26 ફેબ્રુઆરી 2025ના રોજ સુરતની શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગે વેપારીઓને પાયમાલ કરી દીધા છે. 800થી વધુ કરોડના નુકસાન સાથે બિલ્ડિંગ હાલ જોખમી થઈ ગઈ છે. પાંચમાં માળનો સ્લેબ બેન્ડ મારી ગયો છે. જેથી વેપારીઓને જ્યારે અંદર પ્રવેશ આપવામાં આવે તે પહેલાં આખી બિલ્ડિંગનો સર્વે કરવામાં આવે છે અને કોઈ જોખમ ન જણાય તો જ અંદર પ્રવેશ આપવામાં આવે છે. 50 ટકા જેટલા વેપારીઓ દ્વારા અત્યાર સુધીમાં પોતાની નોંધણી કરાવી દેવામાં આવી છે. જ્યારે 200થી વધુ દુકાનોનું પંચનામું પણ કરી દેવામાં આવ્યું છે. જેમાંથી 70 જેટલા વેપારીઓ પાસે ઇન્સ્યોરન્સ હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, આ તમામ પ્રોસેસ બાદ ઇન્સ્યોરન્સ મળતા ત્રણ મહિના જેટલો સમય લાગે તેવી પણ શક્યતાઓ છે. પહેલા વાત કરીએ શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટની બિલ્ડિંગની…
25 ફેબ્રુઆરીના રોજ પહેલીવાર શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હતી. આ બેઝમેન્ટમાં ગેરકાયદે બનાવવામાં આવેલી દુકાનોમાં આ આગ લાગી હતી. પાંચથી છ કલાક બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી. જોકે, બીજા દિવસે 26 જાન્યુઆરીના રોજ સવારમાં ફરી આગ લાગી ગઈ હતી. જે આગ પર કાબુ મેળવતા બે દિવસ જેટલો સમય લાગ્યો હતો. આગના પગલે અંદરથી કામગીરી ન થઈ શકતા આગ પર કાબુ મેળવવામાં વધુ સમય લાગી ગયો હતો. આગ કાબુમાં લેવાઈ ગયા બાદની અંદરની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. બિલ્ડિંગ ખૂબ જ જોખમી હોવાના કારણે બે દિવસ કોઈને પણ અંદર પ્રવેશ કરવા દીધો ન હતો. 1 માર્ચ 2025ના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં વેપારીઓને અંદર જવાની અનુમતિ આપવામાં આવી હતી. બિલ્ડિંગનો પાંચમો અને ચોથો માળ સંપૂર્ણ ખાક
આગ બાદ બિલ્ડિંગની સ્ટેબિલિટીની વાત કરવામાં આવે તો બિલ્ડિંગનો પાંચમો અને ચોથો માળ સંપૂર્ણ ખાક થઈ ગયો છે. આ સાથે જ પાંચમાં માળનો સ્લેબ બેન્ડ મારી ગયો છે જેથી તે ખૂબ જ જોખમી છે. જેના પગલે ત્રણ ટાઈમ આખા બિલ્ડિંગનો સર્વે કરવામાં આવે છે. ફાયર વિભાગની એક ટીમ સતત આ બિલ્ડિંગ ખાતે તેનાત રાખવામાં આવી છે. જે ટીમ ત્રણ ટાઈમ બિલ્ડિંગનો સર્વે કરે છે. ત્યાર બાદ જ વેપારીઓને પોતાની દુકાન સુધી પહોંચવા અને પંચનામુ કરવા માટે લઈ જવામાં આવે છે. પાંચમાં માળે બેન્ડ વળી ગયેલો સ્લેપ જો ધરાશાહી થાય તો તે ત્રણ માળ સુધી આવી શકે તેવી સ્થિતિ છે. બેઝમેન્ટની અંદર 100 દુકાનોમાં ગોઠણ સુધીનું પાણી
જોખમી બિલ્ડિંગ હોવાના પગલે સૌપ્રથમ વેપારીઓને બેજમેન્ટમાં જવાની અનુમતિ આપવામાં આવી હતી. આ બેઝમેન્ટની અંદર 100 જેટલી દુકાનો હોવાનું જાણવા મળ્યું છે. જેને ફાયર વિભાગ અને શટર તોડવા માટે ગેસ કટરની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તે તમામ પાણી બેઝમેન્ટમાં એકત્ર થઈ ગયું હતું. જેથી હાલ બેઝમેન્ટમાં ગોઠણ સુધીનું પાણી ભરેલું છે. આ પાણીની વચ્ચે તમામ વેપારીઓ પોતાની દુકાન સુધી પહોંચ્યા હતા અને તેમાંથી જરૂરી અને કિંમતી વસ્તુઓ બહાર કાઢી હતી. સૌપ્રથમ વેપારીઓને બેઝમેન્ટમાં પ્રવેશ આપવામાં આવ્યો
પાંચમાં વાળનો બેન્ડ વળી ગયેલો સ્લેબ પડવાની શક્યતાઓ છે. જો આ સ્લેબ તૂટી પડે તો ત્રણ માળ સુધી નીચે આવી જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે. તેથી સૌપ્રથમ વેપારીઓને બેઝમેન્ટમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ બિલ્ડિંગના સર્વે કરીને ત્રણ માળ સુધી પ્રવેશ આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 50 ટકા વેપારીઓની નોંધણી થઈ ચૂકી છે. જ્યારે 200થી વધુ દુકાનોનું પંચનામું પણ કરી દેવામાં આવ્યું છે. આ દુકાનો પૈકી 70 જેટલા દુકાનમાં ઇન્સ્યોરન્સ હોવાનો પણ જાણવા મળ્યું છે. વેપાર ફરી ક્યારે શરૂ થશે તે મૂંઝવણ વેપારીઓ
જે વેપારીઓને જાણ છે કે, તેમની દુકાન સળગીને ભસ્મીભૂત થઈ ગઈ છે તેઓ પણ પોતાની દુકાન સુધી પહોંચે રહ્યા છે અને પોલીસનો પંચનામું કરાવી રહ્યા છે. આ સાથે જ ઇન્સ્યોરન્સ હોય તો સર્વેયરને પણ સાથે લઈ જઈ રહ્યા છે. જોકે, પોતાની દુકાન સુધી પહોંચતા આ વેપારીઓમાં કેટલાકમાં ગમ તો કેટલાકમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. જે લોકોને જાણ જ ન હતી કે તેમની દુકાનમાં શું થયું છે. તેઓ જ્યારે પોતાની દુકાન સુરક્ષિત અને એમાંથી કિંમતી સામાન લઈને બહાર આવે ત્યારે તેમના ચહેરા પર ખુશી પણ જોવા મળી રહે છે. જોકે, તેમનો વેપાર ફરી ક્યારે શરૂ થશે તે મૂંઝવણ પણ તેમના ચહેરા પર જોવા મળે છે. 3 વેપારીને ચોથા-પાંચમાં માળે દુકાન જોવા લઈ જવાશે
ડૉ. અતુલ દેસાઈ (ડિપાર્ટમેન્ટ ઓફ સિવિલ એન્જિનિયરિંગના પ્રોફેસર)એ ફરી એક વખત બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. પ્રથમ વખતે જ્યારે નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, ત્યારે યોગ્ય રીતે જોઈ શક્યા ન હતા. ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યા બાદ સ્ટ્રક્ચર સ્પષ્ટ પણે જોઈ શકાય તેવી સ્થિતિમાં થઈ ગયા બાદ આજે તેઓ ટીમ સાથે પહોંચ્યા હતા. ચોથો અને પાંચમો માળ જોખમી હોવાથી આવતીકાલથી 3 વેપારીઓને ચોથા અને પાંચમાં માળે માત્ર દુકાન જોવા માટે લઈ જવામાં આવશે. ત્યાંથી કોઈપણ પ્રકારનો સામાન બહાર લાવવા દેવામાં આવશે નહીં. બિલ્ડિંગ સ્ટેબિલિટીનું ટેસ્ટિંગ કામ શરૂ કરાયું નથી
સ્ટેબિલિટી ટેસ્ટિંગનું કામકાજ પણ ચારથી પાંચ દિવસ બાદ શરૂ કરવામાં આવશે. હજુ સુધી બિલ્ડિંગ સ્ટેબિલિટીનું ટેસ્ટીંગ માટેની કામકાજ પણ શરૂ કરવામાં આવ્યું નથી. વેપારીઓ ચોથા અને પાંચમાં માળે પોતાની દુકાન સુધી પહોંચી ગયા બાદ તેમાંથી સામાન લેવા દેવા માટેની પણ ધીમે ધીમે પરવાનગી આપવામાં આવશે. બિલ્ડિંગ ખાલી થઈ ગયા બાદ સ્ટેબિલિટી કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, એફ એસ એલ દ્વારા પણ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી શિવશક્તિ માર્કેટના ચોથા અને પાંચમા માળના સેમ્પલ લેવાના પણ બાકી છે. સેમ્પલ લેવાયા બાદ તેને લેબમાં મોકલવામાં આવશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ સબમીટ કરવામાં આવશે અને આગ લાગવાનું કારણ પણ સામે આવશે. હવે વાત કરીએ ઇન્સ્યોરન્સની…
નામ ન આપવાની શરતે એક ઇન્સ્યોરન્સના એજન્ટે જણાવ્યું હતું કે, આ પ્રકારની ટેક્સટાઇલ માર્કેટમાં બે પ્રકારની ઇન્સ્યોરન્સ સિસ્ટમ હોય છે. એક તો તેમની દુકાન હોય છે તે દુકાન માલિકનો દુકાનનો ઇન્સ્યોરન્સ હોય છે. અને તે પોતે જ ધંધો ચલાવતો હોય તો તેનો માલ કહો કે સ્ટોક તેનો ઇન્સ્યોરન્સ હોય છે. ક્યારે દુકાન ભાડેથી હોય તો માત્ર સ્ટોકનો ઇન્સ્યોરન્સ હોય છે. ઇન્સ્યોરન્સની અંદાજે 27 જેટલી કંપનીઓ છે તે ઇન્સ્યોરન્સ આપતી હોય છે. દુકાનના માલિક દ્વારા ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો હોય તો તેમનો જે ઇન્સ્યોરન્સની કિંમત હોય છે અને પ્રોપર્ટીની જે કિંમત હોય છે તે પ્રમાણે તેમને ઇન્સ્યોરન્સ આપવામાં આવતો હોય છે. માલનો ઇન્સ્યોરન્સ હોય તો તેનો જીએસટી જે રીતે ભરવામાં આવ્યો હોય છે તે પ્રમાણે એક વર્ષનો ત્રણ ઓવર પ્રમાણે માલનો સ્ટોક આ સમય દરમિયાન કેટલો હોય છે તેની એવરેજ કાઢવામાં આવતી હોય છે. ત્યાર બાદ આ એવરેજ પ્રમાણે તેમને ઇન્સ્યોરન્સ આપવામાં આવતો હોય છે. ઉદાહરણ તરીકે એક વેપારીની દુકાનમાં 20 લાખનો માલ હતો અને તે તમામ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો છે તો તેમનો એક વર્ષ દરમિયાનના સ્ટોકની વિગતો કાઢવામાં આવે છે અને તે સમય દરમિયાન આગ લાગી હતી અને સ્ટોક બળી ગયો છે તે સમય દરમિયાન તેમની દુકાનમાં કેટલો સ્ટોક રહેલો છે તે પ્રમાણે માહિતી લઈને તેમને ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે. હવે જાણીએ ઇન્સ્યોરન્સ કેટલા સમયમાં મળી શકે…
ઇન્સ્યોરન્સ મેળવવા માટે કોઈપણ ઘટના બને છે તો તેના માટે પોલીસનું પંચનામું એફઆઈઆર તેમાં નોંધવામાં આવેલું કારણ અને એફએસએલ રિપોર્ટની જરૂર પડે છે. સામાન્ય રીતે એફ.એસ.એલનો રિપોર્ટ આધારે તમામ ઇન્સ્યોરન્સની કામગીરી આગળ વધતી હોય છે. ઘટના બન્યા બાદ ઘટના સ્થળે સર્વે કરવામાં આવે છે. ત્યાર બાદ પંચનામું, ફરિયાદ અને એફએસએલના રિપોર્ટ એટેચ કરવામાં આવે છે. આ તમામ રિપોર્ટને ઇન્સ્યોરન્સ કંપની પાસે મોકલવામાં આવે છે. જેના આધારે આ તમામ રિપોર્ટની ઉલ્લેખ તપાસ કરવામાં આવે છે. ત્યાર બાદ જ તમામ પ્રકારના ઇન્સ્યોરન્સના રૂપિયા જે તે અરજદારને મળતા હોય છે. પ્રોપર્ટી હોય તેની હાલની જે કિંમત હોય છે તે આધારે ઇન્સ્યોરન્સ પાકતો હોય છે. જ્યારે કોઈપણ માલ કે સ્ટોકનો ઇન્સ્યોરન્સ હોય તેનું એક વર્ષ દિવસનું માહિતી મેળવી ત્યાર બાદ એવરેજ કાઢીને તેનું ઇન્સ્યોરન્સ આપવામાં આવતું હોય છે. અરજદારોને ખૂબ જ લાંબી લડત આપવી પડશે
આ ઇન્સ્યોરન્સનો તમામ દારોમદાર એફએસએલના રિપોર્ટ પર આધાર રાખશે. એફએસએલના રિપોર્ટમાં જો આ લાગી હોવાનું લખવામાં આવશે તો સરળતાથી ઇન્સ્યોરન્સ મળી શકે તેવી શક્યતા છે. જોકે, આ રિપોર્ટમાં કોઈ અલગ જ શક્યતાઓ દર્શાવવામાં આવશે તો પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીના અરજદારોને ખૂબ જ લાંબી લડત આપવી પડશે. જ્યારે સરકારી ઇન્સ્યોરન્સ કંપનીના અરજદારોને થોડી રાહત થાય તેવી પણ શક્યતા છે. વેપારીઓને ત્રણ મહિના રાહ જોવી પડે તેવી શક્યતાઓ
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટની ભાગ એ માસ અકસ્માત કહેવાય. આ ઘટનામાં સરકાર પણ ધ્યાન રાખી રહી હોવાથી તેનો એફએસએલનો રિપોર્ટ ઝડપથી આવે તેવી પણ શક્યતા છે. આ સાથે જ આવી ઘટનામાં ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ લિબ્રેલી રીતે કામ કરતી હોય છે. અરજદારોને ઝડપી અને વધુમાં વધુ ઇન્સ્યોરન્સની રકમ બાકી તે પ્રમાણે કામગીરી કરવામાં આવતી હોય છે. જેથી શિવશક્તિ માર્કેટની આગમાં જે લોકોનો ઇન્સ્યોરન્સ છે તેમને રાહત મળે તેવી પણ શક્યતાઓ છે. જોકે તે માટે ત્રણ મહિના જેટલી રાહ જોવી પડે તેવી શક્યતાઓ છે. શિવશક્તિ માર્કેટ રીલીફ ફંડ માટે જાહેરાત કરવામાં આવી
સામાજિક અગ્રણી અને ભાજપના કોર્પોરેટર દિનેશ રાજપુરોહિતે જણાવ્યું કે, શિવશક્તિ માર્કેટ રીલીફ ફંડ માટે જાહેરાત કરવામાં આવી છે. જેના માટે બેંક એકાઉન્ટ નંબર આપી દેવામાં આવ્યા છે. હજી સુધી રીલીફ ફંડમાં રૂપિયા જમા નથી થયા, પરંતુ ઘણા બધા વેપારીએ કમિટમેન્ટ આપ્યું છે કે તેઓ શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટના રીલીફ ફંડમાં પોતાના તરફથી ફંડ આપશે. આ ફંડને જે વેપારીનું નુકસાન થયું છે તેને કેવી રીતે આપવો તે અંગે કમિટી બનાવવાનું નક્કી થયું છે. કમિટીમાં કોને કોને લેવાના તે અંગે હજી અમે નિર્ણય કરી રહ્યા છીએ. કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે કે કેવી રીતે કોને ફંડ ચૂકવવામાં આવે. તે નિર્ણય થઈ ગયા બાદ જ જે તે વેપારીને જેટલી રકમ રીલીફ ફંડમાં આવશે તે મુજબ આપવામાં આવશે. એજન્સી દ્વારા ડોક્યુમેન્ટ જમા કરાવવામાં આવ્યા હતા
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, શિવશક્તિ માર્કેટની ફાયર એનઓસી રીન્યુ કરનાર એજન્સી દ્વારા ડોક્યુમેન્ટ જમા કરાવવામાં આવ્યા હતા. ફાયર સેફ્ટી રિન્યુ કરવામાં આવી ત્યારે હાર્ટ સેફટી એકદમ સરખી રીતે ચાલતી હતી તેના ફોટોગ્રાફ પણ મૂકવામાં આવ્યા છે. આ બિલ્ડિંગનું બાંધકામ 1995નું છે એટલે ત્યારે પણ નિયમ અલગ હતા અને હાલ પણ નિયમ અલગ છે.