વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે દિલ્હીના પોશ વિસ્તારોમાં રહેતા લોકો અંગ્રેજો દ્વારા બનાવાયેલા કાયદા પર કેમ ચૂપ રહ્યા. અમારી સરકારે અંગ્રેજોના બનાવેલા આ કાયદાને હટાવ્યો. પીએમએ NXT ના એક કાર્યક્રમમાં આ વાત જણાવી હતી. મોદીએ કહ્યું કે એક કાયદો હતો- ડ્રામેટિક પર્ફોર્મન્સ એક્ટ. આ કાયદો 150 વર્ષ પહેલાં અંગ્રેજોએ બનાવ્યો હતો. અંગ્રેજો ઇચ્છતા હતા કે થિયેટર અને નાટકનો ઉપયોગ તેમની વિરુદ્ધ ન થાય. આ કાયદામાં એવી જોગવાઈ હતી કે જો 10 લોકો જાહેર સ્થળે ડાન્સ કરતા દેખાય તો તેમની ધરપકડ કરી શકાય છે. દેશની આઝાદી પછી 75 વર્ષ સુધી આ કાયદો ચાલુ રહ્યો. એનો અર્થ એ થયો કે જો લગ્ન દરમિયાન 10 લોકો ડાન્સ કરતા હોય, તો પોલીસ તેમની ધરપકડ કરી શકે છે. અમારી સરકારે આ કાયદો નાબુદ કર્યો. ‘આપણે 70 વર્ષ સુધી કાયદાને સહન કર્યો.’ તે સમયની સરકારો વિશે મારે કંઈ કહેવું નથી, પણ મને લુટિયન્સ જમાત અને ખાન માર્કેટ ગેંગ પર આશ્ચર્ય થાય છે. આ લોકો 75 વર્ષ સુધી આવા કાયદા પર કેમ ચૂપ રહ્યા? આ લોકો જે અવારનવાર કોર્ટમાં જાય છે, જે PIL (જાહેર હિત અરજી)ના કોન્ટ્રાક્ટર બનીને ફરે છે, તેઓ કેમ ચૂપ હતા? તે સમયે તેમને લોકોની સ્વતંત્રતાની કોઈ પરવા નહોતી. પીએમ મોદીના સંબોધનની 5 વાતો… 1. પહેલા વાંસ કાપવા બદલ લોકોને જેલમાં ધકેલવામાં આવતા હતા પહેલાં, વાંસ કાપવા બદલ જેલની સજા થતી હતી. આપણા દેશમાં એક કાયદો હતો જેમાં વાંસને વૃક્ષ ગણવામાં આવતું હતું. પહેલાની સરકારો એ સમજવામાં નિષ્ફળ ગઈ કે વાંસ કોઈ વૃક્ષ નથી હોતું. અમારી સરકારે આ કાયદો નાબૂદ કર્યો. 2. પ્રયાગરાજમાં એકતાનો મહાકુંભ સંપન્ન, દુનિયા જોતી રહી ગઈ 26 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં એકતાનો મહાકુંભ સમાપન થયું. દુનિયાને નવાઈ લાગે છે કે કરોડો લોકો ફક્ત પવિત્ર સ્નાન માટે એક અસ્થાયી શહેરમાં કેવી રીતે આવી શકે? આખું વિશ્વ ભારતના આયોજન અને નવીનતા કૌશલ્ય પર નજર રાખી રહ્યું છે અને તેને વિગતવાર જાણવા માંગે છે. 3. AI અને G20 સમિટમાં ભારતનું વર્ચસ્વ ફ્રાન્સની તેમની હાલની મુલાકાતનો ઉલ્લેખ કરતા, પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે વિશ્વના મુખ્ય શિખર સંમેલનોનું નેતૃત્વ કરી રહ્યું છે. મને ફ્રાન્સમાં AI સમિટમાં હાજરી આપવાની તક મળી. ભારત આ સમિટનું કો-હોસ્ટ હતું. હવે ટૂંક સમયમાં ભારત તેનું આયોજન કરશે. ભારતે G20ની અધ્યક્ષતા કરતા ઈન્ડિયા-મિડલ ઈસ્ટ-યુરોપ આર્થિક કોરિડોર (IMEEC)ની બ્લુપ્રિન્ટ રજૂ કરી. ઉપરાંત, આફ્રિકન યુનિયનને G20ના સભ્ય બનાવીને ગ્લોબલ સાઉથનો અવાજ બુલંદ કરવામાં આવ્યો હતો. 4. ભારત વિશ્વનો 7મો સૌથી મોટો કોફી એક્સપોર્ટર બન્યો ભારત વિશ્વમાં કોફીનો 7મો સૌથી મોટો એક્સપોર્ટર દેશ બન્યો છે. દાયકાઓથી દુનિયા ભારતને પોતાનું બેક ઓફિસ માનતી હતી, પરંતુ આજે ભારત ન્યુ ફેક્ટરી ઓફ ધ વર્લ્ડ બની રહ્યું છે. ભારત માત્ર વર્કફોર્સ નથી, વર્લ્ડ ફોર્સ છે. 5. AI આરોગ્ય, શિક્ષણ અને કૃષિમાં પરિવર્તન લાવશે પીએમ મોદીએ કહ્યું કે આવનારા સમયમાં AI કરોડો લોકોના જીવન બદલી શકે છે. AI દ્વારા, આરોગ્ય, શિક્ષણ અને કૃષિમાં જબરદસ્ત સુધારા લાવી શકાય છે.