ઓસ્ટ્રેલિયાએ ઈજાગ્રસ્ત ઓપનર મેથ્યુ શોર્ટના સ્થાને ઓલરાઉન્ડર કોનોર કોનોલીનો ટીમમાં સમાવેશ કર્યો છે. 28 ફેબ્રુઆરીના રોજ અફઘાનિસ્તાન સામે વરસાદથી પ્રભાવિત મેચમાં શોર્ટ ઘાયલ થયો હતો. જે બાદ તે ટુર્નામેન્ટની બાકીની મેચમાંથી બહાર થઈ ગયો. મંગળવારે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા ભારત સામે ટકરાશે. ફિલ્ડિંગ કરતી વખતે તેને ઈજા થઈ હતી
અફઘાનિસ્તાન સામેની મેચમાં ફિલ્ડિંગ કરતી વખતે શોર્ટ ઘાયલ થયો હતો. બાદમાં તેણે 15 બોલમાં 20 રનની ઇનિંગ રમી. ઓસ્ટ્રેલિયાના મેડિકલ સ્ટાફે પુષ્ટિ આપી છે કે સેમિફાઈનલ સુધીમાં તે સંપૂર્ણપણે ફિટ થશે નહીં. જે બાદ તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો. કોનોલીને ઓસ્ટ્રેલિયન ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે સામેલ કર્યો હતો
કોનોલી પહેલાથી જ ઓસ્ટ્રેલિયાની ટીમમાં ટ્રાવેલિંગ રિઝર્વ ખેલાડી તરીકે હતો. તેણે ઓસ્ટ્રેલિયા માટે અત્યાર સુધીમાં 6 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જેમાં 3 વન-ડે, એક ટેસ્ટ અને 2 T20નો સમાવેશ થાય છે.
તેણે અત્યાર સુધીમાં 3 ODI મેચમાં 10 રન બનાવ્યા છે. તેણે 2 T20માં બેટિંગ કરી ન હતી અને એકમાત્ર ટેસ્ટમાં 4 રન બનાવ્યા હતા. અત્યાર સુધી તે એક પણ વિકેટ લઈ શક્યો નથી. કોનોલીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું
કોનોલીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે 5 ફર્સ્ટ ક્લાસ મેચ, 9 લિસ્ટ A મેચ અને 27 T20 મેચ રમી છે. તેણે 5 ફર્સ્ટ ક્લાસ મેચમાં 312 રન, 9 લિસ્ટ A મેચમાં 117 રન અને 27 T20 મેચમાં 577 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા તેના ગ્રૂપમાં બીજા સ્થાને રહ્યું
ઓસ્ટ્રેલિયાએ પોતાના ગ્રૂપમાં બીજા ક્રમે રહીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. પહેલી મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું, જ્યારે સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન સાથેની મેચ વરસાદને કારણે રદ થઈ. આ સાથે, ઓસ્ટ્રેલિયા ચાર પોઇન્ટ સાથે બીજા સ્થાને રહ્યું. જ્યારે સાઉથ આફ્રિકા પાંચ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને રહ્યું. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા જ 4 ખેલાડીઓ ઈજાના કારણે બહાર હતા
ટુર્નામેન્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને ઘણા ખેલાડીઓને ઇજાઓ થતાં સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. માર્શ (પીઠ), પેટ કમિન્સ (પગમાં ઈજા), જોશ હેઝલવુડ (હિપ) અને મિચેલ સ્ટાર્ક (પગમાં ઈજા) બહાર થઈ ગયા. તો માર્કસ સ્ટોઇનિસે નિવૃત્તિની જાહેરાત કરી.