કેન્દ્રીય શ્રમ રોજગાર અને રમત ગમત મંત્રી મનસુખ માંડવિયા આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારનાં બજેટથી થનારા ફાયદાઓ વિશે માહિતી આપી હતી. ડેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ઘેડ પંથક માટે રૂ. 1500 કરોડનો પ્લાન ઘડાયો છે, જે ખૂબ સારી બાબત છે. તો કેન્દ્રનું બજેટ દેશનો વિકાસ કરનારૂ છે. આ તકે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ગેરકાયદે વસતા ભારતીયોને પરત મોકલવા અંગે કોઈ કોમેંન્ટ કરવી યોગ્ય નહીં હોવાનું માંડવિયા દ્વારા જણાવાયું હતું. બજેટ 2047ના રોડમેપ સાથે તૈયાર કરાયુંઃ મનસુખ માંડવિયા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, આ પહેલા કોંગ્રેસના શાસનમાં રજૂ કરવામાં આવતા બજેટ દરમિયાન કરેલી કોઈ જોગવાઈનો અમલ કરવામાં આવતો નહોતો. જોકે, મોદી સરકાર દ્વારા દેશનો વિકાસ થાય તેવા બજેટ રજૂ કરીને તેનો ચુસ્તપણે અમલ પણ કરવામાં આવે છે. વર્ષ 2014નું પહેલું બજેટ એક વિઝન આપવામાં આવ્યું હતું, જે માત્ર રૂ.17 લાખ કરોડનું હતું. આજે દેશનું બજેટ 50 લાખ કરોડ રૂપિયાનું થયું છે. આ બજેટમાં 15 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ ઇન્ફાસ્ટ્રક્ચર પાછળ કરવામાં આવશે. આ બજેટ 2047ના રોડમેપ સાથે તૈયાર કરાયું છે. ‘5 વર્ષમાં બે લાખ નોકરીનું નિર્માણ કરાશે’
વધુમાં તેમણે જણાવ્યું કે, આગામી 5 વર્ષમાં 4 કરોડ જોબ માટે 2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. તેમજ દેશની 500 જેટલી પ્રીમિયમ કંપનીમાં 1 વર્ષ સુધી ઇન્ટરનશીપ આપવામાં આવશે. જેના કારણે દેશભરની બીજી કંપનીઓને લાભ થશે. આ ઉપરાંત રૂ. 12 લાખ સુધી આવકવેરો ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેના કારણે લોકો પાસે રૂ. 1 લાખ સુધીની બચત થશે. જેનો તેઓ ખર્ચ કે રોકાણ કરશે તેનાથી અર્થતંત્રને વેગ મળશે. આમ એકદમ પ્લાનિંગ સાથે દેશ અત્યારે આગળ વધી રહ્યો છે. દેશ બદલી રહ્યો છે અને નવું ભારત બની રહ્યું છે. ‘બજેટમાં ઘેડ પંથકને પ્રાધાન્ય આપવામાં આવ્યું’
ગુજરાત સરકારના બજેટ અંગે માંડવિયાએ જણાવ્યું હતું કે, આ વખતનું ગુજરાત સરકારનું બજેટ પણ મેં જોયું છે. ગુજરાતનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેના કરતાં વધુ ઝડપી વિકાસ થાય તેવું આ બજેટ છે. જેમાં સૌપ્રથમ જૂનાગઢ અને પોરબંદર ઘેડ પંથકમાં ચોમાસા દરમિયાન પાણી ઘૂસી જવા પ્રશ્ને નક્કર આયોજન કરાયું છે. ઘેડ પંથકમાં 10થી 15 કિલોમીટર સુધી નદીના પાણી ખેતરોમાં ઘૂસી જતા હોય છે. આ સમસ્યા દૂર કરવા માટે રૂ. 1500 કરોડનો પ્લાન ઘડવામાં આવ્યો છે. જેમાં હવે નદીઓ ઉંડી ઉતારી અને પાણી ન ભરાય તેવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. બજેટમાં ઘેડ પંથકને પ્રાધાન્ય આપવામાં આવ્યું તે ખરેખર ખૂબ સારી બાબત છે. ભારતીયોના ડિપોર્ટ મામલે મંત્રીએ બોલવાનું ટાળ્યું
અમેરિકમાં ગેરકાયદે જનારા ભારતીયોને પરત મોકલી દેવાની અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિ અંગે તેમણે જણાવ્યું હતું કે, આપણે પણ ગેરકાયદેસર નાગરિકોને ડિપોર્ટ કરી રહ્યા છીએ અને દરેક દેશ આ માટે કામ કરી રહ્યા છે. કોઈપણ દેશ પોતાના ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે કોઈ વસવાટ ન કરે તેના માટે પ્રયાસ કરતો જ હોય છે. કોઈપણ દેશમાં વસવાટ કરવા માટે લોકોએ ગેરકાયદે માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્યારે આ બાબતે કોઈપણ દેશ વિશે કોમેન્ટ કરવી યોગ્ય નથી.