લિંબાયત ઉધના યાર્ડ ખાતે સાંઈબાબા મંદિર પાસે 60 કરોડના ખર્ચે લિંબાયત-નવાગામ વિસ્તારને જોડતા રાજ્યના પહેલાં વેન્ટિલેશનવાળા રેલવે અંડરપાસનું જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના હસ્તે રવિવારે લોકાર્પણ કરવામાં આવશે. છેલ્લા 4 વર્ષથી અન્ડરપાસનું નિર્માણ ચાલી રહ્યું હતું. જેના લીધે રોજ લોકો ટ્રાફિક જામની સાથે સાંઈ મંદીર રોડથી લાંબા ચકરાવાનો સામનો કરી રહ્યા હતા. જોકે, નીલગીરીના કાર્યક્રમ પહેલાં એટલે 2જી માર્ચ રવિવારના રોજ અન્ડરપાસ ખુલ્લો મુકાતા જ લાખો લોકોની સમસ્યાનો પણ અંત આવશે. 7મી તારીખે પીએમ નરેન્દ્ર મોદીની પણ નીલગીરીમાં જાહેર સભા હોવાથી સભા સ્થળ પર પહોંચવા માટે લોકોને મોટી રાહત થશે. પુશ ટેક્નિકથી 180 મીટર અંડરપાસ બનાવાયો રેલવે લાઇન નીચે રાજ્યમાં પહેલો અન્ડરપાસ સુરત પાલિકાએ બનાવ્યો છે. ઓક્ટોબર-2020માં નિર્માણ ટેન્ડર સોંપી 30 મહિનાની મુદ્દતમાં કામ પૂર્ણ કરવાનું હતું. રેલવે લાઇન નીચેથી ભૂગર્ભ RCC બોક્સ પુશ પદ્ધતિથી ટ્રેન અટકાવ્યા વગર જ 180 મીટર લાંબી ટનલનું નિર્માણ કરાયું હતું. ટનલમાં ઓક્સિજન જાળવી રાખવા 1 કરોડના ખર્ચે એકઝોસ્ટ ફેન અને AC સિસ્ટમ ટનલમાં ગુંગળામણનો અનુભવ ન થાય તેની પણ તકેદારી લઇ 1 કરોડના ખર્ચે હિટિંગ, વૅન્ટિલેશન અને એર કન્ડિશનિંગ સિસ્ટમ લગાવાઇ છે. વાહનોના ધુમાડાને વૅક્યૂમ કરવા 1200 ક્યુબિક ફુટ પ્રતિ કલાકની ક્ષમતા વાળા એક્ઝોસ્ટ ફેન પણ કાર્યરત રહેશે. પાણીના નિકાલ માટે 88 હજાર લીટરના પંપ લગાડાયા છે.