દિવ્યાંગો માટે ટ્રેનમાં મુસાફરી ફ્રી હોવાનો ગેરલાભ લઈ સુરતના કાપોદ્રા ભરવાડ ફળિયામાં રહેતો 40 વર્ષીય વિકલાંગ યુવક વતન ઓરિસ્સાથી ગાંજાની હેરાફેરી કરવા માંડ્યો હતો. પોલીસે તેની પાસેથી 1.05 લાખની કિંમતનો દોઢ કિલો ગાંજો કબજે કર્યો છે. આ યુવકે ગાંજો રાખ્યો હતો અને ગાંજાની પાંચ ગ્રામની પડીકી બનાવી કાપોદ્રા બ્રિજ નીચે છૂટકમાં વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી. ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી
કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા ભરવાડ ફળિયાના એક મકાનમાં રેડ કરવામાં આવી હતી. પેથા ભરવાડની ચાલમાં પહેલાં માળે એક મકાનમાં પત્ની અને બે સંતાનો સાથે રહેતો અને વિકલાંગ(દિવ્યાંગ) 40 વર્ષીય કિશોરચંદ્ર દંડાશી મહારાણી (મૂળ રહે. બાબનપુર, આસ્કા, ઓરિસ્સા) ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી પોલીસને મળી હતી. યુવક દિવ્યાંગ હોવાથી કોઈએ ચેક પણ ન કર્યો
ઘરની અંદર તપાસ કરવા દરમિયાન 1 કિલો, 586 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. 1,05,860 રૂપિયાની કિંમતના ગાંજાના જથ્થા ઉપરાંત વજનકાંટો તથા નાના પાઉચ મળી આવ્યા હતા. આરોપીની પૂછપરછ કરતાં તે દિવ્યાંગ હોવાને કારણે રેલવેની મુસાફરી મફત હોવાથી તે ટ્રેનમાં ઓરિસ્સાના સચિના ગામે ગયો હતો. અહીં ગાંજાનું મોટાપાયે વેચાણ થતું હોવાથી એ અહીં એક વ્યક્તિને મળ્યો હતો અને તેની પાસેથી આ ગાંજાનો જથ્થો પ્લાસ્ટિકમાં સેલોટેપ વીંટાળી સુરત લઈ આવ્યો હતો. કાપોદ્રા બ્રિજ નીચે અડ્ડો જમાવી વેચાણ કરતો
આરોપી યુવક દિવ્યાંગ હોવાથી તેને કોઈએ ચેક પણ કર્યો ન હતો. આ ગાંજાની પાંચ-પાંચ ગ્રામના નાના પાઉચ બનાવી કાપોદ્રા બ્રિજ નીચે અડ્ડો જમાવી વેચાણ કરતો હતો. કાપોદ્રા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પૂણા પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. દેસાઈને સોંપી છે. અશોકનગરમાં ગાંજાનો મોટાપાયે વેપલો ચાલતો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં કતારગામના ઉત્કલનગર અને અશોકનગરમાં ગાંજાનો મોટાપાયે વેપલો ચાલતો હતો. રેલવે પટરીને અડીને આવેલા આ વિસ્તારોમાં શાકભાજીની જેમ ગાંજો વેચાતો હતો. જોકે, તંત્રએ અહીં મોટાપાયે ડિમોલીશન કરતાં ગાંજાની બદી પર રોક લાગી ગઈ હતી.