ગુજરાતના પંચાયત લેબ ટેક્નિશિયનોએ આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. રાજ્યભરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા 1400 લેબ ટેક્નિશિયનોના પ્રશ્નો છેલ્લા ચાર વર્ષથી પેન્ડિંગ છે. કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં વર્ષ 1988થી મળવાપાત્ર પગારધોરણ કરતા ઓછો પગાર મળવાની સમસ્યા છે. આ ઉપરાંત ઈન્ફેક્શન એલાઉન્સ અને નોન-પ્રેક્ટિસ એલાઉન્સનો લાભ પણ મળતો નથી. કોરોના મહામારી દરમિયાન 130 દિવસ સુધી સતત કામ કર્યા છતાં તેનો પગાર હજુ મળ્યો નથી. ગુજરાત પંચાયત લેબોરેટરી ટેક્નિશિયન મહામંડળે જણાવ્યું કે, આ મુદ્દે છેલ્લા ચાર વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતાં કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. આંદોલન દરમિયાન એક કર્મચારી ઉપવાસ પર રહેશે અને દરરોજ 200 જેટલા કર્મચારીઓ પ્રતીક ઉપવાસમાં જોડાશે. જો સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ નહીં મળે તો 11 માર્ચે સત્યાગ્રહ છાવણીથી સચિવાલય સુધી રેલી યોજવાની ચીમકી પણ આપવામાં આવી છે.