અમદાવાદના જોધપુર વિસ્તારમાં લોટસ સ્કૂલ અને રિદ્ધિ ટાવર પાસે રોડ પર શાકભાજી વેચનારા 186થી વધુ શાકભાજી માર્કેટના વેપારીઓ દ્વારા છેલ્લા 78 દિવસથી આ વિસ્તારમાં જ કોર્પોરેશનના પ્લોટમાં જગ્યા ફાળવવામાં આવે તેવી માગ સાથે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જોધપુર લોટસ સ્કૂલ પાસે ઉભા રહેતા આ તમામ લારીઓવાળાને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રહલાદનગર ગાર્ડનની બાજુમાં બનાવવામાં આવેલા વેજીટેબલ માર્કેટમાં ડ્રો કરી થડા ફાળવવામાં આવ્યા છે. પરંતુ લારીઓ વાળાની માગ છે કે, આ વિસ્તારમાં તેમનો ધંધો થઈ શકે તેમ નથી. જેના કારણે આજ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ ફાળવવની માગ સાથે આંદોલન પર બેઠા છે. મુખ્યમંત્રીથી લઇ સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેશનમાં રજૂઆત છતાં પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. પ્લોટમાં કાયમી જગ્યા ફાળવવાની પોલિસી નથીઃ મીરાંત પરીખ
દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખે જણાવ્યું હતું કે, જોધપુર શાકમાર્કેટના વેપારીઓને પ્રહલાદનગર ગાર્ડનમાં થડા ફાળવવામાં આવ્યા છે. તેઓની માંગ છે કે, વેજીટેબલ માર્કેટમાં ધંધો થઈ શકે તેમ નહીં. જોકે, તેઓના માટે રોડ પર વેજીટેબલ માર્કેટના સાઈનબોર્ડ લગાવવાથી લઈ લોકો ત્યાં ખરીદી કરવા માટે આવે તેવું આયોજન કરવા માટે પણ કહ્યું છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં ઉભા રહી અને ધંધો કરવા દેવામાં આવે તેવી પોલિસી ન હોવાના કારણે અમે તેમને પરવાનગી આપી શકતા નથી. રોડ ઉપર ઉભા રહી અને ધંધો કરી શકે નહિ. શાકભાજી વાળાને પ્લોટમાં જગ્યા ફાળવવા મામલે સ્થાનિક રહીશો દ્વારા પણ વિરોધ કરવામાં આવે છે, જેના કારણે પ્રશ્નો ઊભા થાય છે. આ ઉપરાંત પ્લોટમાં કાયમી જગ્યા ફાળવવાની પોલિસી નથી. હંગામી ધોરણે કોઈ જગ્યાએ ફાળવી શકાય, પરંતુ કાયમી ફાળવી શકાતું નથી. પ્રહલાદનગર માર્કેટમાં રોજનું શાકભાજી ફેંકી દેવું પડે તેવી સ્થિતિઃ રાકેશભાઈ
લારી-ગલ્લા પાથરણાં સંઘના રાકેશભાઈ મહેરીયાએ જણાવ્યું હતું કે, જોધપુર વિસ્તારમાં લોટસ સ્કૂલની પાસે 186થી વધુ શાકભાજીનું વેચાણ કરતા લારીઓવાળાને પ્રહલાદનગર પાસે કોર્પોરેશન દ્વારા વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યું છે, ત્યાં જગ્યા ફાળવવામાં આવી છે. પરંતુ આ જગ્યા ખૂબ દૂર અને અવાવરૂ હોવાથી ત્યાં ધંધો થઈ શકે તેમ નથી. જોધપુર વિસ્તારમાં શાકભાજી અને ફ્રુટનું વેપાર કરતાં લારીઓવાળાના રોજગાર- ધંધા બંધ છે. છેલ્લા 77 દિવસથી જોધપુર શાકભાજી માર્કેટના લારીઓવાળા દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. રોજગાર-ધંધા બંધ કરી અને આંદોલનમાં જોડાયેલા છે. પ્રહલાદનગર માર્કેટમાં ત્યાં રોજનું શાકભાજી ફેંકી દેવું પડે તેવી સ્થિતિ થઈ શકે તેમ છે. જેથી અમારી માગ એટલી છે કે જોધપુર વિસ્તારમાં આસપાસમાં કોર્પોરેશનના પ્લોટ ફાળવવામાં આવે, ત્યાં અમને ઉભા રહેવા દેવાની માગ કરી છે. CM સુધી રજૂઆત બાદ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી
જોધપુર વિસ્તારમાં આજુબાજુમાં સાત જેટલા પ્લોટ હોવાના ફોટા પાડી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ સહિતના અધિકારીઓને આપવામાં આવ્યા છે. જોકે, આ પ્લોટ ફાળવવા મામલે કોઈ નિર્ણય લેવામાં આવતો નથી. મુખ્યમંત્રીથી લઈને સ્થાનિક વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પણ રજૂઆત કરી છે, છતાં પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આંદોલન ચલાવનારા જોધપુર શાકમાર્કેટના વેપારીઓ દ્વારા હવે જો નિરાકરણ નહીં આવે તો આત્મવિલોપન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે શનિવારે દક્ષિણ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા વેપારીઓને બોલાવવામાં આવ્યા છે. આ મામલે કોઈ નિરાકરણને લઈ ચર્ચા કરવામાં આવશે.