“મને મારી આ પાયમાલી ખૂબ વહાલી છે,
હકીકતમાં એ મારા પ્રેમની જહોજલાલી છે….” હમણાં ગયા રવિવારે આખી દુનિયાએ બહુ પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડ્સ જોયા અને ફરી એક વખત વિશ્વની શ્રેષ્ઠ અને ઓસ્કાર એવોર્ડસ વિજેતા ફિલ્મ્સની ચર્ચાઓ ચાલી પણ મારા મતે વિશ્વનાં 100 શ્રેષ્ઠ ચિત્રપટની વાત માંડવી હોય તો, કચકડે મઢેલી કવિતા એવી કાસાબ્લાન્કાની વાત કરવી જ પડે. કાસાબ્લાન્કા અનેક રીતે ‘કલ્ટ’કહી શકાય એવું ચિત્રપટ છે. ફિલ્મ પ્રેમીઓને આજે પણ એના સંવાદો કડકડાટ મોઢે હોય છે અને એમના પ્રિય પાત્રને ખુશ કરવા વાપરતા પણ હોય છે. કાસાબ્લાન્કા 1942માં રજૂ થઇ હતી
1942માં રજૂ થયેલા ચિત્રપટ કાસાબ્લાન્કાના દિગ્ગજ દિગ્દર્શક હતા ‘માઇકલ કુર્તીઝ’ અને એ અપ્રકાશ્ય નાટક’એવેરીબડી કમ્સ ટુ રીક’ (લેખક:મુરે બર્નેત/જોન એલિસન) પર આધારિત હતું. આ ફિલ્મના મુખ્ય કલાકારો હતા, હમ્ફ્રી બોગર્ત અને ઇન્ગ્રાદ બર્ગ્માન. આ ફિલ્મના દિગ્દર્શક, કલાકારો અને ફિલ્મની આસપાસ વણાયેલી ઘટનાઓ પર આખી થીસીસ લખી શકાય એમ છે પણ એના વિશે વધુ વાત કરીએ એ પહેલાં ફિલ્મની કથાવસ્તુ જોઇએ. પ્રેમ અને કર્તવ્ય વચ્ચે અટવાયેલા મનુષ્યની વાત
બીજા વિશ્વયુદ્ધની પશ્ચાદ ભૂમિ પર રચાયેલી આ અજરામર કૃતિ પ્રેમ અને કર્તવ્ય વચે અટવાયેલા મનુષ્યની વાત છે, વેદના છે. એણે પોતે પ્રેમ કરે છે એ સ્ત્રી અને દુશ્મનોની સામે લડી રહેલો એના પતિને મદદ, એ બેમાંથી એકની પસંદગી કરવાની છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મોરક્કો દેશના શહેર, કાસાબ્લાન્કામાં પૂર્વ સ્વંત્રત સેનાની અને અમેરિકન મૂળના રીક બ્લેઇન (હમ્ફ્રી બોગર્ત), લોકપ્રિય નાઇટ ક્લબ ચલાવે છે. એ માથાભારે અને એકલપંડા રીક પાસે અમેરિકામાં દાખલ થવાના 2 પરવાના આવે છે. મેજર અને ખંધા પોલીસ ઓફિસરનો ભેટો
અને એવામાં જ નાઝી મેજર સ્તેર્સર (કોનાર્ડ વેઈડ) કાસાબ્લાન્કામાં આવે છે અને ત્યાં ખંધો પોલીસ ઓફિસર રીનોલ્ત હોય છે. જે મેજર સ્તેર્સરને ખુશ કરવા કંઇપણ કરી શકે પછી ભલે એ ભૂગર્ભી નેતા વિક્ટર લાઝલોને કાસાબ્લાન્કામાંથી કાઢવાના કેમ ના હોય? પણ રીક માટે અચંબામાં પડી જવાય એવી વાત એ છે કે વિક્ટર લાઝલો એની પત્ની ઇલસા (ઇન્ગ્રાદ બર્ગ્માન) સાથે આવ્યો છે જે રીકની એક સમયની પ્રેમિકા હતી. એ બન્ને કડવાશથી છૂટા પડ્યા હતા. પણ રીકને જ્યારે ખબર પડે છે કે ઇલસાનો કોઇ વાંક નહોતો ત્યારે બને ફરી એક વખત અમેરિકા જવાના પરવાનાનો ઉપયોગ કરીને સાથે ભાગી જવાની યોજના ઘડે છે. પણ વિધિના લેખ કઇ અલગ જ લખાયેલા હતા અને એ જાણવા માટે તો તમારે આ અદ્ભૂત ફિલ્મ જોવી જ રહી. સમય કરતાં પાત્રો આગળ હતા
હોલિવૂડમાં જ શૂટ થયેલી આ ફિલ્મ અદ્ભૂત અને ક્લાસિક છે. એની સાદગી અને છતાંય અટપટા પાત્ર લેખન માટે, એની કથા વસ્તુ માટે ફિલ્મની વાર્તા ભલે સાદી અને સરળ છે પણ ફિલ્મ પોતે ખાસી અટપટી છે. અને આવો અનુભવ આખી ફિલ્મ જોતી વખતે સતત એટલા માટે થાય છે કે 1941ના સમય કરતા એના પાત્રો ક્યાંય આગળ હતા…વર્તન અને વ્યવહારમાં…..વાર્તાનો અંત પણ એ જમાનાની ફિલ્મને છાજે એવો સુખદ નહોતો. ફિલ્મમાંની થોડીક યાદગાર ક્ષણોની વાત કરીએ તો ઇલસાને વિક્ટર લાઝલોની સાથે પ્રથમ વખત જોઇને, રીક ને થતો તરફડાટ આપણને ખૂબ પોતીકો લાગે છે. પતિ કે પ્રેમી, એ મૂંઝવણમાં અટવાતી ઈલસાની વેદના આપણને ઘાયલ કરી જાય છે અને એ બધાની ઉપર છે પ્રેમ કે કર્તવ્ય? રીક પ્રેમને પસંદ કરે છે તો બહુ સ્વાર્થી બની જાય છે અને કર્તવ્યને પસંદ કરે છે તો એના પ્રેમ, કર્તવ્ય, એના અરમાનો અને એની દુનિયાનું શું? પણ અહીં જ વાર્તાના લેખક અને દિગ્દર્શકની કસોટી છે, વાર્તાને એક અદ્ભૂત વળાંક આપવાની અને કૃતિના મુખ્ય કલાકારોના અભિનય પર તો લેખોના લેખો લખી શકાય એમ છે. રીક જ્યારે ઇલસાની સામે જુએ છે ત્યારે એની આંખનો ખાલીપો આપણને રડાવી જાય છે અને પતિ અને પ્રેમી વચે અટવાતી, છટપટાતી ઈલસાની મૂંઝવણ આપણને બેબસ કરી નાખે છે. આવી કવિતાની વિશ્વને ભેટ ધરવા બદલ લેખક (મુરે બર્નેત/જોન એલિસ) અને દિગ્દર્શક(માઈકલ કુર્તીઝ) ને સો સો સલામ. દોસ્તો, પ્રેમ અને કર્તવ્ય વચ્ચે અટવાતી આ કૃતિ તમારે જોવી જ રહી.