સાબરકાંઠા જિલ્લાના ઇડર-વડાલી સ્ટેટ હાઇવે પર ગુરુવારે મોડી સાંજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. મજૂરોથી ભરેલી એક જીપ આગળ જતા ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 12થી વધુ લોકોને ઈજાઓ થઈ છે. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સની ટીમ અને વડાલી પોલીસને તરત જ જાણ કરવામાં આવી હતી. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ઇડર અને વડાલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, કેટલાક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે, જ્યારે અન્યોને નાની-મોટી ઈજાઓ થઈ છે. ઘટનાસ્થળે જેસીબીની મદદથી ટ્રક સાથે અથડાયેલી જીપને અલગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વડાલી પોલીસે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને આગળની તપાસ શરૂ કરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે.