સૌરાષ્ટ્રના મુખ્ય ધાણા માર્કેટ તરીકે જાણીતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હોળીના તહેવાર પહેલાં ધાણાની વિપુલ આવકથી યાર્ડ ઉભરાઈ ગયું છે. યાર્ડમાં અંદાજે 1.75 લાખથી 2 લાખ ગુણી ધાણાની નોંધપાત્ર આવક થઈ છે. હરાજીમાં ધાણાના ભાવ 20 કિલોના રૂ. 900થી રૂ. 2150 સુધી બોલાયા હતા. જ્યારે ધાણીના ભાવ 20 કિલોના રૂ. 1000થી રૂ. 3000 સુધી નોંધાયા હતા. પોરબંદર, જામનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ અને અમરેલી સહિતના જિલ્લાઓના ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ યાર્ડમાં આવે છે. જેથી યાર્ડની બહાર બન્ને બાજુ 1800થી 2000 વાહનોની 6થી 7 કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી. ગોંડલ યાર્ડમાં વધુ આવક થતાં, યાર્ડના સત્તાધીશોએ નવી જાહેરાત સુધી ધાણાની આવક બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ધાણાની આવક વધુ થવાની શક્યતા છે.