ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની પરીક્ષા દરમિયાન રાજકોટમાં ત્રંબા ખાતે આવેલી પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12 કોમર્સની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને ચોરી કરાવવામાં આવતી હોવાના આક્ષેપો સાથેની રજૂઆત અન્ય વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ બોર્ડના સચિવને ઈમેલ મારફત કરવામાં આવેલી છે જેમાં સ્કૂલમાંથી આપવામાં આવતી માઇક્રો કોપી પણ ઇ-મેલમાં જોડવામાં આવેલી છે. આ સમગ્ર મામલાનો પર્દાફાશ દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા કરવામા આવ્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરવામાં આવતા હવે સ્કૂલના સંચાલિકાએ DEO ને લેખિતમાં ખૂલાસો આપ્યો છે. તેમાં કોઈ શત્રુ દ્વારા બદઇરાદો પાર પાડવા માટે કૃત્ય કર્યુ હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ બોર્ડનું પરીક્ષા કેન્દ્ર અન્ય સ્કૂલને આપવા માટેની પણ તૈયારી બતાવી છે. જોકે તેમાં સ્કૂલમાં રાખેલા CCTV આપવાની તૈયારી બતાવેલી નથી. DEOની તપાસ બાદ શાળાનો ખુલાસો
રાજકોટની પોપ્યુલર સ્કૂલમાં બોર્ડના કેન્દ્ર પર ચોરી થતી હોવાના આક્ષેપ મામલે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે તપાસના પગલે પોપ્યુલર સ્કૂલના આચાર્ય અને સરદારધામના સૌરાષ્ટ્ર ઝોનના મહિલા પ્રમુખ શર્મિલા બાંભણીયાએ લેખિતમાં ખુલાસો આપ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં ખુલાસો કરતા જણાવ્યું છે કે, પોપ્યુલર સ્કૂલમાં કોઈપણ પ્રકારની ગેરપ્રવૃતિ આચરવામાં આવતી નથી. સ્કૂલમાં વધતી જતી સંખ્યાને લઈ શત્રુઓ દ્વારા બદ ઇરાદો પાર પાડવામાં આવ્યો હોવાના આક્ષેપો કરાયા છે. આ સાથે જ તેમણે પરીક્ષાનું સેન્ટર અન્ય સ્કૂલને આપવા તૈયારી બતાવી છે. જોકે સ્કૂલમાં લગાવવામાં આવેલા સીસીટીવી આપવાની તૈયારી લેખિત ખુલાસામાં ન બતાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે આ ખુલાસા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવે છે અને શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે. વિદ્યાર્થીઓએ શિક્ષણ વિભાગમાં ફરિયાદ કરી હતી
મહત્વનું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ ધોરણ 10 અને 12 ની પરીક્ષા ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા દરમિયાન સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માઇક્રો કોપી આપી પરીક્ષામાં ચોરી કરાવવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણ બોર્ડમાં ફરિયાદ કરવામાં આવી હોવાનુ સામે આવ્યું છે. જેમાં પેપર શરૂ થયાનાં એક કલાક બાદ માત્ર પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓને જ વોશરૂમના બહાને બોલાવી ચીઠ્ઠી આપવામા આવે છે કારણકે ત્યાં CCTV કેમેરા હોતા નથી. એક વિદ્યાર્થી માઇક્રોકોપીમાંથી લખે અને બાદમાં તે વિદ્યાર્થી વોશરૂમમાં માઇક્રો કોપી મૂકી આવે અને પછી બીજો વિદ્યાર્થી તે ચીઠ્ઠી લઈ આવે. આ રીતે માસ કોપિકેસનુ કારસ્તાન ચાલતું હોવાની ફરિયાદ અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બોર્ડ સમક્ષ કરવામા આવી હોવાનુ સામે આવ્યું છે. તા. 3 માર્ચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવને ઈ – મેઇલ કરી વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆત કરી છે. પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપતા વિદ્યાર્થીએ અગાઉ જણાવ્યું હતુ કે, ધોરણ 12 માં અભ્યાસ કરી રહ્યો છું અને ગુજરાત બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 12 કોમર્સનો વિદ્યાર્થી છું અને ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપી રહ્યો છું. બોર્ડની ચાલુ પરીક્ષા દરમિયાન આ સ્કૂલના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માઇક્રોકોપી આપવામાં આવે છે. પેપર બપોરે 3 વાગ્યે શરૂ થાય છે. જોકે 4.30 વાગ્યા બાદ પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું શરૂ થાય છે. વર્ગખંડમાં સર આવી વિદ્યાર્થીઓને ઈશારો કરે છે અને ત્યારબાદ એક પછી એક વિદ્યાર્થી વોશરૂમમાં જાય છે અને ત્યાંથી વિદ્યાર્થીઓ માઇક્રો કોપી લઈને ક્લાસરૂમમાં આવે છે. પોપ્યુલર સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ પાસે આ પ્રકારની માઇક્રો કોપી મે જોઈ હતી. જેમાં 50 થી 60 માર્કના MCQ અને ટૂંકમાં મુદ્દાઓ લખેલા હોય છે. મને માઇક્રો કોપી વાણિજ્ય વ્યવસ્થાનુ પેપર પૂર્ણ કર્યા બાદ વોશરૂમમાં ગયો ત્યાથી મળી હતી. અન્ય વિદ્યાર્થીએ જણાવ્યું હતુ કે પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી રહ્યો છું જ્યાં બપોરે ત્રણ વાગ્યે પેપર શરૂ થયા બાદ સાડા ચાર વાગ્યાથી માઇક્રો કોપીની આપ- લે શરૂ થાય છે. જેમાં એક સર આવી ક્લાસમાં ઈશારો કરી જાય છે અને ત્યારબાદ માત્ર પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓને જ વોશરૂમમાં જવા દેવામાં આવે છે. ચાલુ પરીક્ષાએ જ્યારે સ્ટાફ ચેકિંગ માટે આવે છે ત્યારે તેઓ જુએ છે કે પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓ ચોરી કરે છે તેમ છતાં પણ તેમને કઇ કહેતા નથી. સ્કવોડના અધિકારીઓ અહીં આવતા હોય તેવું મારા ધ્યાનમાં આવ્યું નથી. ગર્લ્સને સીડી પરથી ચિઠ્ઠી આપવામા આવે છે. આ સ્કૂલમાં ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપતા અન્ય પરીક્ષાર્થીએ જણાવ્યું હતું કે, પોપ્યુલર સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા દરમિયાન ચોરી કરાવવામાં આવે છે. સ્ટાફ ખ્યાલ હોવા છતાં પણ તેઓનું ચેકિંગ કરવામાં આવતું નથી જ્યારે અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓને ચેક કરવામાં આવે છે. અમે વોશરૂમ જવા માટે મંજૂરી માગીએ તો ના પાડવામાં આવે છે અને પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓ વોશરૂમ જવા માટેનું પૂછે તો તેઓને એક સાથે બે ને જવા દેવામાં આવે છે. અહીં માઇક્રોકોપી દ્વારા ચોરી થાય છે અને સ્ટાફ પણ વિદ્યાર્થીઓને ચોરી કરાવે છે. આ મામલે દિવ્યભાસ્કર ડિજિટલ દ્વારા અગાઊ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં બોર્ડની પરીક્ષા દરમિયાન ચોરી થતી હોવાનો ઇ મેઈલ મળેલો છે અને આ જ પ્રકારનો ઈમેલ રાજકોટ કલેકટર અને ગુજરાત બોર્ડને પણ કરવામાં આવેલો છે. આ ઈમેલ આવ્યા બાદ તુરંત જ 10 વ્યક્તિઓની લોકલ સ્કોર આ પરીક્ષા કેન્દ્ર ઉપર મોકલવામાં આવી હતી અને તે ત્રણ કલાક સુધી ત્યાં રહી હતી જોકે ત્યાં હાલમાં આવી કોઈ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું નથી પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ સીડી વ્યુઇંગ કરવામા આવશે. જેમાં સીસીટીવી રેકોર્ડિંગ ના આધારે આ સ્કૂલમાં ચોરી થતી હોવાનું ખુલશે તો સમગ્ર સ્કૂલ જ બ્લોક કરવામાં આવશે. વિદ્યાર્થીએ ઇ – મેઇલથી કરી ફરિયાદ
કસ્તુરબાધામ ત્રંબા જિ. રાજકોટ ખાતે આવેલ પોપ્યુલર સ્કૂલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની HSC General પરીક્ષા માટે નું કેન્દ્ર ફાળવાયેલ છે. જેમાં તેમની જ શાળાના મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા પરીક્ષા શરુ થયાના એક કલાક બાદ તા. 01/03/2025 વિષય કોડ 046 વાણિજ્ય વ્યવસ્થા ના પેપરમાં તેમના વિદ્યાર્થીઓને Washroom break આપી વિદ્યાર્થીઓને Micro Copy આપી ચોરી કરાવવામાં આવે છે. જેમાં Micro Copy ફોટો આ સાથે મોકલેલ છે. જે બાબતે CCTV ચેકીંગ કરી સ્કૂલ મેનેજમેન્ટ તથા પરીક્ષા સ્થળ સંચાલક સામે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી. મહિલા સંચાલિકા શર્મિલા બાંભણિયાએ DEO ને આપેલો લેખિત ખુલાસો
DEO ને સંબોધતા સ્કૂલ સંચાલિકા શર્મિલા બામણીયાએ ખુલાસો કરતા જણાવ્યું છે કે, સ્કૂલ દ્વારા, આચાર્ય દ્વારા કે શિક્ષક સ્ટાફ દ્વારા અમોએ આવી પ્રવૃત્તિ કરેલી નથી. આ બાબત અમારી વધતી સંખ્યા જોઈને અમારી શાખ ખરાબ કરવા માટે કરેલ હોય અથવા કોઈ વ્યક્તિઓ દ્વારા પોતાનો બદ ઇરાદો પાર પાડવા કરેલ હોય આ વાતને અમો વખોડીએ છીએ અને અમોને આવી રીતે લોકો હેરાન કરે તો અમે આ કેન્દ્ર બિજી સ્કૂલોને આપવા તૈયાર છીએ. જેથી અમો શાંતિથી અભ્યાસ ઉપર ધ્યાન આપી શકીએ. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને 33 ગુનાઓ બદલ 33 પ્રકારની સજાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં 1 થી 3 પરીક્ષા રદની સાથે પોલિસ કેસની જોગવાઈ તો છે જ પરંતુ જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા દરમિયાન ઘાતક હથિયાર સાથે ઝડપાઈ તો તેનુ તે પરીક્ષાનું પરિણામ તો રદ થશે જ પરંતુ સાથે તે વિદ્યાર્થીને કાયમ માટે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે ઍટલે કે આજીવન ગુજરાત બોર્ડની પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવશે. આ ઉપરાંત ગેરરીતિના કિસ્સાઓમાં પાણીવાળા અને પટ્ટાવાળાથી લઇ ઝોનલ ઓફિસર અને પાલા કેન્દ્રના નિયામકની સંડોવણી ખૂલે તો રૂ. 10 હજારનો દંડ, સસ્પેન્શન અને પોલીસ ફરિયાદ સુધીની કડક સજાની જોગવાઈ છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને 33 ગુનાઓ બદલ 33 પ્રકારની સજા
1. સંવાહક/સંચાલક, નિરીક્ષક કે બોર્ડ તરફથી થયેલ કોઈ પણ સૂચનાનો અમલ પરીક્ષાર્થી ન કરે તો તાકીદ આપ્યા બાદ તે વિષયની પરીક્ષામાં સૂચના આપવા સુધી પરીક્ષાર્થીએ જવાબવહીમાં જે લખ્યું હોય તે ઉત્તરવહીમાં બે લાઈન દોરી સૂચનાનો અમલ કર્યો નથી એમ શેરો અને સહી કરી પરીક્ષાર્થીને ઉત્તરવહી લખવા આપવી. (સ્થળ સંચાલક/ખંડનિરીક્ષકે બોર્ડને તેની લેખિતમાં જાણ કરવી) તે વિષયનું પરિણામ રદ કરવું.
2. તાકીદ આપ્યા છતાં પરીક્ષા ખંડમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીઓને મૌખિક કે કોઈ સંકેત દ્વારા સંદેશો પાઠવતો હોય તો તેની સામે ગેરરીતિ કેસ કરવો. પરીક્ષાર્થીનું જે તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું.
3. મદદ કરવાની વિનંતી સાથે જવાબવહીમાં ચલણી નોટ અથવા ચલણી નોટો જોડી હોય તો પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી અને ત્યાર પછીની એક પરીક્ષામાં બેસવા દેવા નહીં
4. જવાબવહી પુરવણીમાં પરીક્ષાર્થી પોતાને પાસ કરવા પરીક્ષકને વિનંતી કરતું/લાલચ આપતું લખાણ કરે અને પોતાનું સરનામું જવાબવહીમાં આપે તો તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું.
5. પરીક્ષાર્થી અથવા તેમના પ્રતિનિધિ કે વાલી જવાબવહીમાં ગુણ વધારી આપવા પરીક્ષકનો સંપર્ક સાધે અગર તો પરીક્ષકને લાંચ આપવાનો પ્રયત્ન કરે /લાંચ આપે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું
6. પરીક્ષા દરમિયાન ઉમેદવાર પાસે જે તે સંબંધિત વિષયને લગતી હસ્તલિખિત કાપલી, નોટ્સ, માર્ગદર્શિકા, ટેક્ષબુક, નકશો વગેરે હોય તો પરીક્ષાર્થીને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી લખવા દેવું. (અ) સાહિત્યમાંથી ન લખેલ હોય તો આ પરીક્ષાના તમામ વિષયોનું પરિણામ રદ કરવું. (બ) જો સાહિત્યમાંથી લખેલ હોય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી અને ત્યાર પછીની એક પરીક્ષામાં બેસવા દેવા નહીં.
7. પરીક્ષા ખંડમાં પરીક્ષા દરમિયાન વિષયને લગતું સાહિત્ય, નોંધ, લખાણ વગેરે પરીક્ષાર્થીની બેંચ પાસેથી નીચેથી અગર તો આજુબાજુથી મળી આવે તો (જો આ બાબતે સુપરવાઈઝરને કોઈ જાણ ન કરેલ હોય તો)
અ) સાહિત્યમાંથી જો ન લખેલ હોય – તો તે વિષયનું પરિણામ જાહેર કરવું. (બ) જો સાહિત્યમાંથી લખેલ હોય તો: સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી અને ત્યાર પછીની એક પરીક્ષામાં બેસવા દેવા નહીં.
8. પરીક્ષાર્થીની ઉત્તરવહીમાંથી લગતું સાહિત્ય પરીક્ષકને મળી આવ્યું હોય એવો અહેવાલ રજૂ કરવામાં આવે તો ( અ) વિષયોને લગતું સાહિત્ય મળી આવે પણ તેમાંથી લખાણ ન લખેલ હોય તો તે વિષયનું પરિણામ રદ કરવું. (બ) વિષયોને લગતું સાહિત્ય મળી આવે અને તેમાંથી લખેલ છે તેવો અહેવાલ પરીક્ષક આપે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું.
9. પરીક્ષાર્થીએ પરીક્ષા ખંડમાંથી પ્રશ્નપત્ર અથવા જવાબવહી બહાર ફેંકી દીધી હોય તો પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું.
10. પરીક્ષાર્થી કે તેના પ્રતિનિધિ મુખ્ય ઉત્તરવહી/પુરવણી ફાડી નાખે અગર તો માન્ય લખાણ સાથે ચેડાં કરે/કરાવે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું.
11. પરીક્ષાર્થી પરીક્ષા ખંડમાંથી કોઈ પણ કારણસર બહાર જવાની પરવાનગી લઈને અનઅધિકૃત વ્યક્તિને મળે તો પરીક્ષાર્થીનું તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું.
12. પરીક્ષાર્થી પરીક્ષા ખંડમાંથી જવાબવહી અથવા તો પૂરક જવાબવહી બહાર લઈ જાય તો પરીક્ષાર્થીનું તે પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યાર પછીની 1 પરીક્ષામાં બેસવા દેવા નહીં.
13. પરીક્ષાર્થીએ અગર તો તેના પ્રતિનિધિ પરીક્ષા ખંડમાં પરીક્ષા દરમિયાન લખેલી મુખ્ય ઉત્તરવહી પુરવણીઓને બદલે બહારથી લખેલી મુખ્ય ઉત્તરવહી પુરવણીમાં પરીક્ષા પૂરી થયા બાદ ખંડ નિરીક્ષક, બિલ્ડિંગ કંડક્ટર અગર મુખ્ય નિયામક દ્વારા અગર તો અન્ય કોઈ રીતે બદલવા અને બદલાવવાનો પ્રયત્ન કરે અગર તો બદલાવે તો જે તે પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યાર પછીની 2 પરીક્ષામાં બેસવા દેવા નહીં.
14. મુખ્ય જવાબવહી/પુરવણી ચાલુ પરીક્ષા દરમિયાન અગર તો પરીક્ષા પૂરી થયે ખંડ નિરીક્ષકને નહીં સોંપતા લઈને જતા રહે તો જે તે પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યાર પછીની 1 પરીક્ષામાં બેસવા દેવા નહીં. સ્થળ સંચાલકે પોલીસ કેસ નોંધાવવો.
15. પરીક્ષાખંડમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને ચબરખી, મુખ્ય પુરવણી જવાબવહી પસાર કરી હોય, તે હાથમાં જવાબવહી એવી રીતે પકડીને ઊંચી રાખે કે જેથી બાજુનો કે પાછળનો વિદ્યાર્થી તે વાંચી શકે અથવા ઉપરના સાહિત્યને એકબીજાએ અદલીબદલી કરી હોય તો બંને પરીક્ષાર્થીઓનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું.
16. પરીક્ષા ખંડમાં કોઈ પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થી પાસેથી જવાબવહી કે પુરવણી ઝુંટવી લીધી હોય તો ઝુંટનારનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું.
17. પરીક્ષક, સમીક્ષક, નાયબ મુખ્ય સમીક્ષકના રિપોર્ટ પરથી પરીક્ષાર્થી એકબીજામાંથી યા અન્ય રીતે ચોરી કરેલ છે એમ બોર્ડને ખાતરી થાય તો બંને પરીક્ષાર્થીઓનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું.
18. પરીક્ષા ખંડમાં નકલ કે ઉતારો કરતાં પકડાય તો પરીક્ષાર્થીનું જે તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું.
19. જવાબવહીના અથવા પૂરક જવાબવહીના જવાબો પરીક્ષાર્થી બહારથી લખીને પરીક્ષા ખંડમાં લાવ્યા હોય તો પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી અને ત્યાર પછીની 1 પરીક્ષામાં બેસવા દેવા નહીં.
20. મૂળ પરીક્ષાર્થીને બદલે તેની સંમતિથી અથવા સંમતિ વગર અન્ય વ્યક્તિ પરીક્ષામાં બેઠી હોય તેમ સાબિત થાય તો પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી અને ત્યાર પછીની 2 પરીક્ષામાં બેસવા દેવા નહીં ઉપરાંત પોલીસ કેસ નોંધાવવો.
21. પરીક્ષા સ્થળે ગેરશિસ્તભર્યું વર્તન કરવા માટે પરીક્ષાર્થીનું તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું.
22.પરીક્ષા સ્થળે મારામારી કે હિંસક કૃત્ય કરવા માટે અથવા ઘાતક હથિયાર લાવવા માટે અથવા ઈજા પહોંચાડી શકે તેવું સાધન લાવવા માટે પરીક્ષાર્થીનું તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરી પરીક્ષાર્થીને કાયમ માટે પરીક્ષામાં બેસવા દેવા નહીં.
23. જવાબવહી, પુરવણીમાં પરીક્ષાર્થી પોતાની ઓળખ માટે કોઈ પણ પ્રકારની નિશાની કરે તો અગર અન્ય રંગની સહીથી લખે તો પરીક્ષાર્થીઓએ આવી કોઈ નિશાની કર્યાનું સાબિત થાય તો જે તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું.
24. પરીક્ષાર્થી મુખ્ય જવાબવહી/પુરવણીમાં ગેરરીતિભર્યું લખાણ લખે/અપશબ્દો લખે તો જે તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું.
25.વર્ગમાં સામુહિક ચોરીના કિસ્સાઓ ધ્યાનમાં આવે તો તે પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યાર પછીની એક પરીક્ષામાં બેસવા દેવા નહીં.
26. જવાબવહી પર લગાડેલ સ્ટીકર અંગે વિગતો મેળવવાનો પ્રયત્ન કરે, સ્ટીકરની વિગતો આપે અથવા લગાડેલ સ્ટીકર ઉખેડવાનો પ્રયત્ન કરે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું.
27. કોઈ પણ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ દ્વારા સામૂહિક ગેરરીતિને ગંભીર અનિયમિતતાઓ ધ્યાને આવશે તો અધ્યક્ષ અથવા તેમનાં દ્વારા નિયુક્ત બોર્ડના સભ્યોની સમિતિ જે તે વિષયની પરીક્ષા રદ કરશે અને જરૂર જણાયે આગામી તમામ દિવસોની પરીક્ષા રદ કરતાં સુધીની શિક્ષા કરશે. ઉપરાંત ત્યાર બાદ આવા કેસોને પરીક્ષા સમિતિ સમક્ષ વ્યક્તિગત-સામૂહિક સુનાવણી કરીને કસૂરવાર પરીક્ષાર્થી, કસૂરવાર સુપરવાઈઝર, કસૂરવાર બિલ્ડિંગ નિયામકને બોલાવીને યોગ્ય નિર્ણય કરશે.
28. CCTV ફુટેજમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને મૌખિક કે સંકેત દ્વારા ગેરરીતિ સુચક સંદેશો આપતો હોય તો જે તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું. (ત્યાર પછીની પરીક્ષામાં બેસી શકે.)
29. CCTV ફુટેજમાં પરીક્ષાર્થી દ્વારા બિનઅધિકૃત સાહિત્ય લાવેલું દેખાય તો જે તે વિષયનું પરિણામ રદ કરવું.
30. CCTV ફુટેજમાં બિનઅધિકૃત સાહિત્યની આપ-લે કરતા જણાય તો / તેમાંથી જવાબવહીમાં ઉતારો કરતા જણાય તો બંને પરીક્ષાર્થીઓનું જે તે વિષયનું પરિણામ રદ કરવું.
31. ઉમેદવાર વર્ગખંડમાં મોબાઇલ અથવા અન્ય પ્રતિબંધિત વિજાણું ઉપકરણો જેવા કે કેમેરાવાળી ઘડિયાળ/સ્માર્ટ ઘડિયાળ, કેમેરાવાળું કેલ્ક્યુલેટર/
સાયન્ટિફિક કેલ્ક્યુલેટર વગેરે લાવેલ હોવાનું ખંડ નિરીક્ષક/વિઝિલન્સ સ્ક્વોર્ડ/સ્થળ સંચાલકને ધ્યાને આવે અથવા CCTV ફુટેજમાં દેખાય થાય તો જે તે વર્ષની પરીક્ષાનું સમગ્ર પરિણામ રદ કરવું. ત્યારબાદની 2 પરીક્ષામાં બેસવા દેવા નહીં. સ્થળ સંચાલકે પરીક્ષાર્થી સામે પોલીસ કેસ નોંધાવવો તેમજ મુદામાલ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવો.
32. પરીક્ષાર્થીને વોટ્સએપ, ઈ-મેઇલ, સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નપત્ર મળ્યાનો સંદેશ પ્રશ્નપત્ર શરૂ થયા અગાઉ મળે કે પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થી દ્વારા પ્રશ્નપત્ર કે પ્રશ્નપત્રને લગતી વિગતો, જવાબો ઇલેક્ટ્રોનિક ગેઝેટ કે અન્ય રીતે બહાર મોકલવામાં આવે કે મેળવવામાં આવે તો પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું. ત્યારબાદની 3 પરીક્ષામાં બેસવા દેવા નહીં. સ્થળ સંચાલકે પરીક્ષાર્થી સામે પોલીસ કેસ નોંધાવવો તેમજ મુદામાલ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવો.
33. પરીક્ષાર્થીને બહારથી કોઈ પણ વ્યક્તિ દ્વારા લખાવવામાં આવે અથવા આવ્યું હોય તે સાબિત થાય તો પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરવું. ત્યારબાદની 2 પરીક્ષામાં બેસવા દેવા નહીં. સંબંધિત સુપરવાઈઝર તથા સ્થળ સંચાલક દોષિત જણાય તો તેમની સામે નિયમાનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવી. પરીક્ષા દરમિયાન ફરજ બજાવતા 13 પ્રકારના કર્મીઓની ગેરરીતિમાં સંડોવણી ખૂલે તો 10 હજારનો દંડ, સસ્પેન્શનથી લઈ FIR સુધીની કડક સજા
પાણીવાળા, સફાઈ કામદાર, હમાલ અને પટ્ટાવાળા ઊપરાંત કારકુન, પ્રાશ્નિક, ખંડ નિરીક્ષક, પરીક્ષક, સમીક્ષક, સ્થળ સંચાલક, મધ્યસ્થ મૂલ્યાંકન નિયામક, સ્કવોડ કન્વીનર, સરકારી પ્રતિનિધિ, ઝોનલ ઓફિસર અને પાલા કેન્દ્રના નિયામકની ગેરરિતીમાં સંડોવણી સામે આવે તો પરીક્ષાની કામગીરીમાંથી બાકાત કરવાથી લઈને પરીક્ષા કેન્દ્ર રદ કરવા ઉપરાંત રૂપિયા 10,000 નો દંડ, સસ્પેન્શન અને પોલીસ ફરિયાદ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.