26 ફેબ્રુઆરીના રોજ સવારના 7 વાગ્યે લાગેલી આગ 27 ફેબ્રુઆરીના બપોરના 3 વાગ્યે માંડ કાબૂમાં આવી હતી. આમ, 32 કલાકમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 822 દુકાનમાંથી 700 જેટલી દુકાનો તો ખાક થઈ ગઈ હતી, જેને કારણે 850 કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, ત્યારે આ ભીષણ આગથી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની અંદર ટેમ્પરેચર 2000 સેલ્સિયસ જેટલું ગરમ થઈ ગયું હતું. આટલા ગરમ તાપમાનને કારણે સળિયા પણ ઓગળી ગયા હતા. સિમેન્ટનો ભાગ પણ ખરી પડ્યો હતો અને ભઠ્ઠીની માફક દુકાનો ગરમ થઈ ગઈ હતી. ભીષણ આગના કારણે માર્કેટમાં માત્રને માત્ર રાખ જ બચી છે. બિલ્ડિંગના પિલરો તૂટી ગયા છે અને સ્લેબના પોપડા પણ પડી ગયા છે. 48 કલાક બાદ જુઓ સુરત શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની ભયાનક તસવીરો… હર્ષ સંઘવીએ સર્વે કરીને કામ હાથ ધરવાની સૂચના આપી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આગમાં ભસ્મીભૂત થયેલી શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટની મુલાકાત લીધી હતી. આ સાથે મેયર, પોલીસ કમિશનર તેમજ ધારાસભ્યો પણ શિવશક્તિ માર્કેટ પહોંચ્યા હતા. માર્કેટની પરિસ્થિતિનો અધિકારીઓ સાથે વાતચીત કરીને ચિતાર મેળવ્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ માર્કેટની પરિસ્થિતિ જોયા પછી વેપારીઓ સાથે વાત કરી હતી. વેપારીઓએ માલ સામાન બહાર કાઢવા દેવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, શિવશક્તિ અતિ ભયાનક આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે સુરત મહાનગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ સહિત આસપાસના વિસ્તારની મોટી ઇન્ડસ્ટ્રીમાં ફાયર ફાઈટરની ટીમ લગાવવામાં આવી હતી. આ એટલી ભયાનક હતી કે, ફાયર બ્રિગેડના જવાનો 48 કલાક સુધી રાત દિવસ એક કરી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ દુકાનોમાં ખૂબ મોટી સંખ્યામાં નુકસાન થયું છે. આ બધા જ વેપારીઓ નાના વેપારીઓ છે. આજે કલેક્ટર, પોલીસ કમિશનરને સૂચના આપી છે કે કેટલા લોકો પાસે ઇન્સ્યોરન છે અને કેટલા લોકો એવા છે જેમની પાસે ઇન્સ્યોરન્સ નથી. જેમની દુકાનની અંદર નુકસાન નથી થયું તે પોતાનો માલસમાન કેવી રીતે કાઢી શકે અને તેનો વેપાર પાછો ઝડપથી ચાલુ થઈ શકે તે માટે તાત્કાલિક સર્વે કરીને કામ હાથ ધરવાની સૂચના પણ આપી છે. અમે સૌએ સાથે મળીને તાત્કાલિક વેપારીઓ માટે શું કરી શકીએ. કઈ રીતે મદદ કરી શકીએ તે માટે ચિંતા કરવાની પણ સૂચના આપી છે. સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોનના અધિકારીઓ રિપોર્ટ તૈયાર કરશે
તો બીજી તરફ સુરત મહાનગરપાલિકા દ્વારા કમિશનરે આદેશ કર્યા છે કે, શિવશક્તિ માર્કેટ જે છે તે લિંબાયત ઝોનમાં આવે છે તેથી લિંબાયત ઝોને તમામ કામગીરી ન સોંપતા સેન્ટ્રલ ઝોનને પણ અંદર તેમાં સમાવેશ કરવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ ઝોન અને લિંબાયત ઝોનના અધિકારીઓ સંયુક્ત રીતે સમગ્ર રિપોર્ટ તૈયાર કરશે. બિલ્ડિંગ સ્ટ્રક્ચર અંગે તપાસ કરવામાં આવશે. શિવશક્તિ માર્કેટના ટેરેસ ઉપર જે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવ્યા છે તેની સંખ્યા કેટલી છે તે તપાસવામાં આવશે. નક્કી કરેલા પ્લાન મુજબ કેટલા એરિયામાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે. જે રીતે આગ લાગી છે તેને જોતા સૌપ્રથમ FSL રિપોર્ટ તૈયાર કરાશે. જેમાં આગ લાગવાનું ચોક્કસ કારણ પણ તપાસવામાં આવશે. જેથી કરીને ગેરકાયદેસર બાંધકામ હશે તો તેની સામે પણ પગલાં લેવાની તૈયારી બતાવવામાં આવી રહી છે. જોકે, જે બાંધકામ બેઝમેન્ટમાં થયું છે તેમાં ઇમ્પેક્ટ ફી ભરીને રેગ્યુલાઇઝ કરી દેવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. બિલ્ડિંગની સ્ટેબિલિટી અંગે ઊંડાણપૂર્વકનો રિપોર્ટ તૈયાર કરાશે
આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા હવે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસવામાં આવશે. શિવશક્તિ માર્કેટનો ચોથો અને પાંચમો ફ્લોર સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત થયો છે. સીલીંગ પીલરને મોટા પ્રમાણમાં નુકસાન થતા સ્લેબ પણ તૂટી પડ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શિવશક્તિ માર્કેટના ચોથા અને પાંચમા ફ્લોરને સંપૂર્ણ રીતે નુકસાન થતાં થોડું ઘણું જે બાંધકામ હશે તે પણ ઉતારવાની ફરજ પડશે. ત્યાર બાદ બેઝમેન્ટથી 3 ફ્લોર સુધીની સ્ટેબિલિટી અંગે પણ ઊંડાણપૂર્વકનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. હાલ માર્કેટ સીલ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી FSLની ટીમ તપાસ પૂર્ણ ન કરે અને સ્ટેબિલિટી રિપોર્ટ ના આવે ત્યાં સુધી વેપારીઓને અંદર પ્રવેશવા દેવામાં નહીં આવે તે રીતની વાત સામે આવી રહી છે. પોલીસે ફાયર અધિકારી અને વેપારીને ખખડાવ્યા
શિવશક્તિ માર્કેટમાં આગ લાગવાની ઘટનામાં એક ગંભીર બાબત સામે આવી છે. એક ફાયર અધિકારી દ્વારા શિવશક્તિ માર્કેટના એક વેપારીને આગ ઉપર કાબુ મેળવતો હતો તે સમયે અંદર ઘુસાડવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ફાયરનો અધિકારી જ્યારે અન્ય એક વેપારીને માર્કેટમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરાવી રહ્યો હતો, ત્યારે પોલીસની નજર તેના ઉપર પડી હતી. પોલીસે જ્યારે પૂછ્યું ફાયર અધિકારીને કે આ કોણ છે તો ફાયર અધિકારીએ તેનો રિલિવર હોવાની ખોટી માહિતી આપી હતી. પોલીસે પૂછ્યું કે, તેનો યુનિફોર્મ ક્યાં છે તો તેણે કહ્યું કે ગાડીમાં પડેલો છે. ત્યાર બાદ પોલીસે તેની પાસેથી આઈકાર્ડ માગ્યું ત્યારે તે આઈકાર્ડ બતાવી શક્યો ન હતો. બંદોબસ્તમાં હાજર પીઆઈએ ફાયર અધિકારીને અને વેપારીને બરાબરના ખખડાવ્યા હતા.