આણંદ કલેકટર કચેરીના રેકર્ડ-શાખામાંથી બિનખેતીના કામે રજુ થયેલ રેકર્ડ ગુમ થયાં હોવાનો કિસ્સો થોડા દિવસો અગાઉ પ્રકાશમાં આવ્યો હતો. આ અંગે આણંદ ટાઉન પોલીસે કલેકટર કચેરીના રેકર્ડ શાખામાં ફાઈલ મુવમેન્ટ રજિસ્ટરમાં સહી કરી ફાઈલ લઇ જઈ પરત નહિ કરી ગુમ કરનાર સરકારી કર્મચારી વિરૂદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ એલ.સી.બી પોલીસને સોંપવામાં આવી છે. ત્યારે, આણંદ એલ.સી.બી પોલીસની ટીમે આજરોજ કલેકટર કચેરીના રેકોર્ડ શાખામાં જઈને તપાસ શરૂ કરી છે. આણંદ જિલ્લામાં ફરજ બજાવતાં તત્કાલીન નાયબ મામલતદાર જે.ડી.પટેલ તથા અધિક જીલ્લા કલેકટર કેતકી વ્યાસે ભેગા મળી બોરસદના બ્લોક સર્વે નંબર 569-570-572-573-372-571/2 તથા 568/1 વાળી જમીનો હિજરતી પ્રકારની એટલે કે નવી શરતની હોવા છતાં બીનખેતી કરેલ હોઈ તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની રજૂઆત બોરસદના એક અરજદારે તારીખ 26/08/2023 ના રોજ નાયબ મામલતદાર (રેકોર્ડ શાખા) કલેક્ટર કચેરી, આણંદને કરી હતી. આ રજૂઆતની નકલ સચિવ, મહેસૂલ વિભાગ અને ગુજરાત તકેદારી આયોગ, ગાંધીનગરને રવાના કરતાં, આ બાબતે તપાસના આદેશ આપ્યાં હતાં. જે અંતર્ગત પ્રાંત અધિકારી, બોરસદ મારફતે તપાસ અહેવાલ મંગાવી, રેકર્ડથી ખાત્રી કરતાં આ કામે સરકારને ખુબજ મોટું નાણાકીય નુકસાન થયેલાનું જણાઈ આવ્યું હતું. ત્યાર બાદ, આ કેસોના રેકર્ડ બાબતે શાખા તથા રેકર્ડરૂમથી ખાત્રી કરાવતાં, બોરસદના સ.નં. ૫૬૫+૫૬૬+૫૬૭ ના એકત્ર સ.નં. ૫૬૮/૧ વાળી બિનખેતી પરવાનગીની ફાઈલનું રેકર્ડ મળી આવ્યું ન હતું. જેથી જે.ડી.પટેલ (તત્કાલિન નાયબ મામલતદાર (જમન-૧ શાખા), કલેકટર કચેરી, આણંદ – હાલ ફરજમોકૂફી હેઠળ) અને આર.એમ.પરીખ (તત્કાલિન કલાર્ક (જમન-૧ શાખા), કલેકટર કચેરી, આણંદ. હાલ કલાર્ક (મામ), મામલતદાર કચેરી, તારાપુર) પાસે આ બિનખેતી ફાઇલ /કાગળોની આખરી સ્થિતિની સ્પષ્ટતા મેળવતાં તેમજ એસ.એલ. ચૌહાણ (તત્કાલિન ઇ.ચા. નાયબ મામલતદાર (રેકર્ડ શાખા). હાલ નાયબ મામલતદાર (દબાણ) મામલતદાર કચેરી, વિરમગામ, જી. અમદાવાદ) પાસેથી સ્પષ્ટતા/ખુલાસા મેળવવામાં આવેલ. જેમાં રાજેશકુમાર એમ.પરીખ (કલાર્ક, મામલતદાર કચેરી-તારાપુર) એ તેઓના ગત તા. ૨૩/૦૭/૨૦૨૪ના પત્રથી રેકર્ડ મળ્યેથી ખાત્રી થઇ શકે તેમ જણાવેલ. એસ.એલ.ચૌહાણ, (નાયબ મામલતદાર (દબાણ) મામલતદાર કચેરી, વિરમગામ જી. અમદાવાદ) એ તેઓના તા. ૨૬/૦૭/૨૦૨૪ના પત્રથી શાખાએ કયા કારણોસર ફાઈલ પરત મેળવી તે અંગે તેઓને જાણ ન હોવાનું અને રેકર્ડ શાખામાંથી ફાઇલ લઈ જનાર કર્મચારીની સહી આધારે ખાત્રી કરવા જણાવેલ છે. જ્યારે, જે.ડી.પટેલ (તત્કાલિન નાયબ મામલતદાર) (જમન-૧ શાખા), કલેકટર કચેરી, આણંદ – હાલ ફરજમોકૂફી હેઠળ) એ તેઓના તા. ૧૪/૦૮/૨૦૨૪ના પત્રથી આ ફાઇલ રેકર્ડ શાખામાંથી પરત મંગાવેલ હોવાનો ઇન્કાર કરેલ છે. આ જમીનો હિજરતી પ્રકારની એટલે કે નવી શરતની હોવા છતાં બિનખેતી કરેલ હોવા અંગેની રજૂઆત હોવાથી તેમજ સ.નં. ૫૬૮/૧ ની જમીનમાં નાયબ કલેકટર (જ.સુ.) આણંદ દ્વારા મૂળના ખેડુત અંગેની ખાત્રી થતી ન હોવાનું જણાવેલ હોવા છતાં બિનખેતીની મંજુરી અપાયેલ હોઇ, જે વિગતે સરકારના પ્રિમિયમના હિતને લગતું નુકશાન થયેલ છે કે કેમ ? તથા ફાઈલમાં કયા કર્મચારી/અધિકારી દ્વારા કેવા પ્રકારના અભિપ્રાય/રીમાર્કસ લખવામાં આવેલ છે. તે અંગે ફાઇલની શોઘ જરૂરી હોઇ રેકર્ડ ગુમ બાબતે સામાન્ય વહીવટ વિભાગના પરિપત્ર ના ઠરાવ મુજબ પ્રાથમિક તપાસ કરવાના હેતુસર મીતાબેન ડોડીયા, નાયબ કલેકટર-૨ ને આ ફાઇલની શોધ માટે તપાસ અધિકારી તરીકે હોદ્દાજોગ નિમણૂંક આપવામાં આવેલ હતી.જેઓના તપાસ દરમિયાન પણ આ જમીનનું રેકર્ડ મળી આવેલ ન હતું. આમ રેકર્ડ શાખામાંથી કોઈ સરકારી કર્મચારી તા.૨૧.૦૩.૨૦૨૩ ના રોજ ફાઈલ મુવમેન્ટ રજિસ્ટર માં સહી કરી લઈ ગયેલ છે પરંતુ ત્યારબાદ કોઈ કારણોસર આ ફાઈલ રેકર્ડ શાખા, કલેક્ટર કચેરી, આણંદ ખાતે પરત નહિ કરી પ્રાથમિક રીતે જ કોઈ સરકારી કર્મચારી દ્વારા સરકારને મોટું નાણાંકીય નુકશાન થતું હોઈ તેની જવાબદારીમાંથી બચવા જાણીબુઝીને રેકર્ડ શાખામાંથી ઈરાદાપૂર્વક અગર ખોટી રીતે ફાઈલ મેળવી ત્યારબાદ આ ફાઈલ રેકર્ડ શાખામાં પરત નહિ કરી છેતરપિંડી વિશ્વાસઘાત કરી હોવાનું જણાઈ આવ્યું છે. આ અંગે હિરેન્દ્રસિંહ બી મકવાણા (નાયબ મામલતદાર, રેકોર્ડ શાખા, કલેક્ટર કચેરી, આણંદ) ની ફરીયાદને આધારે આણંદ ટાઉન પોલીસે કલેકટર કચેરીના રેકર્ડ શાખામાં ફાઈલ મુવમેન્ટ રજિસ્ટરમાં સહી કરી ફાઈલ લઇ જઈ પરત નહિ કરી ગુમ કરનાર સરકારી કર્મચારી વિરૂદ્ધ આઈ.પી.સી કલમ ૪૦૯, ૨૦૧ મુજબનો ગુનો નોંધ્યો હતો. ગુનાની ગંભીરતાને જોઈને આ કેસની તપાસ આણંદ એલ.સી.બી ને સોંપવામાં આવી છે. ત્યારે, આણંદ એલ.સી.બી પોલીસની ટીમે આજરોજ કલેકટર કચેરીના રેકોર્ડ શાખામાં જઈને તપાસ શરૂ કરી છે.