપર શરૂ થવાનું છે. આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નિયમિત, રીપીટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ છે. ધોરણ 10ના બોર્ડનું પ્રથમ ભાષાનું પેપર છે. જેમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું પેપર છે. જ્યારે 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર અર્થશાસ્ત્ર અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન છે. ધોરણ- 10 અને 12ની પરીક્ષાનું ટાઈમટેબલ વાંચવા અહીં ક્લિક કરો