બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખૂણિયા ગામ નજીક ગુરુવારે રાજસ્થાનની એસટી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં આખો પરિવાર મોતને ભેટ્યો હતો. જેમાં પતિ-પત્ની અને 2 સંતાન સામેલ છે. આ દુર્ઘટનામાં 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે 15 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. જેમાં 3 બાળકોની હાલત ગંભીર છે. જ્યારે લાશોને બહાર કાઢવા માટે બોલેરોનાં પતરાં તોડાયાં હતાં અને JCBની મદદ લેવાઈ હતી. અમીરગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ. કે. પરમારે જણાવ્યું હતું કે મૃતકમાં 2 મહિલા, 2 બાળક અને એક પુરુષ સામેલ છે, કુલ મળી 5નાં મોત થયાં છે. તમામ મૃતકો અમીરગઢ તાલુકાના ઘનપુરા વીરમપુર ગામના વતની છે. કમનસીબ મૃતકોમાં કોણ-કોણ? ઈજાગ્રસ્તોને પાલનપુર હોસ્પિટલ ખસેડાયા
પાલનપુર જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, અમીરગઢ આગળ કોરોના હોટલ પાસે એક બસ અને બોલેરોનો એક્સિડન્ટ થયેલો છે અને અકસ્માતની અંદર આશરે પાંચેક વ્યક્તિઓ સ્થળ ઉપર જ મૃત્યુ પામ્યાં છે અને બાકીના 15 એક જણા ઈન્જર્ડ થયેલા છે, એમાંથી 10 દર્દીઓને અત્રે પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા છે. એમાંથી બે બાળકો બહુ જ અતિ સિરિયસ છે, એમાંથી એક બાળકને વેન્ટિલેટર લીધું છે. બીજા બાળકને ઓક્સિજન ઉપર છે અને ત્રીજો એક બાળકને પણ માથામાં ઈન્જરી થયેલી છે. આમ ત્રણ બાળકો થોડા સીરિયસ છે. બાકી બીજા બધા દર્દીઓને કોઈને માથામાં વાગેલું છે, કોઈને પગ ઉપર વાગેલું છે. મૃતકોને બહાર કાઢવા JCBની મદદ
બોલેરો ગાડીમાં દબાયેલી લાશોને બહાર કાઢવા માટે JCB મશીનની મદદ લેવાઈ હતી. અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિકજામ અને લોકોની ભીડ
અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ તાત્કાલિક ખડેપગે થઈ હતી. પોલીસ દ્વારા તપાસ શરૂ
અમીરગઢ પોલીસે અકસ્માતનાં કારણો અને સંજોગો અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ, 5 લોકોનાં મોત નીપજ્યાં છે અને મૃતકોની ઓળખ કરી છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. અકસ્માત સંદર્ભે પોલીસનું અધિકૃત નિવેદન
અમીરગઢ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે “અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને અન્ય લોકોને ઈજાઓ પહોંચી છે. હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થિત કરવા માટે પોલીસ સતત કાર્યરત છે.”