ન્યૂઝીલેન્ડે બ્રિટનમાં હાઈ કમિશનર ફિલ ગોફને બરતરફ કર્યા છે. લંડનમાં એક કાર્યક્રમમાં બોલતા, ગોફે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે ટ્રમ્પની રીત 1938ના મ્યુનિખ સમજુતી જેવી છે. મ્યુનિખ સમજુતીએ હિટલરને ચેકોસ્લોવાકિયા પર કબજો કરવાની મંજૂરી આપી હતી. હવે ટ્રમ્પ ફરીથી એ જ ભૂલ કરવા જઈ રહ્યા છે. તેઓ ઇતિહાસ જાણતા નથી. ગોફની આ ટિપ્પણીઓ બાદ, તેમને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા. ન્યુઝીલેન્ડના વિદેશ પ્રધાન વિન્સ્ટન પીટર્સે કહ્યું કે હાઇ કમિશનરની ટિપ્પણી ખોટી હતી. પીટર્સે કહ્યું કે આ ન્યુઝીલેન્ડનું સત્તાવાર વલણ નથી. 87 વર્ષ જૂની ઘટના યાદ આવી ગઈ
ગોફે યાદ કર્યું કે ચર્ચિલે તત્કાલીન યુકેના વડાપ્રધાન નેવિલ ચેમ્બરલેનને કેવી રીતે ઠપકો આપ્યો હતો. ત્યારે ચર્ચિલે કહ્યું હતું- તમારે યુદ્ધ અને અપમાનમાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી. તમે અપમાન પસંદ કર્યું, પણ તે પછી પણ તમારે લડવું પડ્યું. ગોફે ઓવલ ઓફિસમાં ચર્ચિલની પ્રતિમા સ્થાપિત કરવા અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ટ્રમ્પે ઓવલ ઓફિસમાં ચર્ચિલની પ્રતિમા ફરીથી સ્થાપિત કરાવી છે. શું તમને લાગે છે કે તેમને ખરેખરમાં ઇતિહાસની સમજ છે? 2020માં જો બાઈડને ટ્રમ્પને હરાવ્યા પછી, ચર્ચિલની કાંસ્ય પ્રતિમા હટાવવામાં આવી હતી અને તેના સ્થાને હિસ્પેનિક યુનિયન નેતા સીઝર શાવેઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ફરીથી રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેમણે ઓવલ ઓફિસમાં ચર્ચિલની પ્રતિમા ફરીથી સ્થાપિત કરી. વિદેશ મંત્રીએ કહ્યું- હાઈ કમિશનરનું નિવેદન યોગ્ય નહોતું પીટર્સે કહ્યું કે “જ્યારે તમે તે પદ પર હોવ ત્યારે તમે સરકાર અને તે સમયની નીતિઓનું પ્રતિનિધિત્વ કરો છો, તમે ન્યુઝીલેન્ડનો ચહેરો છો. કોઈ દેશના મુખ્ય ચહેરા તરીકે રાજદ્વારી રીતે વ્યવહાર કરવાની આ રીત નથી.” પીટર્સે કહ્યું “અમે લોકોને એવી ટિપ્પણીઓ કરવાની મંજૂરી આપી શકતા નથી જે આપણા ભવિષ્યને અસર કરે છે – પછી ભલે તે કોઈપણ દેશ હોય, પછી ભલે તે નિયુ, સમોઆ, ટોંગા, જાપાન હોય કે, હું કહું છું કે, યુનાઇટેડ સ્ટેટ્સ હોય.” ગોફ જાન્યુઆરી 2023થી હાઇ કમિશનર છે. આ પહેલા, તેમણે ન્યાય, વિદેશ અને સંરક્ષણ સહિત અનેક મંત્રી પદો સંભાળ્યા હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન ગોફને સમર્થન આપ્યુ આ દરમિયાન, ભૂતપૂર્વ વડાપ્રધાન હેલેન ક્લાર્કે ગોફની બરતરફીની ટીકા કરતા કહ્યું કે તે હાઇ કમિશનરને પદ પરથી હટાવવા માટેનું અત્યાર સુધીનું સૌથી નબળું બહાનું હતું. ગૌફે જે કહ્યું તે સાચું કહ્યું હતું. 1999 થી ૨2008 સુધી ન્યુઝીલેન્ડનું નેતૃત્વ કરનાર ક્લાર્કે કહ્યું કે જ્યારે ગોફે ગયા મહિને જર્મનીમાં મ્યુનિખ સુરક્ષા પરિષદમાં હાજરી આપી હતી, ત્યારે લોકોએ મ્યુનિખ ઘટના અને વર્તમાન યુએસ પગલાં વચ્ચે સમાનતાઓ દર્શાવી હતી.