તાજેતરમાં રાજકોટનાં 150 ફૂટ રિંગરોડ પરની પાયલ હોસ્પિટલમાં થતી મહિલા દર્દીઓની સારવારના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જે અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે સાધુ વાસવાણી રોડની શાંતિ હોસ્પિટલમાં પણ દર્દીઓને જ્યાં સારવાર આપવામાં આવે છે તે સ્થળે CCTV લાગેલા હોવાનું સામે આવ્યું છે. ફક્ત એટલું જ નહીં તેનો કંટ્રોલ હોસ્પિટલનાં મેડિકલ સ્ટોરમાં હોવાનું ખુલ્યું છે. જેને લઈને ફરીવાર દર્દીઓની પ્રાઇવસી સામે સવાલો ઉઠ્યા છે. CCTV માટેનો કંટ્રોલરૂમ મેડિકલ સ્ટોરમાં જ રખાયો
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની શાંતિ હોસ્પિટલમાં પણ દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા CCTV જોવા મળ્યા હતા. જેમાં દર્દીઓને ઇન્જેક્શન આપતા હોય તે સ્થળે પણ CCTV લગાવેલા જોવા મળ્યા હતા. આ સાથે જ આ તમામ CCTV માટેનો કંટ્રોલ રૂમ મેડિકલ સ્ટોરમાં જ રાખવામાં આવ્યો હતો. જેના કારણે અહીં સારવાર લેતા દર્દીઓની પ્રાઇવસીને લઈને અનેક સવાલો ઉઠ્યા છે. જોકે આરોગ્ય વિભાગની CCTVને લઈને કોઈ ચોક્કસ ગાઈડલાઇન નહીં હોવાથી પાયલ હોસ્પિટલની જેમ અહીં સારવાર લેતા દર્દીઓનાં વિડીયો પણ વાયરલ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. CCTVની તપાસ કરવાનો કોઈ આદેશ નથી અપાયો
મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, લગભગ દોઢેક મહિના પહેલા શાંતિ હોસ્પિટલની તપાસ અમારી ટીમ દ્વારા કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં ફાયર એક્ઝિટની કોઈ સુવિધા નહીં હોવાનું તેમજ માત્ર લિફ્ટ અને ત્રણ ફૂટની સીડી હોવાનું સામે આવ્યું હતું તેમજ PMJAY કાર્ડ દ્વારા આપવામાં આવતી સારવારમાં કેટલીક ગેરરીતિ હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને આ રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવ્યો હતો. જે અંતર્ગત હોસ્પિટલને રૂ. 23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે તેમજ 6 મહિના માટે PMJAY કાર્ડમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. જોકે, CCTVની તપાસ કરવાનો કોઈ આદેશ નહીં હોવાથી તે અંગે કોઈપણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી. હોસ્પિટલને રૂ. 23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મનપા તંત્ર, ઇન્શ્યોરન્સ કંપની દ્વારા શાંતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં આ હોસ્પિટલમાં અનેક ક્ષતિ સામે આવી હતી. હોસ્પિટલમાં ફાયર એક્ઝિટની કોઈ જ સુવિધા નથી. તેમજ માત્ર લિફ્ટ અને 3 ફૂટની સીડી હોવાનું સામે આવ્યું હતું. તેમજ GPCBનું સર્ટિફિકેટ એક્સપાયર થવા છતાં રીન્યુ માટે અરજી પણ કરવામાં આવી નહીં હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને આ હોસ્પિટલને રૂ. 23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને 6 મહિના માટે PMJAY કાર્ડમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હતી ત્યારે હવે શાંતિ હોસ્પિટલમાં લગાવવામાં આવેલા CCTVને લઈને પણ સવાલો ઉઠતા તંત્ર દ્વારા ક્યારે અને શું કાર્યવાહી કરવામાં આવશે? તે જોવું રહ્યું.