કેલિફોર્નિયામાં જંગલમાં લાગેલી આગને કારણે ઓસ્કર સેરેમની રદ થવાની આરે હતી, પરંતુ હવે 97મો ઓસ્કર એવોર્ડ સમારોહ 2 માર્ચે (ભારતીય સમય મુજબ 3 માર્ચે સવારે 5:30 વાગ્યે) નિર્ધારિત સમય મુજબ યોજાશે. આ વર્ષે ભારતમાંથી ‘કંગુવા’, ‘સ્વતંત્ર વીર સાવરકર’ જેવી 5 ફિલ્મો શોર્ટલિસ્ટ કરવામાં આવી હતી, પરંતુ તેમને ફાઈનલ નોમિનેશન મળ્યું ન હતું. પ્રિયંકા ચોપરા દ્વારા કો-પ્રોડ્યુસ ફિલ્મ ‘અનુજા’ બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ થઈ છે. 2023માં, ભારતીય ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’ને બેસ્ટ ઓરિજનલ સોન્ગ માટે ઓસ્કર મળ્યો છે. ઓસ્કરના 97 વર્ષના ઇતિહાસમાં, અત્યાર સુધીમાં 8 ભારતીયોને ઓસ્કર મળ્યા છે, જ્યારે 4 ફિલ્મો ‘મધર ઇન્ડિયા’, ‘લગાન’, ‘સલામ બોમ્બે’, ‘શ્વાસ’ને બેસ્ટ ફીચર ફિલ્મ કેટેગરીમાં અંતિમ નામાંકન મળ્યા છે. 2004માં, ઓસ્કરમાં ફિલ્મ ‘શ્વાસ’ના પ્રમોશન માટે, શાળાના બાળકોએ 10-10 રૂપિયા એકઠા કર્યા હતા, જ્યારે કેટલાક બાળકોએ દીવા બનાવીને પૈસા દાનમાં આપ્યા હતા. સિદ્ધિ વિનાયક મંદિરમાં દાન માટે એક દાનપેટી પણ રાખવામાં આવી હતી. ઓસ્કર પણ ઘણી વખત વિવાદમાં પણ રહ્યો છે. 2000માં, સેરેમની પહેલા 55 એવોર્ડ ચોરાઈ ગયા હતા અને પછી 52 એવોર્ડ કચરાપેટીમાંથી મળી આવ્યા હતા. આજ સુધી આમાંથી 2 એવોર્ડ વિશે કોઈ માહિતી મળી શકી નથી. ‘ટાઇટેનિક’ એક્ટર લિયોનાર્ડોના ઘરમાંથી ચોરાયેલો એવોર્ડ પણ મળી આવ્યો છે. ઓસ્કર 2025 સેરેમની પહેલા, તેના ઇતિહાસ, વિવાદ અને આ વર્ષના નોમિનેશન્સ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી વાંચો- પ્રી-ઓસ્કર પાર્ટી રદ કરવામાં આવી હતી
કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગને કારણે ઓસ્કર 2025 રદ થવાનો હતો. ભલે,સેરેમનીની તારીખ બદલાઈ નથી, પરંતુ ઓસ્કાર પહેલાની પ્રી-ઓસ્કર પાર્ટી રદ કરવામાં આવી હતી. UTA (યુનાઇટેડ ટેલેન્ટ એજન્સી)એ જાહેરાત કરી છે કે પ્રી-ઓસ્કર પાર્ટીની રકમ આગ પીડિતો માટે કામ કરતી સંસ્થાને દાનમાં આપવામાં આવશે. હાલમાં આ રકમ જાહેર કરવામાં આવી નથી. વિશ્વની પહેલી ઓસ્કર સેરેમની 15 મિનિટ ચાલી હતી
હોલિવૂડ સ્ટુડિયો એમજીએમના વડા લુઇસ બી. મેયરે ઓસ્કર એવોર્ડ્સનો પાયો નાખ્યો હતો. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કાર્યની પ્રશંસા કરવા માટે 1927માં આ પુરસ્કાર શરૂ કરવા માટે એક સમિતિની રચના કરી. બે વર્ષની તૈયારી પછી, પ્રથમ ઓસ્કાર સેરેમની 1929માં લોસ એન્જલસમાં 270 લોકોની હાજરીમાં યોજાઈ હતી; તે સેરેમની માત્ર 15 મિનિટ સુધી ચાલી હતી. 1939માં એકેડેમી એવોર્ડ્સનું નામ બદલીને ઓસ્કર રાખવામાં આવ્યું. કૂતરાને મળવાનો હતો પહેલો એવોર્ડ
પ્રથમ ઓસ્કર સત્તાવાર રીતે જર્મન કલાકાર એમિલ જેનિંગ્સે જીત્યો હતો. એમિલે પાછળથી જર્મન સરમુખત્યાર હિટલર માટે કામ કર્યું અને નાઝી સરકાર માટે ઘણી પ્રોપેગન્ડા ફિલ્મો બનાવી. જો કે, જેનિંગ્સ આ એવોર્ડ માટે પ્રથમ દાવેદાર ન હતા. આ એવોર્ડ જર્મન શેફર્ડ જાતિના એક કૂતરાને આપવામાં આવનાર હતો, જેનું નામ રિન ટીન ટીન હતું. આ કૂતરાને પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ફ્રાન્સમાં બચાવી લેવામાં આવ્યો હતો. બાદમાં રિન ટીન ટીને હોલિવૂડમાં કામ કરવાનું શરૂ કર્યું. તેણે 27 ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાંથી ચાર 1929માં જ રિલીઝ થઈ હતી. જે પૈકી બેમાં તેમની ઉત્તમ અભિનય માટે, એવોર્ડ સમિતિએ તેમને ઓસ્કર માટે લાયક ગણ્યા. પરંતુ એકેડેમીના પ્રથમ પ્રેસિડેન્ટ ડગ્લાસ ફેરબેન્ક્સને લાગ્યું કે જો પહેલો એવોર્ડ કૂતરાને આપવામાં આવશે તો તેનાથી ખોટો સંદેશ જશે. તેથી પુરસ્કાર સમિતિને ફરીથી મતદાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. પછી જર્મન અભિનેતા એમિલ જેનિંગ્સને પ્રથમ એકેડેમી એવોર્ડ મળ્યો. આ કૂતરો એટલો પ્રખ્યાત હતો કે લેખક સુસાન ઓર્લાને તેમના જીવન પર એક પુસ્તક લખ્યું હતું ‘રિન ટીન ટીન: ધ લાઈફ એન્ડ ધ લિજેન્ડ’ જેમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે, કેટલાક અહેવાલોમાં તેને માત્ર અફવા પણ કહેવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે રિન ટીન ટીનને કોઈ એકેડેમી એવોર્ડ આપવાની ક્યારેય કોઈ યોજના નહોતી. રિન ટીન ટીન 1932માં મૃત્યુ પામ્યો હતો. ભારતીય ફિલ્મ ‘શ્વાસ’ ઓસ્કરમાં ગઈ, ત્યારે બાળકોએ દિવાઓ બનાવી દાન આપ્યું હતું
2004માં, મરાઠી ફિલ્મ ‘શ્વાસ’ ઓસ્કર માટે ભારતની સત્તાવાર એન્ટ્રી હતી. ઓસ્કરના નિયમો અનુસાર, દરેક નોમિનેટેડ ફિલ્મ અમેરિકામાં પ્રદર્શિત થવી જ જોઇએ. ઓસ્કર જ્યુરી ફિલ્મ જોયા પછી સ્ક્રીનીંગમાં હાજરી આપે છે અને બેલેટ દ્વારા મતદાન કરે છે. જે ફિલ્મને વધુ મત મળે છે તે વિજેતા બને છે. નિર્માતાઓ પાસે આ માટે બજેટ નહોતું. જ્યારે આ સમાચાર બહાર આવ્યા, ત્યારે જોગેશ્વરીની એક શાળાના બાળકોએ દીવા બનાવ્યા અને ભંડોળ એકત્ર કરવા માટે 30,000 રૂપિયા એકઠા કર્યા. જ્યારે નાસિકના શાળાના બાળકોએ 10-10 રૂપિયાનું યોગદાન આપીને 1001 રૂપિયાનું દાન આપ્યું. મરાઠી નાટ્યગૃહે શો કરીને 65 હજાર રૂપિયા ભેગા કર્યા અને તે નિર્માતાઓને આપ્યા. હજુ પણ પૈસાની અછત હતી, તેથી સચિન તેંડુલકરે પોતાની વસ્તુઓની હરાજી કરીને ભંડોળ એકત્ર કર્યું અને અમિતાભ બચ્ચને 1 લાખ રૂપિયાનું દાન આપ્યું. મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરમાં આ માટે એક દાનપેટી પણ રાખવામાં આવી હતી. ગોવા સરકારે આ માટે 21 લાખ રૂપિયા, યુવા બાબતોના મંત્રાલયે 50 હજાર રૂપિયા અને મહારાષ્ટ્ર સરકારે 15 લાખ રૂપિયાનું દાન આપ્યું. ભંડોળ એકત્ર થયા પછી, ફિલ્મ યુએસમાં રિલીઝ થઈ પરંતુ તો પણ તે ફિલ્મ પુરસ્કાર જીતી શકી નહીં. ઓસ્કર 2023માં પહેલીવાર એકસાથે ભારતનાં ત્રણ નોમિનેશન
ઓસ્કર 2023માં પહેલીવાર ભારતમાંથી ત્રણ નોમિનેશન થયાં. એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ગીત ‘નાટુ-નાટુ’એ બેસ્ટ ઓરિજનલ સોંગનો અવોર્ડ જીત્યો. કાર્તિકી ગોંજાલ્વિસના ડાયરેક્શનમાં બનેલી ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ બની. જોકે, ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ ‘ઓલ દૈટ બ્રીથ્સ’ રેસમાંથી બહાર થઈ ગઈ હતી. પહેલાં 94 વર્ષમાં ભારતીય મૂળના લોકોને માત્ર 5 અવોર્ડ્સ મળ્યા હતા. કચરાના ઢગલામાંથી મળી આવી હતી ઓસ્કર ટ્રોફી
2000ના ઓસ્કરના 20 દિવસ પહેલા 55 ટ્રોફી ભરેલો એક ટ્રક ચોરાઈ ગયો હતો. સેરેમની માટે જલ્દીથી નવી ટ્રોફી બનાવવામાં આવી હતી. થોડા દિવસો પછી, એક માણસને કચરાના ઢગલામાં 52 ટ્રોફી મળી હતી. એકેડેમીને માહિતી આપ્યા બાદ, તે વ્યક્તિને 5 હજાર ડોલરનું ઇનામ મળ્યું. બાકીની 3 ટ્રોફીમાંથી એક ડ્રગ રેડમાં મળી આવી હતી, પરંતુ બાકીની 2 ટ્રોફી હજુ પણ ગુમ છે. બાદમાં બધી જ ટ્રોફીનો નાશ કરવામાં આવ્યો હતો. શું ઓસ્કર ક્યારે પણ વિવાદને કારણે ચર્ચામાં રહ્યો છે?
ઓસ્કર તેની પ્રોસેસ કે એવોર્ડ માટે ક્યારેય વિવાદમાં રહ્યો નથી. હા, ઓસ્કર સ્ટેજ પર સેલેબ્સે ઘણા વિવાદો સર્જ્યા છે. આવો જાણીએ વિવાદ… 2022 – એક્ટર વિલ સ્મિથએ હોસ્ટ ક્રિસ રોકને થપ્પડ મારી દીધી હતી. પત્ની પર હોસ્ટ ક્રિસે મજાક કરી જે વિલ સહન કરી શક્યો ન હતો. 2021 – વર્ષ 2021 હોલિવૂડની ફ્રેન્ચ એક્ટ્રેસ કોરીની મસેરીઓએ સ્ટેજ પર તેનાં કપડાં ઉતાર્યાં હતાં. એક્ટ્રેસ એવોર્ડ આપવા માટે સ્ટેજ પર પહોંચી હતી, પરંતુ ત્યાં પહોંચતાં જ તેણે ફ્રાંસ સરકારનો વિરોધ કરવા માટે પોતાનાં કપડાં ઉતારી દીધાં હતાં. તેના શરીર પર સૂત્રો લખેલાં હતાં. 2017 – ફાય ડુનાવે અને વોર્ન બીટી બેસ્ટ પિક્ચરનો એવોર્ડ આપવા માટે સ્ટેજ પર હતા. બંનેએ ‘લાલા લેન્ડ’ ફિલ્મની જાહેરાત કરી હતી, જ્યારે એવોર્ડ મૂનલાઇટ ફિલ્મને આપવાનો હતો. સમારંભમાં હાજર લોકોએ અવાજ ઉઠાવ્યા બાદ આ ભૂલ સુધારવામાં આવી હતી. 2003 – મૂર ચેસ્ટિસને ફિલ્મ બોલિંગ ફોર કોલમ્બાઈન માટે એવોર્ડ મળ્યો હતો, પરંતુ તેઓ સ્ટેજ પર ગયા અને તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશને અપમાનજનક શબ્દો કહેવા લાગ્યા હતા. 2000- સેરેમનીમાં એન્જેલીના જોલીને ફિલ્મ ગર્લ ઇન્ટરપ્ટેડ માટે બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. સમારંભ પહેલાં એન્જેલીનાએ રેડ કાર્પેટ પર તેના ભાઈને લિપ-કિસ કરીને વિવાદનો સામનો કર્યો હતો. ઓસ્કર સંબંધિત આ રસપ્રદ તથ્યો પણ વાંચો- ઓસ્કર 2025 નોમિનેશન લિસ્ટ બેસ્ટ સિનેમેટોગ્રાફી બેસ્ટ કૉસ્ટ્યુમ ડિઝાઇન બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ