અમેરિકાના વિસ્કોન્સિનમાં તેલંગાણાના વિદ્યાર્થી પ્રવીણ કુમાર (27)ની બુધવારે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. B.Techનો અભ્યાસ કર્યા બાદ પ્રવિણ 2023માં અમેરિકા ગયો હતો. ભણવાની સાથે-સાથે પ્રવીણ સ્ટોરમાં જોબ પણ કરતો હતો. પ્રવીણના કેટલાક મિત્રોએ જણાવ્યું કે ગોળીઓ વરસાવેલો તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે, તેના મૃત્યુ બાબતે સ્પષ્ટતા થઈ નથી. લૂંટના પ્રયાસ દરમિયાન તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. પ્રવીણ મિલવૌકી, વિસ્કોન્સિનમાં એમએસનો અભ્યાસ કરી રહ્યો હતો. બુધવારે સવારે (ભારતીય સમય મુજબ) યુએસ અધિકારીઓએ તેમના પરિવારને તેમના મૃત્યુ વિશે જાણ કરી હતી. અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યુ અહેવાલો અનુસાર, ફાયરિંગ પ્રવીણના ઘર પાસે થયું હતું, જ્યાં અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ફાયરિંગ કર્યુ હતું. પ્રવીણના પિતા રાઘવલુએ જણાવ્યું કે સવારે તેમના પુત્રનો વોટ્સએપ પર એક મિસ્ડ કોલ આવ્યો હતો. જ્યારે તેમણે પાછો ફોન કર્યો, ત્યારે એક અજાણી વ્યક્તિએ ફોન ઉપાડ્યો અને કહ્યું કે તેને પ્રવીણનો ફોન મળ્યો છે, ત્યારબાદ પરિવારમાં ચિંતા વધી હતી. એમ્બેસી પ્રવીણના પરિવાર અને યુનિવર્સિટીના સંપર્કમાં છે શિકાગોમાં ભારતીય કોન્સ્યુલેટે પ્રવીણના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું, અમને યુએસ યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મિલવૌકીના અનુસ્નાતક વિદ્યાર્થી પ્રવીણ કુમાર ગામ્પાના નિધનથી દુઃખ થયું છે. એમ્બેસી પ્રવીણના પરિવાર અને યુનિવર્સિટીના સંપર્કમાં છે અને તેમને શક્ય તમામ મદદ કરી રહી છે. યુએસ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. અમેરિકન અધિકારીઓએ પરિવારને કહ્યું છે કે પોસ્ટમોર્ટમ બાદ જ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે. હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. હૈદરાબાદથી B.Tech કર્યા બાદ પ્રવીણ 2023માં MSનો અભ્યાસ કરવા અમેરિકા ગયો હતો. તે ડિસેમ્બર 2024માં ભારત આવ્યો હતો અને જાન્યુઆરી 2025માં પાછો અમેરિકા ગયો હતો. પ્રવીણનો પરિવાર હૈદરાબાદના રંગા રેડ્ડી જિલ્લાનો રહેવાસી છે. છેલ્લા કેટલાક મહિનામાં તેલંગાણાના અન્ય બે વિદ્યાર્થીઓની પણ યુએસમાં ગોળી મારીને હત્યા આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના એવા સમયે બની છે જ્યારે છેલ્લા કેટલાક મહિનામાં તેલંગાણાના અન્ય બે વિદ્યાર્થીઓની પણ યુએસમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગયા વર્ષે નવેમ્બર 2017માં ખમ્મમના એક વિદ્યાર્થીની અને આ વર્ષે જાન્યુઆરીમાં હૈદરાબાદના એક વિદ્યાર્થીની હત્યાના અહેવાલો સામે આવ્યા હતા. આ ઘટનાઓએ અમેરિકામાં ભણતા તેલંગાણાના વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતા વધારી છે.