રાજ્ય સરકારે જન્મ-મરણ નોંધણી ફીમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. 27મી ફેબ્રુઆરીથી નવા દર અમલી બન્યા છે. મૃત્યુના પ્રમાણપત્ર માટેની ફી રૂ.5થી વધારીને રૂ.20 કરવામાં આવી છે. જન્મના દાખલા માટે અગાઉની રૂ.10ની ફી વધારીને રૂ.50 કરવામાં આવી છે. નવા નિયમો અનુસાર, 30 દિવસથી મોડી નોંધણી માટે લેટ ફી રૂ.10થી વધારીને રૂ.50 કરવામાં આવી છે. એક વર્ષથી મોડી નોંધણી માટે રૂ.100ની ફી લાગશે. આ માટે જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે. પ્રમાણપત્રો હવે ઇલેક્ટ્રોનિક અથવા અન્ય સ્વરૂપમાં આપવામાં આવશે. અગાઉ ‘નકલ’ શબ્દને બદલે હવે ‘પ્રમાણપત્ર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવશે. ખોટી માહિતી આપનાર વ્યક્તિને રૂ.50થી રૂ.1000 સુધીનો દંડ થઈ શકે છે. સરકારના સેક્રેટરીએ જારી કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે આ સુધારા દ્વારા જન્મ અને મૃત્યુ નોંધણીની પ્રક્રિયા વધુ સ્વચ્છ, અસરકારક અને વ્યવસ્થિત બનશે. મોડી નોંધણી માટે રજિસ્ટ્રારના નિર્દેશ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ માટે પાટણ જિલ્લાના અધિકૃત અધિકારીની મંજૂરી મેળવવી આવશ્યક રહેશે.