back to top
HomeભારતEditor's View: કુદરત વીફરી છે:હિમસ્ખલન, પૂર અને હીટવેવ, એક જ દિવસમાં છ...

Editor’s View: કુદરત વીફરી છે:હિમસ્ખલન, પૂર અને હીટવેવ, એક જ દિવસમાં છ દેશની ધરતી ધ્રૂજી, ચેતવણી નહીં, સીધો પ્રહાર, બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડી

બલ્ગેરિયાની રહસ્યવાદી અંધ મહિલા બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે 2025માં કુદરતી હોનારતો વધશે. આ વાત સાચી પડી રહી છે. વિશ્વમાં કુદરતી સિસ્ટમમાં ઊથલપાથલ થઈ રહી છે. ક્યાંક હિમવર્ષા તો ક્યાંક ગ્લેશિયર તૂટી રહ્યા છે. એકસાથે ઘણા દેશોની ધરતી ધ્રૂજી રહી છે. આ નિશાની સારી નથી. કુદરત હવે ચેતવણી નથી આપતી, એ હવે સીધો પ્રહાર કરે છે. આજે પાંચ એવી ઘટનાની વાત, જે આપણને વિચારતા કરી મૂકે છે. નમસ્કાર, કોઈએ વિચાર્યું પણ નહોતું કે ફેબ્રુઆરી મહિનામાં હિમાચલ પ્રદેશના કુલુમાં પૂર આવશે, કોઈએ વિચાર્યું પણ નહોતું કે ગુજરાત, દિલ્હીમાં ફેબ્રુઆરીમાં ભારે તાપ પડશે. કુદરતની સિસ્ટમ ખોરવાઈ છે. આ સિસ્ટમ એવી ખોરવાઈ છે કે હવે એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે, કારણ કે જ્યારે કુદરત કરગરતી હતી ત્યારે આપણે પહાડો કાપીને મારબલ કાઢ્યા, વૃક્ષો કાપીને લાકડાં બાળ્યાં, અબોલ જીવોની કતલ કરી. કુદરતે ભેટ આપેલી નદીઓને નાળાં જેવી બનાવી દીધી, બોર ખોદી-ખોદીને ધરતીને ચારણી બનાવી દીધી. હવે કુદરતનો વાંક નથી. કુદરત વીફરે તો ખરી. ઘટના પહેલી: ઉત્તરાખંડમાં હિમસ્ખલન
ઉત્તરાખંડના ચમોલીમાં ભારે હિમવર્ષાને કારણે માના ગામ પાસે શુક્રવારે બપોરે અચાનક એક ગ્લેશિયર તૂટી પડ્યો હતો. માના ગામ ઉપર ગ્લેશિયર તૂટ્યા બાદ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO)ના 57 મજૂર બરફમાં દટાયા હતા. 16 મજૂરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે અને ફસાયેલા કામદારોને બહાર કાઢવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. SDRF, NDRF, જિલ્લા વહીવટીતંત્ર, ITBP અને BROની ટીમો ઘટનાસ્થળે હાજર છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. IMDએ કહ્યું છે કે ઉત્તરકાશી, ચમૌલી, રુદ્રપ્રયાગ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા ચાલુ રહેશે. ચાર વર્ષ પહેલાં પણ ઉત્તરાખંડના ચમૌલીમાં ગ્લેશિયર તૂટ્યો હતો
2020માં પણ ઉત્તરાખંડના ચમૌલીમાં બરફનો પહાડ તૂટવાની ઘટના બની હતી. ગ્લેશિયર તૂટવાથી ઋષિગંગા અને ધૌલીગંગા નદીઓમાં જે પૂર આવ્યાં એને લીધે ત્યાં ચાલી રહેલા પાવર પ્રોજેક્ટ અને ડેમને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ ઘટનામાં 170 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આપણે ગ્લેશિયર ગુમાવી રહ્યા છીએ
2019માં દેહરાદૂનની વાડિયા જિયોસાયન્ટિફિક ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ એક રિપોર્ટ પબ્લિશ કર્યો હતો. એમાં નોંધ્યું છે કે વર્તમાન સમયમાં હિમાલયના ગ્લેશિયર પીગળવાની ઝડપ છેલ્લી એક સદીના અંતિમ 25 વર્ષની તુલનામાં લગભગ ડબલ થઈ ચૂકી છે. તાપમાન વધવાથી ગ્લેશિયરોના નીચેના ભાગોને નુકસાન થઈ રહ્યું છે. એને લીધે પાણીની અછતની સાથે દુર્ઘટનાનું પ્રમાણ પણ વધશે. ચમોલી જેવી ઘટના આ સ્થિતિનો પુરાવો છે. આશરે 80 કરોડ લોકો સિંચાઈ, વીજળી અને પીવાના પાણી માટે હિમાલયના ગ્લેશિયરો પર નિર્ભર છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આગામી કેટલાક દાયકામાં એ બંધ થઈ જશે, કારણ કે આપણે મોટેપાયે ગ્લેશિયર ગુમાવી રહ્યા છીએ. ઘટના બીજી: હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી પૂર
હિમાચલ પ્રદેશમાં ફેબ્રુઆરીમાં પ્લેઝન્ટ એટ્મોસ્ફિયર હોય ત્યાં અચાનક ભારે વરસાદ તૂટી પડ્યો હતો. હિમાચલમાં વરસાદ અને બરફવર્ષા આમ તો ત્રણ દિવસથી ચાલુ જ છે, પણ કુલુમાં વરસાદે ભુક્કા કાઢી નાખ્યા છે. કુલુમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોઈને લોકો ધ્રૂજી ઊઠ્યા છે. કુલુમાં વાદળ ફાટ્યું હોય એવી રીતે એટલો વરસાદ આવ્યો કે થોડી જ મિનિટોમાં ભૂતનાથ નાળામાં ઘણાં વાહનો તણાઈ ગયાં. કુલુના ગાંધીનગરમાં ઘણાં વાહનો કાટમાળ નીચે દટાયેલાં છે. વરસાદને ધ્યાનમાં રાખીને કુલુમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. કુલુ ઉપરાંત શિમલા, ચંબા, કિન્નૌર અને લાહૌલ સ્પીતિમાં વરસાદે તબાહી મચાવી છે. જે ટૂરિસ્ટ હિમાચલ પ્રદેશ ફરવા ગયા છે તેમના જીવ તાળવે ચોંટી ગયા છે. ઘરે કેવી રીતે પાછા ફરીશું એ મૂંઝવણ છે. ભરપૂર વરસાદ માટે પ્રશાંત મહાસાગરની પ્રક્રિયા જવાબદાર છે
પ્રશાંત મહાસાગરમાં તાપમાનની અસરને કારણે જે પરિવર્તન થાય છે એના કારણે વરસાદ વરસે છે. પ્રશાંત મહાસાગરમાં બે ઘટના બને છે. અલ નિનો અને લા નિનો. પેસિફિક ઓશનની સપાટીના તાપમાનમાં ફેરફાર થાય. સપાટી ગરમ થાય તો અલ નિનો કહેવાય. સપાટી ઠંડી થાય તો લા નિના કહેવાય. આ લા નિનાની અસરને કારણે મુશળધાર વરસાદ આવે છે. છેલ્લાં બે વર્ષથી પ્રશાંત મહાસાગરની સપાટી ઠંડી પડી રહી છે. એના તાપમાનની સીધી અસર એશિયા પર પડે છે. ભારતમાં પણ આ જ કારણથી જળપ્રલય આવે છે. ઘટના ત્રીજી: કાશ્મીરમાં ભારે હિમવર્ષા, ભૂસ્ખલન
છેલ્લા ઘણા દિવસથી કાશ્મીરમાં બરફવર્ષા કે વરસાદ થતાં નહોતાં. હવામાન શુષ્ક રહેતું હતું. આના કારણે કાશ્મીરના લોકો ચિંતામાં રહેતા હતા કે પાણીની વ્યવસ્થા નહીં થાય તો શું થશે? અખરોટ અને સફરજનના ખેડૂતો પણ મૂંઝાતા હતા. એવામાં 25 ફેબ્રુઆરીથી મોસમનો મિજાજ બદલાયો અને મહાશિવરાત્રિના દિવસે કાશ્મીરમાં જોરદાર હિમવર્ષા થઈ. બે દિવસથી કાશ્મીરમાં જોરદાર બરફ પડે છે. સોનમર્ગ, ગુલમર્ગ જેવા વિસ્તારોમાં ત્રણ-ત્રણ ફૂટ બરફ જામી ગયો છે. કાશ્મીરના હવામાન વિભાગના ડિરેક્ટર મુખ્તાર અહેમદે મીડિયાને જણાવ્યું હતું કે કાશ્મીરમાં મહાશિવરાત્રિએ ઘણીવાર વરસાદ અને હિમવર્ષા થાય છે. આ વખતે પણ 25 ફેબ્રુઆરીથી હવામાનની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. શુક્રવારે વહેલી સવારે ઉધમપુર જિલ્લાના માઉંગરી નજીક એક પહાડ પરથી ભેખડ પડતાં માતા અને પુત્રનાં મોત થયાં હતાં. કઠુઆ જિલ્લાના રાજબાગ વિસ્તારમાં ઉઝ નદીમાંથી 11 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને નિક્કી તાવી વિસ્તારમાંથી 1 વ્યક્તિને બચાવી લેવામાં આવી હતી. હિમવર્ષા અને ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે સહિત ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ જેવાં પર્યટન સ્થળો સહિત ખીણના ઊંચા વિસ્તારોમાં મધ્યમથી ભારે હિમવર્ષા થઈ. ખરાબ હવામાનને કારણે ટ્રેનો અને ફ્લાઇટને પણ અસર થઈ છે. ઘટના ચોથી : માર્ચમાં જ અંગ દઝાડતી ગરમી પડશે
હિમાચલ પ્રદેશના કુલુમાં ભારે વરસાદ, જમ્મુ-કાશ્મીરમાં ભારે બરફવર્ષા, ઉત્તરાખંડમાં ગ્લેશિયરનું પડવું… આ બધી ઘટનાઓ વચ્ચે ગુજરાત અને મહારાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં તો ભરબપોરે તાપ પડવાના શરૂ ગયા છે. હવામાન વિભાગના મતે આ વર્ષે માર્ચ મહિનામાં જ અંગ દઝાડતી ગરમી પડી શકે છે. માર્ચના બીજા અઠવાડિયાથી દિવસ અને રાત્રિના તાપમાનમાં અસામાન્ય વધારો થશે. માર્ચમાં ભારે ગરમીને કારણે ઘઉંના ઉત્પાદન પર અસર પડશે. 2022માં પણ માર્ચ મહિનામાં તીવ્ર ગરમીને કારણે ઘઉંના પાકને ભારે નુકસાન થયું હતું. સરકારે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. દિલ્હીમાં 74 વર્ષ જૂનો રેકોર્ડ, ગુજરાતમાં દાયકાનો રેકોર્ડ આ વખતે જ તૂટી ગયો
દિલ્હી અને ગુજરાતમાં ફેબ્રુઆરીમાં જ ગરમીનો રેકોર્ડ તૂટી ગયો છે. દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનામાં ગરમીએ 74 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 27 ફેબ્રુઆરીએ દિલ્હીના સફદરજંગમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું. ફેબ્રુઆરીમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી થયું હોય એવું 1951 પછી પહેલીવાર બન્યું છે. વાત ગુજરાતની કરીએ તો 2015થી 2025 સુધી, એટલે કે છેલ્લાં 10 વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. રાજ્યનાં ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય અથવા સામાન્યથી નજીક રહેતું હોય છે, પરંતુ આ વર્ષે તો છેલ્લા પખવાડિયામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી સેલ્સિયસ સુધી વધુ નોંધાયું છે. ભારતમાં ઉનાળાની ઋતુ સામાન્ય રીતે કેટલો સમય ચાલે છે?
દેશમાં ઉનાળાની ઋતુને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે…
પ્રી-સમર સિઝન: ઉનાળો માર્ચ અને એપ્રિલથી શરૂ થાય છે. એપ્રિલના પ્રથમ સપ્તાહથી લૂ લાગે ત્યારથી જ ગરમીની શરૂઆત માનવામાં આવે છે.
પીક સમર સિઝન: મે અને મધ્ય જૂન મહિનામાં ઉનાળો એની ટોચ પર હોય છે. આ સમયે સૂર્ય વિષુવવૃત્તથી કર્કવૃત્ત તરફ આગળ વધે છે, જેના કારણે સમગ્ર દેશમાં ગરમી ઝડપથી વધવા લાગે છે.
પોસ્ટ સમર સિઝન: જૂનના છેલ્લા અઠવાડિયાથી ગરમી થોડી ઓછી થવા લાગે છે. ચોમાસાના પવનો દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં જતા હોવાથી લોકોને ગરમીમાંથી રાહત મળે છે. ઘણી વખત ચોમાસાના ચક્રમાં ફેરફારને કારણે જુલાઈ મહિનામાં પણ આકરી ગરમી પડે છે. ગરમીના કારણે વૃદ્ધ બનવાની પ્રક્રિયામાં ઝડપ આવે છે
વધારેપડતી ગરમીના કારણે હોર્મોન્સમાં ફેરફાર થઈ શકે છે. આનાથી વૃદ્ધ બનવાની પ્રક્રિયામાં ઝડપ આવે છે. આ દાવો અમેરિકાની યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના અભ્યાસમાં કરવામાં આવ્યો છે. રિસર્ચમાં કહેવાયું છે કે વૃદ્ધો માટે આ ચિંતાની વાત છે, કારણ કે ગરમીમાં વૃદ્ધોની પરસેવો કાઢવાની ક્ષમતા ઘટી જાય છે, જેનાથી ત્વચાને ઠંડી રાખવાની પ્રક્રિયાને અસર થાય છે. યુનિવર્સિટીના અભ્યાસમાં 2010થી 2016 વચ્ચે 56 વર્ષ કે એનાથી વધારે ઉંમરના 3600થી વધારે લોકોના લોહીનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જ્યાં 32 ડિગ્રી કે એનાથી વધારે ગરમી રહેતી હોય એ વિસ્તારમાં રહેતા લોકોને યુવાનીમાં જ ઉંમર દેખાવા લાગે છે. હીટવેવની અસરથી મોંઘવારી વધે છે
DBS રિસર્ચ ગ્રુપના અર્થશાસ્ત્રી રાધિકા રાવના જણાવ્યા અનુસાર, જો મે મહિનામાં સામાન્ય કરતાં વધુ દિવસો સુધી હીટવેવ ચાલુ રહે છે તો એ મોંઘવારીમાં 30થી 50 બેસિસ પોઇન્ટ્સનો વધારો કરી શકે છે. શાકભાજીના ભાવ આસમાને જઈ શકે છે. કેર એજના અર્થશાસ્ત્રી રજની સિન્હાએ તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે હીટવેવની સીધી અસર ત્રણ બાબત પર જોવા મળી શકે છેઃ ઘટના પાંચમી: 24 કલાકમાં 6 દેશની ધરતી ધ્રૂજી
કુદરત આસમાનમાંથી રૂઠી છે એવું નથી. ધરતી પણ ધ્રૂજી રહી છે. મહાશિવરાત્રિએ ઈન્ડોનેશિયામાં 6 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. એના 24 કલાક પછી 27 ફેબ્રુઆરીની રાતથી સવાર સુધીમાં છ દેશની ધરતીને ધ્રુજાવતા ભૂકંપના આંચકા આવ્યા હતા. છ દેશમાં 8 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. છેલ્લા 24 કલાકમાં આસામથી પાકિસ્તાન સુધી ધરતી ધણધણી ઊઠી હતી. સૌથી મોટો 6.1ની તીવ્રતાનો આંચકો નેપાળમાં નોંધાયો હતો. નેપાળથી ઉદભવેલા વમળ છેક બિહાર, આસામ સુધી અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિન્દુ કાઠમંડુથી 65 કિ.મી. દૂર ભૈરવકુંડમાં હતું. તો આ ભૂકંપના કારણે ભારતમાં બિહારના અનેક વિસ્તારો તો છેક ઉત્તર-પૂર્વમાં સિક્કિમ, દાર્જીલિંગ સુધી હતી. પાક.માં ભૂકંપનો આંચકો 27મીએ સવારે 5.14 કલાકે આવ્યો હતો, જેની તીવ્રતા 4.5ની નોંધાઈ હતી અને એનું કેન્દ્રબિન્દુ પાક.ના બરખાન પાસે નોંધાયું છે. સવારે નેપાળ, પાકિસ્તાન, ભારતમાં આંચકા આવ્યા તો એ પહેલાં 27મીએ મધરાત્રે મ્યાનમાર, તાજિકિસ્તાનમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા અને એની અસર ઓડિશા અને પશ્ચિમ બંગાળ સુધી અનુભવાઈ હતી, જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5ની હતી. પરોઢિયે તિબેટમાં પણ 4.1ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. છેલ્લે,
જે રીતે આ ઘટનાઓ બની રહી છે એ જોતાં એક પંક્તિ યાદ આવે છે –
કુદરત કે ફૈસલે પે કભી શક મત કરના,
અગર સજા મિલ રહી હૈ તો ગુન્હા ભી કિયા હોગા… સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments