માણસા નગરપાલિકામાં ભાજપે 28 બેઠકોમાંથી 27 બેઠકો જીતીને ભવ્ય વિજય મેળવ્યો છે. આ વખતે રોટેશન મુજબ અનુસૂચિત જાતિના પ્રમુખ બનવાના છે. પ્રમુખપદ માટે બે મુખ્ય દાવેદારો છે. વોર્ડ નંબર-1માંથી 1428 મતે વિજયી થયેલા જ્યોત્સનાબેન રજનીકાંત વાઘેલા અને વોર્ડ નંબર-2માંથી 1123 મતે જીતેલા જયેશ ગોપાલભાઈ પરમાર વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. 40 વર્ષીય જ્યોત્સનાબેને પીટીસી નર્સિંગનો અભ્યાસ કર્યો છે. 52 વર્ષીય જયેશભાઈ સ્નાતક છે અને છેલ્લા દસ વર્ષથી ભાજપના સક્રિય સભ્ય છે. 16 ફેબ્રુઆરીએ યોજાયેલા મતદાનમાં શહેરના 27,020 મતદારોમાંથી 17,285 મતદારોએ મતદાન કર્યું હતું. કુલ 64 ટકા મતદાન નોંધાયું હતું. 35 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાયું હતું. 18 ફેબ્રુઆરીએ એસ.ડી. આર્ટ્સ કૉલેજ ખાતે મતગણતરી થઈ હતી. માણસા નગરપાલિકાના સાત વોર્ડમાંથી માત્ર વોર્ડ નંબર-3માં કોંગ્રેસના એક ઉમેદવારની જીત થઈ છે. બાકીના તમામ વોર્ડમાં ભાજપનો વિજય થયો છે. હવે પ્રદેશની પાર્લામેન્ટરી બોર્ડ બે દાવેદારોમાંથી કોની પ્રમુખપદે વરણી કરે છે તે જોવાનું રહ્યું છે. ગણતરીની મિનિટોમાં માણસા નગર પાલિકાના પ્રમુખના નામની ઘોષણા કરવામાં આવશે. એ પહેલાં માણસાના ધારાસભ્ય જે એસ પટેલની ઓફિસે ભાજપનાં વિજેતા ઉમેદવારોની બેઠક યોજાઈ હતી. જેમાં માણસા શહેર પ્રમુખ શશીકાંત પટેલ, રમણભાઈ દેસાઈ જિલ્લા મહામંત્રી ભાજપ, મોતીલાલ પુરોહિત મહામંત્રીની ઉપસ્થિતિમાં નવા પ્રમુખની વરણીને લઈ બેઠક યોજાઈ હતી.