દેશના મુખ્ય 8 શહેરમાં ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં ઘરોની કિંમતમાં સરેરાશ 10 ટકાનો
વધારો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ મજબૂત માંગ અને ઊંચા ઈનપુટ ખર્ચ છે. અમદાવાદમાં 2023ના ઓક્ટોબર-ડિસેમ્બરના ક્વાર્ટરની તુલનામાં 2024ના આ જ સમય દરમિયાન ઘરોની કિંમતમાં 15 ટકા સુધીનો વધારો નોંધાયો છે અને કાર્પેટ એરિયાનો સરેરાશ ભાવ 7725 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટે પહોંચી ગયો છે. ક્રેડાઈ, કોલિયર્સ અને લાઈસેસ ફોરાસે સંયુક્ત રીતે જાહેર કરેલા રિપોર્ટ મુજબ, ઘરોની કિંમતો વધવામાં અમદાવાદ ત્રીજા નંબરે છે. દિલ્હી-એનસીઆરમાં ઘરોના ભાવ 31 ટકા અને બેંગલુરુમાં 23 ટકા સુધી વધ્યા છે. શહેર સાઉથ વેસ્ટ સબર્બ માર્કેટમાં આવતા બોપલ, આંબલી, પ્રહલાદનગર, સાઉથ બોપલ, સેટેલાઈટ, વેજલપુર વિસ્તારમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં ઘરની કીમત 17 ટકા સુધી વધી ગઈ છે. એફોર્ડેબલમાં 63 ટકા ઘર વેચાયા વગર પડી રહ્યાં
રિપોર્ટ મુજબ, અમદાવાદમાં છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં વેચાયા ન હોય એવા ઘરોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. 2024ના ચોથા ક્વાર્ટર સુધીમાં 63 ટકા વેચાયા વગરના ઘરો અફોર્ડેબલ અને મિડ-સેગમેન્ટમાં રહ્યા. સાઉથવેસ્ટ સબર્બ માર્કેટમાં વાર્ષિક 20 ટકાનો સૌથી વધુ ભાવવધારો નોંધાયો, બીજા નંબરે ગાંધીનગર સબર્બમાં 16 ટકાની વૃદ્ધિ નોંધાઈ. એસ.પી. રિંગ રોડ પરનું ભીડનું ભારણ ઘટાડવા ઈસ્ટર્ન સબર્બમાં રહેણાંક વિસ્તારો વિકાસવાની પ્રવૃત્તિને લાંબા ગાળાનો વેગ મળવાની શક્યતા છે. ઘરની કિંમતમાં સતત વધારો ઘર ખરીદનારાઓમાં મજબૂત આત્મવિશ્વાસ દર્શાવે છે, જે રહેવા માટેની મોકળી જગ્યા અને લાઈફસ્ટાઈલમાં સુધારાથી પ્રેરિત છે. જમીન સંપાદન અને બાંધકામમાં ખર્ચનું દબાણ પણ કિંમતના વલણમાં નોંધપાત્ર ફાળો આપે છે. – બોમન ઈરાની, પ્રમુખ, ક્રેડાઈ નેશનલ