તંત્રની ભયંકર બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે સુરત અને અગ્નિકાંડ એકબીજાના પર્યાય બની ગયા હોય એમ લાગે છે. 24 મે, 2019ના રોજ સુરતની ધરતી પર તક્ષશિલા આર્કેડમાં એકસાથે 22 માસૂમ બાળક આગની ઝપેટમાં આવી જતા મૃત્યુ નીપજ્યા હતા. આમ છતાં આ ઘટનામાંથી કોઈ બોધપાઠ લીધો ન હોય એ વાત શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગતા સ્પષ્ટ થઈ ગઈ છે. સુરતીઓને એક જ સવાલ થાય છે કે, યે આગ બૂઝતી ક્યું નહીં? 26 ફેબ્રુઆરીના રોજ સવારના 7 વાગ્યે લાગેલી આગ 27 ફેબ્રુઆરીના બપોરના 3 વાગ્યે માંડ કાબૂમાં આવી હતી. આમ 32 કલાકમાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 822 દુકાનમાંથી 700 જેટલી દુકાનો તો ખાખ થઈ ગઈ છે. જેને કારણે 850 કરોડનું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ આગથી તંત્રની પોલ ખુલી ગઈ છે. સુરત શહેરના એકપણ જવાબદાર અધિકારી પાસે આગ લાગવા પાછળના કારણ નથી. માત્ર એટલું જ નહીં, ફાયર એનઓસી આપવામાં પણ બેદરકારી દાખવી છે એ વાત પણ નક્કી છે. ગુરુવારે આગ કાબૂમાં આવ્યા બાદ શુક્રવારે સવારે મોટાભાગના વેપારીઓ માર્કેટ પર પહોંચ્યા હતા અને પોતાની દુકાનોમાં કેટલું નુકસાન થયું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, હાલ કામગીરી ચાલુ હોય તંત્ર દ્વારા તેઓને રોકી દેવામાં આવ્યા હતા. એક વેપારીના 20 કરોડ રૂપિયા રોકડા સળગી ગયા
આગની આ ઘટનામાં એક વેપારીના રોકડા રૂ. 20 કરોડ સળગીને ખાખ થઈ ગયા છે. વેપારીએ મેયર પાસે આવી આજીજી કરી હતી કે, સાહેબ કંઈપણ કરો મને અંદર જવા દો મારી દુકાનમાં રોકડા રૂ. 20 કરોડ છે. આ બધા રૂપિયા મારા નથી, અલગ-અલગ પાર્ટીઓના છે. રૂપિયાને કંઈક થયું તો હું બરબાદ થઈ જઈશ. પરંતુ વેપારીની આખી દુકાન આગની ચપેટમાં હતી એટલે મેયરે વેપારીને અંદર જવા દેવાની પરવાનગી આપી ન હતી. શિવશક્તિ માર્કેટની 500 દુકાનોમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ હતું જ્યારે અન્ય દુકાનોમાં સાડીના પેકિંગ માટેનાં બોક્સ અને પેકેજિંગ મટીરિયલ્સ હતું. આ માર્કેટમાં દુકાન ધરાવતા તમામ વેપારીઓ પાયમાલ થઈ ગયા છે. આગ ઓલવવાની પ્રક્રિયામાં અંદાજિત 70 લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વેપારીઓને અને ફાયરના જવાનોની મદદ માટે ફોસ્ટાના ડિરેક્ટરો અને 100 લોકોની ટીમ ખડેપગે રહી હતી. આગમાં વેપારીઓના માલની સાથે રૂપિયા ચુકવણી અને ઉઘરાણી માટેની બિલબુક સહિતની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ પર કાબૂ આવ્યા બાદ વેપારીઓ દુકાનો જોવા પહોંચ્યા
શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટની અંદર લાગેલી આગને કારણે તમામ દુકાનનો માલ સામાન બનીને ખાખ થઈ ગયો છે. વેપારીઓ આજે શિવ શક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટ પાસે પહોંચી જતા પોલીસે તેમને વિનંતી કરીને રોકી દીધા હતા.વેપારીઓએ અંદર જઈને પોતાની દુકાન જોવાનો આગ્રહ રાખ્યો હતો. જો કે પોલીસ અધિકારીઓ દ્વારા તેમને સમજાવીને ઊભા રાખી દેવાયા હતા. વેપારીઓ મોટી સંખ્યામાં આવતાની સાથે જ અધિકારીઓએ તેમને રોકી લીધા હતા અને અત્યારે પણ અંદર જે કામગીરી ચાલી રહી છે તે વાતની સમજણ આપી હતી અને અંદર જવું જોખમી છે પ્રકારની વાત કરી હતી. રામલાલ પુરોહિત નામના વેપારીએ જણાવ્યું હતું કે, અમારી પાંચમા માળ ઉપર દુકાનો હતી, એ બંને ગોડાઉન સળગી ગયા હશે તેવી અમને ખાત્રી છે. પરંતુ બીજી પણ અમારી જે દુકાનો છે તેની સ્થિતિ કેવી છે તે અંગે અમારે જાણવું છે. અપર ફ્લોર ઉપર બે દુકાનો અને ગોડાઉન છે. અમારી એટલી જ માંગણી છે કે અંદર જે પણ ફાયરના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે તેમના તરફથી અમને માહિતી આપવામાં આવી છે કે કયા નંબરની દુકાનને કેટલું નુકસાન થયું છે. જો આ પ્રકારની અમને માહિતી મળી જશે તો અમને થોડીક મદદ થઈ જશે કારણ કે અત્યારે પણ અમે લોકો ચિંતિત છે કે કેટલી દુકાનોને કેટલું નુકસાન થયું છે જે અધિકારીઓ કામ કરી રહ્યા છે તેમના તરફથી અમને સ્પષ્ટતા મળી જાય તો અમને થોડી રાહત થઈ જશે. વેપારી ધીરજ બાફનાએ જણાવ્યું કે, અમારી દુકાનોને અને માલ સામાન્ય ખૂબ મોટું નુકસાન થયું છે. જો કે હજી પણ અમારી દુકાન સળગી ગઈ છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી. કારણ કે કદાચ કેટલીક દુકાનો બાકી રહી ગઈ હશે. અમને આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી તારીખે સુરત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે અમારા ટેક્સટાઇલ વેપારીઓને જેમને નુકસાન થયું છે તેમને આર્થિક સહાયની જાહેરાત કરે. સી આર પાટીલ, અમિત શાહ પણ અમારુ જે નુકસાન થયું છે તેમાં થોડી આર્થિક સહાય આપે. પતરાંના શેડમાં દુકાનો બનાવી
ગેરકાયદેસર પતરાના શેડમાં દુકાનો બનાવી હોવાથી ટેરેસમાં પતરાના શેડ ગરમ થતા ભીષણ આગ લાગી હતી. કુલ 28 દુકાન પતરાના શેડમાં બનાવવામાં હતી. 25 ફેબ્રુઆરી બાદ 26મીએ કેમ આગ લાગી?
25 ફેબ્રુઆરીએ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. એ બાદ ગતરોજ (26 ફેબ્રુઆરી) સવારે 7 વાગ્યાની આસપાસ ફરી આગ ભભૂકી ઊઠી હતી, જેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. 25 ફેબ્રુઆરીએ આગ કાબૂમાં લીધા બાદ કૂલિંગ થઈ ગયું હતું, પણ ઈલેક્ટ્રિક વાયરમાં કદાચ પાણી રહી ગયું હોવાથી આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોઈએ માર્કેટમાં આવીને સ્વિચ ચાલુ કરવાનો પ્રયાસ કર્યો હોવાથી ફરી આગ શરૂ થઈ હોઇ શકે. રાજ્ય સરકાર આર્થિક પેકેજની જાહેરાત કરે: નરેશ જૈન
આ અંગે વેપારી નરેશ જૈને જણાવ્યું હતું કે વેપારીઓને ખૂબ મોટું આર્થિક નુકસાન થયું છે. સરકારે અમને રાહત આપવી જોઈએ. સુરતના ટેક્સટાઇલ વેપારીઓ ખૂબ મોટા પ્રમાણમાં ટેક્સ ચૂકવતા હોય છે. કોર્પોરેશનને પણ ટેક્સ આપે છે. શિવશક્તિ માર્કેટમાં જે આગ લાગી એનાથી ખૂબ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા અમને આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવવી જોઈએ. જે દુકાનોમાં આગ નથી લાગી ત્યાં ઝડપથી વેપારીઓને જવા દેવા જોઈએ. આગ પર કાબૂ મેળવવો કેમ મુશ્કેલ?
ટેક્સટાઇલ માર્કેટમાં જ્યારે આગ લાગતી હોય છે ત્યારે તેના પર કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. કારણ કે, કાપડનો જથ્થો હોય એટલે સ્વાભાવિક છે કે, આગ ઝડપથી લાગે છે. પરંતુ તેના ઉપર કંટ્રોલ મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. ખાસ કરીને પોલિયસ્ટર, સિન્થેટિક કાપડ હોય અને તેમાં જ્યારે આગ લાગે છે ત્યારે તેના પર ઝડપથી કંટ્રોલ આવી શકતો નથી. પેટ્રોલિયમ પેદાશોમાંથી સાડી કે, ડ્રેસ મટીરિયલનું કાપડ તૈયાર થતું હોય છે. આ પ્રકારના રોમટીરિયલનો ઉપયોગ થતો હોવાને કારણે આ ઝડપથી પ્રસરી જાય છે. ઘણી વખત આગ ઉપર કાબૂ મેળવાઈ ગયા બાદ પણ એક નાનકડા તણખલાથી આગ ફરીથી ભભૂકી શકે છે. ફોમયુક્ત પાણીનો મારો ચલાવ્યા બાદ પણ કંટ્રોલ બહાર
ટેક્સટાઇલ માર્કેટમાં જ્યારે આગ લાગતી હોય છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા ફોમયુક્ત પાણીનો મારો ચલાવવામાં આવતો હોય છે. ફોમયુક્ત પાણીમાં કેમિકલ નાખવામાં આવતું હોય છે, જેથી કરીને સિન્થેટિક કાપડ જેવા કેમિકલના રોમટીરિયલથી બનતા કાપડ ઉપર કંટ્રોલ આવી શકે છે. ટેક્સટાઈલ માર્કેટમાં કે કેમિકલ ફેક્ટરીમાં આગ લાગે ત્યારે ફાયર વિભાગ આ જ પ્રકારે ફોમયુક્ત પાણીથી આગ ઉપર કાબૂ મેળવે છે. શિવશક્તિ માર્કેટમાં 853 દુકાનોમાં સાડી અને ડ્રેસ મટીરિયલનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં છે. એક માળથી બીજા માળે જવામાં મુશ્કેલી
શિવશક્તિ માર્કેટના એક માળથી લઈને પાંચ માળ સુધી સતત આગ ભભૂકી રહી છે. ટેક્સટાઈલ માર્કેટમાં એક માળથી બીજા માળે જવું આગને કારણે મુશ્કેલ થઈ રહ્યું હતું. ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા શરૂઆતમાં એક માળથી બીજા માળ ઉપર જવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેઓ પણ ફસાઈ ગયા હતા અને સ્થિતિ વધુ ગંભીર જણાતા નીચે ઊતરી ગયા હતા. ફાયરના અધિકારીઓએ સીધી રીતે પહેલા ફ્લોરથી આગ પર કાબૂ મેળવીને બીજા માળ ઉપર ઝડપથી જઈ શકતા નહોતા તેને કારણે આગ સતત આખા માર્કેટના એક તરફના ભાગે વધુ પ્રસરી ગઈ હતી. અસરગ્રસ્ત વેપારીઓને મદદ કરવા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને મુશ્કેલીમાં મુકાયેલા વેપારીઓની વાહરે આવવા માટે ભલામણ કરી છે.જેમ નાનું બાળક મુશ્કેલીમાં પ્રથમ માતા-પિતાને યાદ કરે તેમ આ અસરગ્રસ્ત વેપારીઓને સરકાર પાસે મદદની અપેક્ષા રાખી બેઠા છે. તેઓ ફરીથી વેપાર ધંધામાં ઉભા થાય અને શહેરની પ્રગતિમાં હિસ્સો બને તે માટે તેઓને પગભર કરવા આપણી સરકાર કટિબદ્ધ રહે તેવી અપેક્ષાએ તેઓને સહયોગ કરી સહાય આપવી જોઈએ.