મહેસાણામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને શિક્ષા કરવા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાથી બચવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. માનવ આશ્રમ ચોકડી નજીક એક એક્ટિવા પર ત્રણ યુવકો સવાર હતા. આ યુવકોએ સીસીટીવી કેમેરામાં વાહનનો નંબર કેદ ન થાય અને ઈ-ચલણથી બચી શકાય તે માટે જોખમી પ્રયાસ કર્યો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે એક્ટિવા પર સૌથી પાછળ બેઠેલા યુવકે પાછળની નંબર પ્લેટ છુપાવવા માટે જોખમી રીતે વળીને હાથ મૂક્યો. એટલું જ નહીં, એક્ટિવાના ચાલકે પણ આગળની નંબર પ્લેટ છુપાવવા માટે ચાલુ વાહને વાંકા વળીને હાથ મૂક્યો. આ રીતે પોતાના અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકનારી આ હરકત સીસીટીવીમાં કેદ થઈ ગઈ. પોલીસે આ ગંભીર ઉલ્લંઘન બદલ યુવકોને ઈ-ચલણ મોકલ્યું છે. આ ઘટના દર્શાવે છે કે કેટલાક લોકો ટ્રાફિક નિયમોનું પાલન કરવાને બદલે તેનાથી બચવા માટે કેવા જોખમી પ્રયાસો કરે છે.