સુરતના રિંગરોડ પર આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં 25 અને 26 ફેબ્રુઆરીએ ઉપરાઉપરી બે દિવસ લાગેલી આગમાં 700 જેટલી દુકાનો ચપેટમાં આવી જતા કરોડો રૂપિયાનો માલ બળીને ખાખ થયો હતો. તંત્રએ હાલ આગનું ચોક્કસ કારણ જાણવા FSLની મદદ લઈ તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ બિલ્ડિંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે SVNITએ પણ સર્વે શરૂ કરી દીધો છે. SVNITના પ્રોફેસર ડો. અતુલ દેસાઈએ ‘દિવ્ય ભાસ્કર’ સાથે ખાસ વાતચીત કરી હતી. દેસાઈના મતે આગના કારણે બિલ્ડિંગના ઉપરના બે માળ પર વ્યાપક નુકસાન થયું છે. તેઓ ડિટેઈલ તપાસનો રિપોર્ટ 15 દિવસમાં સોંપશે. જો કે, દેસાઈએ આ આગની ઘટના બાદ તંત્રને અને વેપારીઓને બે મહત્ત્વનાં સૂચનો પણ કર્યા છે જેથી ભવિષ્યમાં આ પ્રકારની દુર્ઘટનાને નિવારી શકાય. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ માટે SVNITની ટીમે તપાસ શરૂ કરી
શિવશક્તિ માર્કેટમાં આગની ઘટના બાદ સ્ટ્રક્ચરને કેટલું નુકસાન થયું છે તેના સ્ટેબિલિટી રિપોર્ટ માટે SVNIT કોલેજના સિવિલ ડિપાર્ટમેન્ટના પ્રો. ડો. અતુલ દેસાઈ અને તેમની ટીમના સભ્યો શનિવારે ( 1 માર્ચે) માર્કેટ પર પહોંચ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. ડો. દેસાઈ અને તેમની ટીમના સભ્યો ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ ટેરેસ સુધી તપાસ કરી હતી. કેવી રીતે તૈયાર થશે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ?
શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવા માટે કેટલાંક મહત્ત્વના ટેસ્ટિંગ કરવામાં આવશે. અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી ટેસ્ટિંગ, રિબાઉન્ડ હેમર ટેસ્ટિંગ, કોમ્પિટિટ કલર ટેસ્ટિંગ વગેરે ટેસ્ટિંગ કરાવવામાં આવશે જેનો રિપોર્ટ આવ્યા બાદ ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગ દ્વારા આખરી નિર્ણય લેવામાં આવશે. વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને ક્રેક પેટર્નનો પણ અભ્યાસ કરવામાં આવશે. જેથી કેટલી જગ્યાએ સ્ટ્રક્ચર મજબૂત છે તે અંગે જાણી શકાશે. માર્કેટના નકશામાં બેઝમેન્ટનો ઉલ્લેખ નહીં!
સ્ટ્રક્ચર્સ સ્ટેબિલિટી રિપોર્ટની તપાસ કરવા માટે SVNITના પ્રોફેસર અને તેમની ટીમને માર્કેટનો નકશો બતાવવામાં આવ્યો હતો. જેમાં બેઝમેન્ટનો ઉલ્લેખ જોવા મળ્યો નથી. નકશાની અંદર લોઅર બેઝમેન્ટ અને અપર ફ્લોર બતાવવામાં આવ્યું છે. બેઝમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. શક્ય છે કે ઇમ્પેક્ટ ફી ભરીને બેઝમેન્ટમાં દુકાનો બનાવી દેવાયા બાદ જે નકશો તૈયાર કરવામાં આવ્યો છે તેમાં લોઅર અને અપર ફ્લોર બતાવવામાં આવ્યું હોઇ શકે. ટોપ ફ્લોર ઉપર શેડ જોવા મળ્યા
શિવશક્તિ માર્કેટના રિપોર્ટ તૈયાર કરવા અંગે ટીમ દ્વારા જ્યારે તમામ ફ્લોરની વિઝિટ કરવામાં આવી હતી. જેમાં ટોપ ફ્લોર ઉપર લોખંડના એન્ગલથી શેડ તૈયાર કરી દેવામાં આવ્યા હતા. જે ગેરકાયદેસર હોવાનો માનવામાં આવી રહ્યું છે. જોકે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસવા માટે ગયેલી ટીમ માત્ર એટલું જણાવી રહી છે કે લોખંડના એન્ગલથી શેડ બનાવી દેવામાં આવ્યા છે હવે તે ગેરકાયદેસર છે કે કેમ ત્યાં અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરી નથી. ‘માર્કેટમાં માલનું ઓવર ડમ્પિંગ હોવાનું જણાય આવે છે’
સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરનાર ટીમના પ્રોફેસર ડૉ. અતુલ દેસાઈએ જણાવ્યું કે, સાયન્ટિફિક રીતે આખી બિલ્ડિંગનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. અમે આખી માર્કેટમાં ત્રણ કલાક પસાર કર્યા હતા. આ ત્રણ કલાક દરમિયાન અમે વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કર્યું છે. જેમાં સૌથી વધુ ચોથા અને પાંચમા ફ્લોરને નુકસાન થયું છે. અહીં પિલરને ખૂબ મોટું નુકસાન થયું છે સીલિંગમાં પણ સળિયા સુધી નુકસાન પહોંચી ગયું છે. જેથી ચોથા અને પાંચમા ફ્લોર ઉપરનું સ્ટ્રક્ચર વધુ ક્ષતિગ્રસ્ત હોવાનું જણાઈ આવ્યું છે. જે રીતે બિલ્ડિંગના દરેક ફ્લોર ઉપર દૃશ્યો જોવા મળ્યાં છે તેના પરથી એક વાત સ્પષ્ટ છે કે માર્કેટમાં માલનું ઓવર ડમ્પિંગ થયું હોઈ શકે છે. માર્કેટમાં બે દુકાનો વચ્ચે જે સ્પેસ હોય છે ત્યાં પણ મોટાભાગે સાડીઓનો જથ્થો હોવાનો જણાઈ આવે છે. માર્કેટમાં દુકાનમાં જે માલ મૂકી શકાય તેના કરતાં પણ વધારે મૂકી દીધા હોવાને કારણે આગ વધુ વિકરાળ બની હોય તેવું લાગે છે. કાપડનો જથ્થો એટલા મોટા પ્રમાણમાં હોય છે કે હવાની અવરજવર માટે જે વેન્ટિલેશન હોય છે તે પણ બંધ જેવી સ્થિતિમાં જોવા મળે છે. ફાયર વિભાગ અને વેપારીઓને જરૂરી સૂચનો કર્યાં
ડો. દેસાઈએ કહ્યું હતું કે, માર્કેટમાં જે માલનું વેચાણ થતું હોય તેમાં કેવા પ્રકારનું મટીરિયલ્સ હોય છે અને તેમાં આગ લાગે તો તે કઈ રીતે કાબૂમાં લઈ શકાય તેનું આયોજન હોવું જોઈએ. આ ઉપરાંત બિલ્ડિંગ નિયમ મુજબ હોવા છતાં પેસેજમાં ખોટી રીતે દબાણ થયાં હોય તો તે ન થાય તે માટે વેપારી અને એસોસિયેશને પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. 5-5 વેપારીઓને માર્કેટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી
હાલ અત્યારે વેપારીઓની માનસિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેમને થોડી રાહત થાય તેના માટે ત્રીજા ફ્લોર સુધી પાંચ પાંચ વેપારીઓને ઉપર જવા દેવાની મંજૂરી આપવામાં આવી છે. વધુ સંખ્યામાં એકસાથે વેપારીઓને આ બિલ્ડિંગમાં પ્રવેશવા દેવું જોખમી છે. પાંચ પાંચ વેપારીઓને 10 મિનિટ સુધી અંદર મોકલવામાં આવશે જેથી કરીને તેમની જરૂરી એસેટ બહાર લઈ આવી શકે. PM મોદીએ વ્યક્ત કરેલી ચિંતા સાચી ઠરી- પાટીલ
શનિવારે કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે શિવશક્તિ માર્કેટની મુલાકાત લીધી હતી. પાટીલે સ્વીકાર્યું હતું કે, રિલીફ ફંડથી વેપારીઓનું નુકસાન ભરપાઈ થાય તેમ નથી. સાથે સૂચન કર્યું હતું કે, જો નિયમ મુજબ આખું બિલ્ડિંગ ઉતારીને નિયમ મુજબ વધુ બાંધકામ માટે મંજૂરી મળતી હોય તો વેપારીને વધારાના ખર્ચ વગર નવી દુકાન મળી શકે. વધુમાં કહ્યું હતું કે, થોડાં વર્ષો પહેલાં જ્યારે સુરતમાં ખુલ્લામાં આગ લાગી હતી ત્યારે પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી હતી કે, ગલીઓમાં આવેલી માર્કેટમાં આગ લાગશે તો શું થશે? જે ચિંતા આજે સાચી ઠરી છે. વેપારીઓને મદદ માટે હાલ કોઈ પ્રોમિસ આપવામાં આવ્યું ન હતું. પરંતુ, સરકાર તરફી જે તે યોજનામાંથી જે મદદ મળતી હશે તે આપવાનો પ્રયાસ કરવાની વાત કરી હતી.