back to top
Homeગુજરાતજીવના જોખમે આગ કાબુમાં લેતા ફાયર ઓફિસર:સુરત ટેક્સટાઇલ માર્કેટની આગમાં ગંભીર રીતે...

જીવના જોખમે આગ કાબુમાં લેતા ફાયર ઓફિસર:સુરત ટેક્સટાઇલ માર્કેટની આગમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ફાયર ઓફિસર; એક ઓપરેશન થયું, બીજું પણ કરવું પડશે

સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી ભીષણ આગ 32 કલાક બાદ કાબુમાં આવી હતી. આ આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ આગને કાબુમાં લેવા ફાયર કર્મચારીઓએ તનતોડ મહેનત કરી હતી અને ખડેપગે ફરજ બજાવી હતી. આ આગની ઘટનામાં એક ફાયર ઓફિસર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમના હાથમાં એક ઓપરેશન કરવામાં આવ્યું છે અને બીજું ઓપરેશન પણ કરવું પડશે, ત્યારે ઇજાગ્રસ્ત ફાયર ઓફિસર જયદીપ ઇસરાણીએ આ મામલે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આગ લાગી હતી ત્યારે અંદર ગયા અને શું માહોલ હતો તેમજ તેઓ કઈ રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ટેક્સટાઈલ માર્કેટની ભીષણ આગમાં 700 દુકાનો ખાક
25 ફેબ્રુઆરીના રોજ સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. જોકે, ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લઈ લેવામાં આવી હતી. જોકે, બીજા દિવસે એટલે કે 26 ફેબ્રુઆરીના રોજ સવારે 7 વાગ્યાના અરસામાં ફરી ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. 822 દુકાનો ભીષણ આગની ચપેટમાં આવી ગઈ હતી જેમાંથી 700 જેટલી દુકાનો બળીને ખાક થઈ ગઈ છે. જોકે, આ ભીષણ આગ 27 ફેબ્રુઆરીની સાંજે કાબુમાં આવી હતી. 32 કલાક બાદ ટેક્સટાઈલ માર્કેટની આગ કાબુમાં આવી
સુરતના ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા 32 કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો હતો. સુરતના ઇતિહાસમાં સૌથી મોટી અને નુકસાનકારક આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. વેપારીઓનો તમામ મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો છે. આ ભીષણ આગને બુજાવવા માટે સુરત ફાયર વિભાગના કર્મચારીઓ પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને કામગીરી કરી રહ્યા હતા. બેઝમેન્ટથી લઈને ટોપ ફ્લોર સુધી લાગેલી આગમાં ફાયર વિભાગના કર્મચારીઓ ઓક્સિજન માસ્કના આધારે આગમાં હતા અને આગને કઈ રીતે કાબુમાં લઈ શકાય તે અંગે કામગીરી કરી હતી. આગનો કોલ મળતા અધિકારી ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા
આ આગની ઘટનામાં એક ફાયર કર્મચારી ઇજાગ્રસ્ત થયા છે. જયદીપ ઈસરાણી સુરતના માન દરવાજા ફાયર સ્ટેશનમાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ફાયર વિભાગમાં આગનો કોલ મળ્યો એટલે જયદીપ ઈસરાણી પોતાની ટીમ સાથે શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટ પહોંચ્યા હતા અને આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂં કર્યું હતું. જયદીપ ઈસરાણીનું એક ઓપરેશન કર્યું અને બીજું કરાશે
જયદીપ ઈસરાણી ભીષણ આગમાં અંદર ગયા હતા અને પરત ફરતી વખતે આગ-ધુમાડો અને અંધારાના કારમે તેમને ત્યાં કંઈ દેખાતું ન હતું અને અચાનક તેઓ એક ખાડામાં પડ્યા હતા. જેના કારણે તેમને હાથમાં ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક જ તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ જોયું તો જયદીપ ઈસરાણીને હાથમાં એક મેજર ક્રેક અને એક માઈનોર ક્રેક થઈ છે. એક ઓપરેશન ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું છે અને બીજું ઓપરેશન થોડા દિવસોમાં કરવામાં આવશે. હું પાછો સાજો થઈને ફાયર વિભાગમાં જ ફરજ બજાવીશ
જયદીપ ઈસરાણીએ વાતચીત કરતા જણાવ્યું હતું કે, મને ઈજાઓ થઈ છે, પરંતુ હું પાછો સાજો થઈ અને ફાયર વિભાગમાં જ ફરજ બજાવીશ. સુરતના લોકોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે અમે કાર્ય કરતા રહીશું. જયદીપ ઈસરાણીનો જુસ્સો જોઇ બીજા ટીમ મેમ્બરોનો પણ જુસ્સો વધ્યો હતો. જયદીપ ઈસરાણીના માતાએ જણાવ્યું હતું કે, મારા દીકરાને ઇજાઓ થઈ છે પરંતુ ટેક્સટાઈલ માર્કેટ સળગતા વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. મારા દીકરીને સારૂ થઈ જશે અને પરત ફરજ પર ફરશે અને સુરતના લોકોની સેવા કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments