અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તસ્કરોએ 80 હજાર રૂપિયાની ચોરી કરી છે. ગાર્ડન સીટી રોડ પર આવેલી આ શાળાના એડમિન રૂમમાંથી તસ્કરો રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા છે. શાળાના ક્લાર્ક ભરત સોનવણેએ ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના 80 હજાર રૂપિયા એડમિન રૂમની તિજોરીમાં મૂક્યા હતા. સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા શખ્સો એડમિન રૂમમાં હાથફેરો કરતા દેખાય છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા કેટલાક સમયથી મકાનો અને દુકાનોમાં ચોરીની ઘટનાઓ બની રહી છે. હવે શાળામાં પણ તસ્કરો ત્રાટક્યા છે. શાળા સંચાલકોએ પોલીસને જાણ કરતાં જીઆઇડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે. ક્લાર્ક ભરત સોનવણેની ફરિયાદના આધારે પોલીસે તસ્કરોને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.