રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છની બે દિવસીય મુલાકાતે આવી પહોંચ્યાં છે. તેઓ આજે શુક્રવારે બપોરે 1:05 વાગ્યે ભુજ એરપોર્ટ પર આવી પહોંચ્યાં હતાં. એરપોર્ટથી સીધાં સર્કિટ હાઉસ પહોંચ્યાં હતાં. કચ્છની મુલાકાત પહેલાં રાષ્ટ્રપતિએ ગાંધીનગરની મુલાકાત લીધી હતી, જ્યાં ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU)નો ત્રીજો પદવીદાન સમારોહ તેમના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. ભુજમાં રાષ્ટ્રપતિના આગમન દરમિયાન એરપોર્ટ રોડથી કોલેજ રોડ સુધીના તમામ આંતરિક માર્ગો વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા હતા. શહેરીજનો રસ્તાની બાજુમાં ઊભા રહી રાષ્ટ્રપતિના કાફલાને નિહાળતા જોવા મળ્યા હતા. ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયું
ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયા, કચ્છ-મોરબીના સાંસદ વિનોદ ચાવડા, ભુજ આર્મી સ્ટેશનના ડેપ્યુટી કમાન્ડન્ટ કર્નલ અમિત, રેન્જ આઈ.જી. ચિરાગ કોરડિયા, કચ્છ બી.એસ.એફ.ના ડીઆઇજી અનંતકુમાર, જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વિશ્વપ્રસિદ્ધ સફેદ રણની મુલાકાત માટે ધોરડો જશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બે દિવસના કાર્યક્રમમાં ભુજિયા ડુંગર પાસે આવેલા સ્મૃતિવનની મુલાકાત સામેલ છે. આ ઉપરાંત વિશ્વપ્રસિદ્ધ સફેદ રણની મુલાકાત માટે ધોરડો જશે. ધોરડોમાં ટેન્ટસિટી ખાતે સ્થાનિક કલાકારો સાથે સંવાદ કરશે અને હસ્તકળાના સ્ટોલની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ ધોરડોમાં સૂર્યાસ્તનો નજારો માણશે. સાંજે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત કચ્છી સંસ્કૃતિનો કાર્યક્રમ નિહાળશે. રાત્રિરોકાણ પણ ધોરડોમાં કરશે. આવતીકાલે વિશ્વ ધરોહર ધોળાવીરાની મુલાકાત લેશે
તેઓ શનિવારે સવારે 10:30 વાગ્યે ધોરડોથી વિશ્વ ધરોહર ધોળાવીરાની મુલાકાત લેશે. બપોરે 3:30 વાગ્યે ભુજ એરપોર્ટથી દિલ્હી પરત ફરશે. તંત્ર દ્વારા આ મુલાકાત માટે એક સપ્તાહથી તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી અને ગુરુવારે એને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિના હસ્તે વિદ્યાર્થીઓને પદવી અને સુવર્ણચંદ્રક એનાયત
ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU)નો ત્રીજો પદવીદાન સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. રાષ્ટ્રપતિના હસ્તે કુલ 1562 વિદ્યાર્થીને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં 12 વિદ્યાર્થીને PhD અને એક વિદ્યાર્થીને LLDની પદવી આપવામાં આવી હતી. અન્ય વિદ્યાર્થીઓને ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને અનુસ્નાતક ડિપ્લોમાની ડિગ્રી એનાયત કરાઈ. તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યા હતા. વિશ્વભરમાં ફોરેન્સિક સાયન્સનું મહત્ત્વ વધ્યુંઃ રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં ફોરેન્સિક સાયન્સનું મહત્ત્વ વધી રહ્યું છે. આજે 15 દેશોના 70થી વધુ વિદ્યાર્થીઓએ પદવી પ્રાપ્ત કરી છે. યુનિવર્સિટીએ વિવિધ ક્ષેત્રોના 30 હજાર ઓફિસર્સને પ્રશિક્ષણ આપ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતને વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીની ભેટ મળી છે. યુનિવર્સિટીએ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઈમ્પોર્ટન્સનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે. દેશનાં અન્ય રાજ્યો અને યુગાન્ડામાં યુનિવર્સિટીના પરિસર કાર્યરત છે. 147 જેટલા MOUs અન્ય રાજ્ય સરકારો સાથે કરવામાં આવ્યા છે. ‘વડાપ્રધાનના વિઝનથી NFSU વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સની યુનિ. બની’
NFSUના કુલપતિ અને પદ્મશ્રી ડો. જે.એમ. વ્યાસે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના વિઝનથી NFSU વિશ્વની પ્રથમ ફોરેન્સિક સાયન્સ માટેની યુનિવર્સિટી બની છે. NFSU એ ભારતની એકમાત્ર સરકારી વિશ્વવિદ્યાલય, જેનું કેમ્પસ યુગાન્ડામાં કાર્યરત
માત્ર 5 અભ્યાસક્રમ અને 73 વિદ્યાર્થીથી શરૂ થયેલી યુનિવર્સિટીમાં આજે 72થી વધારે અભ્યાસક્રમોમાં 7500થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. NFSU માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વના અન્ય દેશોને સુરક્ષા, સંશોધન અને ક્ષમતા નિર્માણમાં મદદરૂપ થઇ રહી છે. NFSU એ ભારતની એકમાત્ર સરકારી વિશ્વવિદ્યાલય છે, જેનું કેમ્પસ ભારતની બહાર યુગાન્ડામાં કાર્યરત છે. હાલ દેશમાં NFSUના 9 કેમ્પસ કાર્યરત છે અને આગામી સમયમાં વધુ 9 કેમ્પસ કાર્યરત થશે.