તિલકવાડાના ભાવપુરા ટેકરા ગામે લગ્નમાં નાચવા બાબતે મારામારી થઈ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ, તેમનો પુત્ર, ભાજપ આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત 10 જેટલા લોકોને ઇજા પહોંચી છે. પ્રાથમિક માહિતી મુજબ કોઈ જૂના ઝઘડાની અદાવતમાં ભાજપના હોદેદારોની મારમારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનામાં બન્ને પક્ષે ભાજપના નેતાઓ હોવાથી હોળી તહેવાર પહેલા જ રાજકીય રંગ પકડાયો છે. જેથી ભાજપના મોટા નેતાઓ આ ફરિયાદો પાછી લઈ સમાધાન કરાવવા દોડધામ કરી રહ્યા છે. આ મામલે તિલકવાડા પોલીસે બન્નેની સામસામે ફરિયાદ લઈ તપાસ ચાલુ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાવપુરા ટેકરા ગામે ખોડીદાસ તડવીના ઘરે લગ્ન પ્રસંગ હતો. લગ્નમાં DJમાં નાચવાનો કાર્યક્રમ દરમિયાન અચાનક ધક્કામુકી અને મારમારી થવા લાગી હતી. જોત જોતામાં મારમારી ઉગ્ર બની હતી અને ભાજપના જ હોદેદારો સામસામે મારમારી કરવા લાગ્યા હતા. જેમાંથી એક પક્ષે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, તેમનો પુત્ર તેમના અન્ય સાથીઓ હતા. સામેપક્ષે પણ આદિજાતિ મોરચાના મહામંત્રી સહિત તેમના સાથીઓ હતા. આ મારામારીની ઘટનામાં કુલ 10 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. જેઓને સારવાર માટે તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે. જ્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવીને માથામાં કડું વાગતા લોહી વહેવા લાગ્યું હતું. જે લોહી બંધ ના થતા તેઓને વડોદરા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. અરુણ તડવી (મહામંત્રી, જિલ્લા આદિજાતિ મોરચો, ભાજપ) જણાવ્યું કે, ભાવપુર ટેકરા ખાતે લગ્નમાં અમને આમંત્રણ હોવાથી અમે પરિવાર સાથે લગ્નમાં ગયા હતા. ડીજેના નાચગાનમાં અચાનક ત્યાંના લોકોએ પહેલા અંદરો અંદર ઝઘડો થયો હતો. જે પછી, જિલ્લા પંચાયત પ્રમુખ પોતેએ પોતાના હોદ્દાનો દુરપયોગ કરી, તેમના બે દિકરાઓએ, તેમના સરપંચ ભાઈ અને ત્યાંના લોકલ ગામના જ બે-ત્રણ ઈસમો સાથે મળીને નશાની હાલતમાં અમારા સાથીઓને માર માર્યો હતો. મારે અને ભીમસિંહ તડવી વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ અમારા સમાજના જ છે અને લાગણીશીલ છે, પરંતુ તેમને મારા પ્રત્યે શુ ઈર્શા છે એની મને જાણ નથી. અમારા પક્ષે 4થી 5 લોકોને ઈજાઓ પહોંચી છે. જેઓ હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલમાં દાખલ ભીમસિંહ તડવી (જિલ્લા પંચાયત પ્રમુખ, નર્મદા)એ જણાવ્યું કે, અમે બધા લગ્નમાં હતા અને અચાનક કેટલાક ઈસમોએ અમારા લોકો પર હુમલો કર્યો એટલે અમે બચાવવા પડ્યા અમને બધાને વાગ્યું છે. મને માથામાં કળુ વાગતા લોહી બંધ નથી થતું એટલે વડોદરા ખાતે સારવાર માટે દાખલ છું. આ મામલે પોલીસેમાં ફરિયાદ કરી છે. આ સમગ્ર ઘટનામાં ભાજપના બંને પક્ષના નેતાઓ હોવાથી હોળી તહેવાર પહેલા જ રાજકીય રંગ પકડાયો છે. જેથી ભાજપના મોટા નેતાઓ આ ફરિયાદો પાછી લઈ સમાધાન કરાવવા દોડધામ કરી રહ્યા છે. જેથી આ બાબતે તિલકવાડા પોલીસ કેવી તપાસ કરશે તે પણ એક ચર્ચાનો વિષય છે.