પાકિસ્તાનના પંજાબમાં ગયા બુધવારે ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓ, પાકિસ્તાન આર્મી અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) વચ્ચે ગાઢ સંબંધો દર્શાવતો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં ખાલિસ્તાની આતંકવાદી ગોપાલ સિંહ ચાવલા પાકિસ્તાની સેનાનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન પોલીસને અપશબ્દો કહેતો દેખાય છે. વીડિયો વાયરલ થયા પછી, હવે તેણે જાહેરમાં માફી માંગવી પડી છે. 1.04 મિનિટના આ વીડિયોમાં ખાલિસ્તાન સમર્થક આતંકવાદી ગોપાલ સિંહ ચાવલા પાકિસ્તાનની પંજાબ પોલીસને અપશબ્દો કહેતા જોવા મળે છે. ચાવલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના જિલ્લા પોલીસ અધિકારી (DPO) અને અન્ય અધિકારીઓને ધમકી આપી રહ્યો છે. ચાવલા, જે પોતાને ISIની નજીક હોવાનો જણાવતા કહી રહ્યો છે કે તેના ટોપ લેવલે મજબૂત સંબંધો છે અને એક વરિષ્ઠ સૈન્ય અધિકારી બ્રિગેડિયર સાહેબ તેના સમર્થક છે. ખાસ મહેમાનને VIP ટ્રીટમેન્ટ આપવાની માંગ વીડિયોમાં, ચાવલા પોતાના મહેમાનોને “સ્ટેટ ગેસ્ટ” કહી રહ્યો છે અને તેમના માટે ખાસ સુવિધાઓની માંગ કરી રહ્યો છે. તે પોલીસને ધમકી આપી રહ્યો છે કે જો તેઓ આમ નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. અપશબ્દો બોલતી વખતે તે કહી રહ્યો છે કે બ્રિગેડિયર સાહેબે મોકલ્યો છે. વિચારો કે તમારું શું થશે. ગુપ્તચર સૂત્રોએ પુષ્ટિ કરી છે કે ગોપાલ સિંહ ચાવલાના ISI સાથે મજબૂત સંબંધો છે અને તેને પાકિસ્તાની સેનાનું રક્ષણ મળે છે. વીડિયો પછી માફી માંગવી પડી ગોપાલ સિંહ ચાવલાએ માફી માંગતા કહ્યું કે ગુરુદ્વારાના ગેટ પર સ્ટેટ ગેસ્ટ આવ્યા હતા. તે સમયે, હુંએવા શબ્દો બોલી ગયો જે મારે બોલવા જોઈતા ન હતા. પંજાબ પોલીસ અમને સુરક્ષા આપે છે અને પંજાબ પોલીસ આખા પાકિસ્તાનમાં સૌથી બહાદુર પોલીસ દળ છે. તેમના બલિદાનને અવગણી શકાય નહીં. જો આનાથી કોઈને દુઃખ થયું હોય તો હું તેના માટે માફી માંગુ છું, મારે આ ન કહેવું જોઈતું હતું.