ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફની જાળ ફેંકી છે. આમ જુઓ તો આ જાળમાં ભારત બરાબરનું ફસાયું છે. આવા સમયે સવાલ એ થાય કે ભારત પર ટેરિફની શું અસર થશે? ભારતની શું તૈયારી છે? હવે વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતને બુસ્ટ કરવાનો સાચો સમય આવી ગયો હોય એવું જણાય છે. અર્થશાસ્ત્રી પ્રોફેસર અરુણ કુમારે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, ટેરિફથી ભારતની સ્થિતિ બગડવાની છે. અનિશ્ચિતતાનો કાળ શરૂ થયો છે. રૂપિયો નબળો પડશે. જ્યાં અનિશ્ચિતતા હોય છે ત્યાં ઈન્વેસ્ટમેન્ટ ઓછું થઈ જાય છે. ઈન્વેસ્ટમેન્ટ ઓછું થઈ જાય છે તો ગ્રોથ પણ ઘટી જાય છે. ચિંતાની વાત એ છે કે એક તરફ ગ્રોથ ઓછો થવાની આશંકા છે તો બીજી તરફ મંદીની આશંકા છે. આપણા નિકાસ પર અસર થશે. અમેરિકા એગ્રીકલ્ચર પ્રોડક્શન મોટાપાયે આયાત કરે છે તો કૃષિ પેદાશો પર સારી એવી અસર થશે. પહેલા જાણીએ, ભારત પર શું અસર થશે…. GDP પર શું અસર થશે?
ગોલ્ડમેન સાક્સે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. તેમાં એ જાહેર કરાયું હતું કે ટ્રમ્પના ટેરિફની ભારતની GDP પર 0.1%થી લઈને 0.6% સુધી અસર પડી શકે છે. ડોમેસ્ટિક ડેવલપમેન્ટમાં તેની મોટી અસર પડશે. બીજી એક એજન્સી જેનું નામ SNDP ગ્લોબલ રેટિંગ છે તેનું કહેવું છે કે ટ્રમ્પના ટેરિફની ભારત પર કોઈ ખાસ અસર નહીં થાય. તેનું કારણ એ છે કે ભારતને ડોમેસ્ટિક ફેક્ટરથી ગતિ મળી રહી છે. અને નિકાસ પર ડિપેન્ડન્સી ઓછી છે. મોંઘવારી પર શું અસર થશે?
ટેરિફના નિર્ણયથી ભારતમાં મોંઘવારી બહુ વધી શકે છે. ભારત જે સામાનની નિકાસ કરે છે તેના ભાવો આસમાને પહોંચી શકે છે. તેના કારણે આર્થિક વિકાસના રેટની ગતિ ધીમી રહેશે. આના કારણે સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રોમાં તેની અસર પડશે. શેરબજાર પર શું અસર થશે?
ભારતીય શેરબજાર આમ પણ નીચે ચાલે છે. પણ ટ્રમ્પના ટેરિફના કારણે સ્ટોક માર્કેટ હજી પણ નીચે જાય તેવી સંભાવના જોવા મળી રહી છે. આનું કારણ છે- વિદેશી રોકાણકારોની વેચવાલી. છેલ્લા પાંચ મહિનામાં ભારતીય શેરબજારમાંથી વિદેશી ફંડ ધડાધડ નીકળતું જાય છે. સાથે ટ્રમ્પની ટેરિફના જાહેરાતના કારણે સેન્સેક્સ અને નિફ્ટી એકદમ તળિયે પહોંચી જાય તેવો ભય છે. આવામાં જો ટેરિફ લાગૂ પડશે પછી શેરબજારની હાલત વધારે ખરાબ થવાની સંભાવના છે. સોનાના ભાવ ઊંચકાશે
ટેરિફ લાગૂ થયા પછી દરેક ધાતુના ભાવ વધશે પણ સોનાના ભાવમાં વધારે ઊછાળો આવશે. આનું કારણ એ છે કે, ટ્રમ્પની ટેરિફની જાહેરાત પછી લોકો સુરક્ષિત રોકાણ માટે સોનાની ખરીદી વધારે કરશે અને સોનાની વધારે ડિમાન્ડના કારણે ભાવ પણ વધશે. જોકે સોનાના ભાવ આમ પણ આસમાને પહોંચી રહ્યા છે. 24 કેરેટ 10 ગ્રામ સોનું 90 હજાર આસપાસ પહોંચી ગયું છે. ચાંદીમાં પણ આવી જ સ્થિતિ છે. ચાંદીનો એક કિલોનો ભાવ 98 હજાર થઈ ગયો છે. નોકરી-ધંધા પર શું અસર થશે?
ટ્રમ્પની ટેરિફની જાહેરાત પછી ભારતમાં જો સૌથી વધારે અસર પડવાની હોય તો એ નોકરી-ધંધા છે. ભારતમાં જેટલી પણ અમેરિકન કંપનીઓ છે તેમાં મોટાપાયે છટણી શરૂ થઈ શકે છે. કેટલીક કંપનીઓએ તો આની શરૂઆત પણ કરી દીધી છે. આ એ કંપનીઓ છે જેનો ભારતમાં બિઝનેસ જામેલો છે. આમાં સૌથી પહેલો નંબર આઈટી કંપનીઓનો છે. એ પછી ઓટોમોબાઈલ, ધાતુ અને કાપડ ઉદ્યોગનું નામ આવે છે. આના ભાવો પર પણ ટ્રમ્પના ટેરિફનો પ્રભાવ પડી શકે છે. ભારતે શું તૈયારી રાખી છે?
મેકઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતનો નારો લાંબા સમયથી ચાલે છે અને તેના પર કામ થઈ રહ્યું છે. તેને વધારે જોર આપવા પર ધ્યાન અપાશે. આ સિવાય ભારત નવી બિઝનેસ ડીલ પણ કરી શકે છે. ભારત એ દિશામાં વિચારશે કે અમેરિકા પરની નિર્ભરતા કેવી રીતે દૂર થઈ શકે. ભારત યુરોપ, આફ્રિકા અને સાઉથ ઈસ્ટ એશિયા તરફ નિકાસ વધારવા માટે પ્લાન બનાવી શકે છે. અમેરિકી ડોલરની નિર્ભરતા ઓછી કરવા ભારતે પોતાનો રૂપિયો મજબૂત કરવો પડશે. ટ્રમ્પે આ 4 વાત સ્પષ્ટ રીતે કહી દીધી
ટેરિફ મામલે હવે કોઈ સમજૂતી નહીં
જે જેટલો ટેરિફ લગાવશે તેના પર એટલો જ ટેરિફ લગાવાશે
દોસ્ત હોય કે દુશ્મન, દરેક પર ટેરિફ
2 એપ્રિલથી ટેરિફની નવી વ્યવસ્થા ટ્રમ્પે ટેરિફ મામલે 4 વખત વાત કરી હતી
20 જાન્યુઆરી – અમે બીજા દેશો પર ટેરિફ લગાવીશું
28 જાન્યુઆરી – જે દેશે અમેરિકાને નુકસાન કર્યું તેના પર ટેરિફ
13 ફેબ્રુઆરી – કેટલાક દેશો અમેરિકા પર બહુ ટેરિફ લગાવે છે
22 ફેબ્રુઆરી – ‘જેવા સાથે તેવા’ની નીતિ સાથે ટેરિફ લગાવાશે
4 માર્ચ – અમેરિકાની સંસદમાં 2 એપ્રિલથી ટેરિફ લાગૂ કરવાની જાહેરાત કરી દુનિયામાં હાહાકાર, અમેરિકામાં પણ હાહાકાર
ટ્રમ્પે કહ્યું હતું કે, દાયકાઓથી બીજા દેશો અમેરિકા પર વધારે ટેરિફ લગાવતા આવ્યા છે. હવે અમેરિકાનો વારો છે. EU, ચીન, બ્રાઝીલ, ભારત, મેક્સિકો અને કેનેડા અમેરિકા પાસેથી સૌથી વધારે ટેરિફ વસુલે છે. હવે એમેરિકાએ પણ ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. અર્થશાસ્ત્રી પ્રો. અરૂણ કુમારનું તારણ છે કે, આનાથી બેરોજગારી વધશે, રોકાણ ઘટશે, વિકાસને બ્રેક લાગશે. આની અસર બેલેન્સ ઓફ પેમેન્ટ પર પડશે. બીજી રીતે જોઈએ તો ભારત ગરીબ દેશ છે. ટ્રેડમાં એવું થાય છે કે જ્યાં ટેકનોલોજી ઓછી છે તેને મદદની જરૂર હોય છે. WTOમાં એક પ્રાવધાન હતું કે જે ગરીબ દેશ છે તે વધારે ટેરિફ લઈ શકે છે. હવે ટ્રમ્પ કહે છે કે, અમે એકસમાન ટેરિફ લેશું. આપણે અમેરિકાની બરાબરી તો ન કરી શકીએ. ન ટેકનોલોજીમાં બરાબરી કરી શકીએ, ન માર્કેટ કેપમાં બરાબરી કરી શકીએ. એવું નથી કે ગરીબ દેશ જ હેરાન થશે. અમીર દેશોને પણ તકલીફ પડવાની છે અને અમેરિકામાં તો મોંઘવારી વધવાની છે. અમેરિકામાં તો આનાથી હાહાકાર થવાનો છે. અમેરિકામાં ટ્રમ્પનો વિરોધ થશે એ નક્કી અને દોઢ વર્ષમાં અમેરિકામાં વચગાળાની ચૂંટણી આવી શકે. પણ જો આ ટેરિફ દોઢ વર્ષ રહ્યો તો પણ આ દોઢ વર્ષ દુનિયાને મોંઘું પડી જવાનું છે. ભારત આ દેશોને માલ નિકાસ કરે છે
અમેરિકા 119.7 અબજ ડોલર
ચીન 118.4 અબજ ડોલર
દુબઈ 83.7 અબજ ડોલર
રશિયા 65.4 અબજ ડોલર
સાઉદી ઇરબ 43 અબજ ડોલર ભારતે પાણી પહેલાં પાળ બાંધી લીધી હતી, પણ મેળ પડ્યો નહીં
ભારતને એ ખબર પડી ગઈ હતી કે સત્તામાં આવતાં જ ટ્રમ્પ ભારત પર ટેરિફ લાદશે. એટલે કેન્દ્રીય બજેટમાં અમેરિકાની બાઈક હાર્લિ ડેવિડસન, ઓઈલ, નેચરલ ગેસ, કોલસો જેવી વસ્તુઓ પર ભારતે ટેરિફ ઘટાડી દીધા. હાર્લિ ડેવિડસનની 1600 સીસીની બાઈક પરનો 50% ટેરિફ હતો તે ઘટાડીને 40% કરી નાખ્યો હતો. આ સિવાય સેટેલાઈટ માટે ગ્રાઉન્ડ ઈન્સ્ટોલેશન અને સિન્થેટિક ફ્લેવરિંગ એસેન્સ જેવી અમેરિકાથી આયાત થતી વસ્તુઓ પર ડ્યુટી ઘટાડી દીધી હતી. એ પછી તો વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જઈ આવ્યા અને ભારતે ઘટાડેલા ટેરિફ વિશે ચર્ચા કરી. તેમ છતાં મેળ પડ્યો નહીં ને ટ્રમ્પ ટેરિફ લાગૂ કરીને જ રહ્યા. કેનેડાએ કહ્યું, અમેરિકાના 15 લાખ ઘરોમાં અંધારું કરી દેશું…
ટેરિફ લાગૂ કર્યા પછી કેનેડાએ હવે ટ્રમ્પનું નાક દબાવવાનું શરૂ કર્યું છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 30 અબજ કેનેડિયન ડોલરની અમેરિકન આયાત પર ટેરિફ લાદીને બદલો લીધો. કેનેડાએ અમેરિકન પ્રોડક્શન પર વધારાનો 25 ટકા સરચાર્જ પણ લાદ્યો છે. આ બધા વચ્ચે કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના પ્રીમિયર ડગ ફોર્ડે અમેરિકા પર જોરદાર પ્રહાર કર્યો છે. તેમણે અમેરિકામાં બત્તી ગુલ કરવાની ચીમકી આપી છે. આવું એટલા માટે કહ્યું કારણ કે કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાંથી અમેરિકાના ત્રણ રાજ્યોને વીજળી આપવામાં આવે છે. અમેરિકામાં મિનેસોટા, મિશિગન અને ન્યૂયોર્કમાં લગભગ 15 લાખ ઘરોને કેનેડાના ઓન્ટારિયોથી વીજળી પહોંચે છે. ઓન્ટારિયો કેનેડા અને અમેરિકાની બોર્ડર પર વસેલું છે. ડગ ફોર્ડે કહ્યું હતું કે, ટ્રમ્પ આડા ફાટશે તો અમેરિકાના 15 લાખ ઘરોમાં અંધારું કરી દેશું. અમેરિકા પર આ વાતની કોઈ અસર થઈ નથી. કેનેડા ખરેખર લાઈટ બંધ કરી દેશે તો અમેરિકાના ત્રણ રાજ્યોના લોકો હેરાન થઈ જવાના છે. ટેરિફ વોરમાં અમેરિકાને પણ મોટી તકલીફ પડવાની…
ટ્રમ્પના ટેરિફના નિર્ણયનો દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ અમેરિકાના પોલિટિક્સમાં પણ ટ્રમ્પ વિરોધી વંટોળ ઉઠ્યો છે. અમેરિકાના બિઝનેસ ટાયકૂન વોરન બફેટે તો ત્યાં સુધી કહી દીધું કે, ટ્રમ્પે એક પ્રકારનું યુદ્ધ શરૂ કર્યું છે. ટ્રમ્પના આ નિર્ણયથી અમેરિકાને તકલીફ પડી શકે છે. જેમ કે, ડોલર નબળો પડશે : છેલ્લા કેટલાક સમયથી યુએસ ડોલર સતત વધી રહ્યો છે, પરંતુ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે યુએસ ડોલર નબળો પડતો જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 માર્ચ, બુધવારની જ વાત કરીએ તો દુનિયાની છ મોટી કરન્સી સામે ડોલરનું વેલ્યુ માપનારો ડોલર ઈન્ડેક્સ પછડાઈને 105.7 પર આવી ગયો હતો. ટેરિફની અસર ડોલર પર પડી છે. છેલ્લા એક અઠવાડિયામાં જ યુએસ ડોલર લગભગ દોઢ ટકા ઘટ્યો છે. અમેરિકી સ્ટોક માર્કેટમાં ઊથલ પાથલ : એક તરફ, ચીન, મેક્સિકો, કેનેડા, ભારત અને અન્ય દેશો પર પારસ્પરિક ટેરિફની જાહેરાત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પ તેને લોકલ પ્રોડક્શન અને રોજગારીને પ્રોત્સાહન આપતો નિર્ણય ગણાવી રહ્યા છે. પણ તેની યુએસ શેરબજારમાં ઊંધી અસર જોવા મળી રહી છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે, ડાઉ જોન્સ 670 પોઈન્ટ ઘટ્યો, SP 71.57 પોઈન્ટ ઘટ્યો, જ્યારે નાસ્ડેક 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો. આગળ જતાં પણ આ ઘટાડો ચાલુ રહે તેવી શંકા માર્કેટ એક્સપર્ટ જણાવી રહ્યા છે. ક્રૂડ ઓઈલ ડાઉન થશે : ક્રૂડ ઓઈલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઘટીને 70.85 ડોલર પ્રતિ બેરલ થયો છે, જ્યારે WTI ક્રૂડ 67.74 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યો છે. જોકે, ક્રૂડ ઓઇલના ભાવમાં આ ઘટાડા પાછળ ઘણા કારણો છે અને અમેરિકન ટેરિફ તેમાંનું એક કારણ છે. ઓઈલ ઉત્પાદન કરતી કંપની OPEC+ એપ્રિલ 2025 માં તેનું ઉત્પાદન વધારવાનો પ્લાન કરી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે OPEC+ ને થોડા દિવસો પહેલાં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા કહ્યું હતું. ટ્રેડ વોરમાં અનિશ્ચિતતાની અસર ક્રૂડ ઓઇલના ભાવ પર પણ દેખાઈ રહી છે. ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરી ત્યારે એવું કહ્યું કે, આમ તો પહેલી એપ્રિલથી ટેરિફ લાગૂ કરવાનો હતો પણ બધા એપ્રિલ ફૂલ માની ન લે એટલે 2 એપ્રિલથી ટેરિફ લાગૂ થશે.