હાલોલ-પાવાગઢ રોડ પર ગઈકાલે રાત્રે બે મોટરસાયકલ સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ થઈ હતી. સરસવા ગામના ગણપતભાઈ રાઠવા હાલોલ ઔદ્યોગિક વસાહતની સફારી કંપનીમાં નોકરી કરે છે. તેઓ રાત્રે નોકરી પરથી છૂટ્યા બાદ તેમના સહકર્મચારી રમીલાબેન રાઠવાને મોટરસાયકલ પર બેસાડી ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન, હાલોલના અયોધ્યા નગરમાં રહેતા કાર્તિક મહેશભાઈ ચાવડા પણ મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. પાવાગઢ રોડ પર બંને મોટરસાયકલ સામસામે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. 108 એમ્બ્યુલન્સ મારફતે ત્રણેય ઘાયલોને હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ગંભીર ઈજાઓ પામેલા ગણપતભાઈ રાઠવા અને રમીલાબેન રાઠવાને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે કાર્તિક ચાવડાને હાલોલની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.