સુરતમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ 32 કલાક બાદ કાબૂમાં આવી છે. ફાયર વિભાગની 40થી વધુ ગાડીઓએ સતત 40 લાખ લિટરથી વધુ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. હાલ કૂલિંગની કામગીરી ચાલી રહી છે. અગાઉ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીએ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. જે બાદ ગતરોજ(26 ફેબ્રુઆરી) સવારે 7 વાગ્યાની આસપાસ ફરી આગ ભભૂકી ઊઠી હતી, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 800થી વધુ દુકાનો ભીષણ આગની લપેટમાં આવી હતી, જેમાંથી 450 દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. જેના કારણે અંદાજિત 300થી 400 કરોડનું નુકસાન થયું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. લાઈટ એન્ડ ફાયર સમિતિના ઉપપ્રમુખ નરેન્દ્ર પાંડવે ફાયર એનઓસી ઉપર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે એનઓસી કેવી રીતે આપી દીધી? એનઓસી આપનાર એજન્સીની પણ તપાસ કરાવીશું. ત્યારે આ બધા વચ્ચે સવાલ એ ઉઠી રહ્યો છે કે રસ્તો ન હોવા છતાં બિલ્ડિંગને ફાયર NOC કેવી રીતે અપાઇ?