ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે અમદાવાદમાં ગત રાતથી સુસવાટાભર્યા પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. ઠંડીની વિદાય વેળાએ એકાએક ઠંડા પવનો ફૂંકાતા લોકોને શિયાળા જેવા માહોલની અસર વર્તાઈ હતી. જેને કારણે એક જ દિવસમાં અમદાવાદનું મહત્તમ તાપમાન અઢી ડિગ્રી ગગડ્યું હતું. હજુ બે દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે. બાદમાં ફરી ગરમી ભુક્કા બોલાવશે. ગુજરાત પર ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાયા
ગુજરાત રાજ્યના રહેવાસીઓને છેલ્લા બે દિવસથી ગરમીથી રાહત મળી છે તથા હજુ પણ આગામી 36થી 48 કલાક ગરમીનો પારો ઊંચકાવાની શક્યતાઓ નહિવત્ છે. હાલમાં ગુજરાત પર ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. બીજી તરફ અરબ સાગરમાં મજબૂત પ્રેશર ગ્રેડિયન્ટ સક્રિય થયું છે. જેથી દેશમાં સૌથી લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યંત ઝડપી ગતિએ પવનો ફુંકાવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ફરી એક વખત ગરમીનો અનુભવ થશે
હવામાન વિભાગે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે આગામી સાત દિવસ શુષ્ક વાતાવરણ રહેવાની આગાહી વ્યક્ત કરી છે તથા હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં 24 કલાક તાપમાન યથાવત્ રહેશે એટલે કે વાતાવરણમાં ઠંડક યથાવત્ રહેશે. ત્યારબાદ ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે. એટલે કે ફરી એક વખત ગરમીનો અનુભવ થશે. આજે પણ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના જાહેર કરવામાં આવી છે. તેની સાથે જ યલો એલર્ટ પણ જાહેર કરી છે. આજે પણ રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવનની ગતિ 20થી 25 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આજે મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ તથા લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહેવાની શક્યતાઓ છે. ત્યારબાદ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું
હવામાન વિભાગે ગતરોજ દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી તથા યલો એલર્ટ જાહેર કર્યું હતું. કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં એટલે કે કચ્છના અખાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાઓ હતી. જેથી આ સ્થિતિમાં માછીમારો દરિયો ખેડવા જાય તો તેમને જોખમ હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પ્રેશર ગેડિયન્ટ સક્રિય હોવાથી હળવા તોફાન જેવી સ્થિતિ નિર્માણ પામી શકે તેવી શક્યતાઓ હોય છે. ગરમીથી ત્રાહિમામ ગુજરાતવાસીઓને રાહત
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહ્યું છે તથા રાજ્યના તમામ જિલ્લાઓનું લઘુતમ તાપમાન સામાન્યથી નીચું નોંધાયું છે જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ફેબ્રુઆરી મહિનામાં ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠેલા ગુજરાતવાસીઓ માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં ઠંડક અનુભવી રહ્યા છે, પરંતુ ત્યારબાદ ભુક્કા બોલાવતી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આંશિક ઠંડક અનુભવાઇ
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં આંશિક ઠંડક અનુભવાઇ હતી. કારણ કે ફક્ત 24 જ કલાકમાં અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમાં 2.3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 32.7 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાનમાં 24 કલાકમાં ચાર ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે ગત રાત્રિ દરમિયાન અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગતરોજ રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન દીવમાં 35.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. નલિયાનું લઘુતમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
મહત્ત્વનું છે કે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશા તરફથી આવતા પવન મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો લાવ્યા છે. ત્યારે કચ્છના નલિયામાં ફક્ત 24 જ કલાકમાં લઘુતમ તાપમાનમાં 13 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવ્યો છે. ત્રણ માર્ચની રાત્રે નલિયાનું લઘુતમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન એટલે કે ચાર માર્ચની રાત્રે નલિયાનું લઘુતમ તાપમાન એકાએક ઘટીને 6.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અચાનક તાપમાનમાં ઘટાડો થયા બાદ ફરીથી તાપમાન વધશે ત્યારે બેવડી ઋતુનો પણ અનુભવ થવાની શક્યતાઓ છે. 20થી 25 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાવાની શક્યતા
આજે પણ અમદાવાદ સહિત આસપાસના વિસ્તારમાં અને રાજ્યના મોટાભાગના વિસ્તારમાં 20થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે જેથી વાતાવરણમાં ઠંડક અનુભવાશે. અમદાવાદ સિવાય રાજ્યનાં અન્ય ત્રણ મહાનગરોમાં પણ લઘુતમ અને મહત્તમ તાપમાન સામાન્યથી નજીક અથવા તો નીચું રહ્યું હતું. જેમાં વડોદરાનું મહત્તમ તાપમાન 35.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટનું મહત્તમ તાપમાન 33.7 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 13.9 ડિગ્રી સેલ્સિયસ તથા સુરતનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 19.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.