સુરત-ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર આજે એક દર્દનાક ઘટના સામે આવી છે. માંગરોળના કોસંબા ઓવરબ્રિજ પર એક CNG સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી. જોકે કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો છે. સુરતથી ભરૂચ તરફ જઈ રહેલી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગઈ હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. જો કે, આગનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને NHAI વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનાને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કોઈ જાનહાનિ ન થતાં તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.