જયશંકર બ્રિટન અને આયર્લેન્ડના પ્રવાસે છે. બ્રિટનમાં તેમણે પાકિસ્તાની પત્રકારના પ્રશ્નનો એવો જવાબ આપ્યો કે, ભારતે જાણે પાકિસ્તાન સામે ક્રિકેટ મેચ જીતી લીધી હોય તેવી વાહવાહ છે. જયશંકર સેશન પૂરું કરીને બહાર આવ્યા ત્યાં ખાલિસ્તાન સમર્થકોએ જયશંકરની હાજરમાં તિરંગો ફાડીને અપમાન કર્યું. એક વ્યક્તિ તો જયશંકરની કારની આડે આવીને ઊભો રહી ગયો. આ બધું લંડનમાં થયું. એક ઘટનાથી બ્રિટનનું નાક કપાયું. હવે બની શકે કે બ્રિટન ખાલિસ્તાનીઓ સામે કોઈ પગલાં લે. નમસ્કાર, જયશંકરે લંડનની ધરતી પરથી બે વાતનો ફોડ પાડી દીધો. પહેલી વાત એ કરી કે, ભારત કાશ્મીરનું હતું છે ને રહેશે. ભારત PoK લઈને જ રહેશે. બીજી વાત એ કરી કે, ટ્રમ્પની વિદેશ નીતિથી ભારતને નુકસાન નથી, ફાયદો છે. પહેલા એ જાણો કે જયશંકરે લંડનમાં શું કહ્યું?
લંડનના ચેથમ હાઉસ થિંક ટેન્કમાં જયશંકરનું સેશન હતું. વિષય હતો- વિશ્વમાં ભારતનો ઉદય અને ભૂમિકા. હાઉસના ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ બ્રોનવેન મેડોક્સ સાથેની વાતચીતમાં તેમણે કાશ્મીરથી લઈને ટ્રમ્પના ભારતને ટેરિફ પડકાર સુધીની દરેક બાબત વિશે વાત કરી. ત્યાં હાજર પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા, તેના પણ જવાબ આપ્યા. પાકિસ્તાની પત્રકારનો સવાલ ને જયશંકરનો જવાબ
એક પાકિસ્તાની પત્રકારે જયશંકરને પ્રશ્ન પૂછતાં કહ્યું કે હું એક લેખક અને પત્રકાર છું અને હું તમને થોડા નર્વસ કરવા માંગુ છું. ભારતે કાશ્મીર પર ગેરકાયદેસર કબજો કર્યો છે, તેથી જ તેઓ વિરોધ કરી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વમાં શાંતિ લાવવાની વાત કરે છે, તો શું નરેન્દ્ર મોદી કાશ્મીર મુદ્દાને ઉકેલવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની મિત્રતાનો ઉપયોગ કરી શકે છે?
આ અંગે જયશંકરે કહ્યું કે અમે કાશ્મીર સમસ્યાને ઘણી હદ સુધી હલ કરી દીધી છે. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવી એ આ દિશામાં પહેલું પગલું હતું. આ પછી, બીજું પગલું કાશ્મીરમાં વિકાસ અને આર્થિક પ્રવૃત્તિ વધારવાની સાથે સામાજિક ન્યાય ફરી સ્થાપવાનું હતું. ત્રીજું પગલું મોટાપાયે મતદાન સાથે ચૂંટણી કરાવવાનું હતું. ચોથું પગલું પાકિસ્તાન દ્વારા છીનવાયેલા કાશ્મીરના ભાગને પાછો આપવાનું હશે. જો પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરાયેલો કાશ્મીરનો ભાગ પાછો આપવામાં આવે તો કાશ્મીર સમસ્યા સંપૂર્ણપણે ઉકેલાઈ જશે. જયશંકરે 4 પગલાંમાં ગણાવ્યું ભારતનું ‘મિશન કાશ્મીર’
પહેલું પગલું
370 કલમને હટાવી
બીજું પગલું
ઝડપી વિકાસ કર્યો
ત્રીજું પગલું
મોટાપાયે ચૂંટણી કરાવી
ચોથું પગલું
PoK પાછું લેવામાં આવશે ટ્રમ્પ અને અમેરિકા માટે શું કહ્યું?
રાજકીય નેતાઓ સામાન્ય રીતે જે વચન આપે છે તે કરે છે, આ અપેક્ષિત છે… આપણે એક એવા રાષ્ટ્રપતિ અને એવું શાસન જોઈ રહ્યા છીએ જે મલ્ટી પોલરિટી (બહુધ્રુવીયતા) તરફ આગળ વધી રહ્યા છે. અને એમની (ટ્રમ્પની) વિદેશ નીતિથી ભારતને ફાયદો છે. ચીન વિશે શું કહ્યું?
દુનિયામાં અબજોની વસ્તીવાળા માત્ર બે દેશ છે. ભારત અને ચીન. ભારત અને ચીનનો અનોખો સંબંધ છે. અમે એવો સંબંધ ઈચ્છીએ છીએ જ્યાં ભારતના હિતોનું સન્માન થાય. ભાવનાઓ સમજવામાં આવે અને પરસ્પર કામ થાય. બ્રિક્સ અને ડોલર વિશે શું કહ્યું?
બ્રિક્સના સદસ્યોની વાત કરું તો અમારી પાસે સૌથી વધારે સદસ્યો છે છતાં બધાના અલગ અલગ સ્ટેન્ડ છે. મને લાગે છે કે ડોલરની વિરુદ્ધમાં બ્રિક્સ દેશો એક થઈ રહ્યા છે. આ ધારણા નથી, હકીકતે આવું જ છે. પાડોશી દેશોને જવાબ
એ સાચું છે કે ભારત એક મોટી અર્થવ્યવસ્થા છે. અમારા હિતો પણ બીજા દેશોની જેમ જ છે. એટલે અમે પાડોશી દેશો પાસેથી અપેક્ષા રાખીએ છીએ કે તે અમને ઓળખે અને અમારી સંવેદનાઓનું પણ ધ્યાન રાખે. જેમ પાડોશી દેશો પ્રત્યે અમારી જવાબદારી છે, પાડોશી દેશોએ પણ અમારા પ્રત્યે જવાબદારી રાખવી જોઈએ. હવે વાત ખાલિસ્તાની વિરોધની….
લંડનના ચેથમ હાઉસમાં સેશન પૂરું કરીને વિદેશ મંત્રી એસ જયશંકર બહાર નીકળ્યા ત્યારે કેટલાક ખાલિસ્તાની સમર્થકો ભેગા થઈ ગયા હતા અને નારા લગાવ્યા હતા. જયશંકર ચેથમ હાઉસની બહાર ઊભેલી કારમાં બેઠા. કાર જેવી ઉપડી કે એક ખાલિસ્તાની સમર્થક દોડીને કાર સામે આવી ગયો અને તિરંગો ફાડ્યો. પોલીસે ધક્કા મારીને તેને સાઈડમાં કર્યો હતો. ભારતના જ વિદેશમંત્રીની નજર સામે ભારતનો જ તિરંગાનું આ રીતે અપમાન થાય તેમાં નાક બ્રિટનનું કપાયું છે. કારણ કે આ ઘટના લંડનમાં બની છે. આ ઘટનાથી એ ચર્ચા થઈ રહી છે કે બ્રિટનની સુરક્ષામાં ખામી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાને કારણે ભારતીય સમુદાયમાં ગુસ્સો છે. આ ઘટના પછી ભારતીયોએ લંડનમાં વિરોધ પ્રદર્શન કર્યું. લોકો બ્રિટિશ સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. ભારત સરકાર પણ આ મુદ્દો રાજદ્વારી સ્તરે ઉઠાવે તેવી સંભાવના છે. ખાલિસ્તાનીઓએ ભારતનો વિરોધ કર્યો હોય, તેવી વર્ષમાં ત્રણ ઘટના બની
28 એપ્રિલ, 2024 : કેનેડાના ટોરોન્ટોમાં ખાલસા દિવસ અને શીખ નવા વર્ષના કાર્યક્રમમાં પીએમ જસ્ટિન ટ્રુડોના સંબોધન દરમિયાન ખાલિસ્તાન ઝિંદાબાદ અને ભારત વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. ભારતે આની સખત નિંદા કરી અને કેનેડા સરકાર પાસેથી કાર્યવાહીની માંગ કરી હતી.
2 નવેમ્બર, 2024 : કેનેડાના બ્રેમ્પટનમાં હિન્દુ સભા મંદિરમાં આવેલા લોકો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલો કર્યો હતો. હુમલાખોરોના હાથમાં ખાલિસ્તાની ધ્વજ હતા. તેમણે મંદિરમાં હાજર લોકોને લાકડીઓથી માર્યા હતા. આ પછી, સ્થળ પર પહોંચેલી પોલીસે પણ ભક્તોને માર માર્યો. ભારત સરકારની ફરિયાદ બાદ આ કેસમાં એક પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
23 જાન્યુઆરી, 2025 : કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’ બ્રિટનના ઘણા થિયેટરોમાં ચાલી રહી હતી. આ દરમિયાન કેટલાક માસ્ક પહેરેલા ખાલિસ્તાનીઓ હોલમાં ઘૂસી ગયા. તેમણે ખાલિસ્તાની નારા લગાવીને ફિલ્મ અટકાવી. આ મુદ્દો બ્રિટિશ સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. ભારતે પણ આ ઘટનાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. ખાલિસ્તાની આંદોલનનો ઉદય કેવી રીતે થયો?
ખાલિસ્તાન આંદોલનની કહાની 1929માં શરૂ થાય છે. કોંગ્રેસની લાહોર સેશનમાં મોતીલાલ નેહરુએ પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ રાખ્યો. આ દરમિયાન ત્રણ પ્રકારના સમૂહોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો. પહેલુ-મોહમ્મદ અલી જિન્નાહની આગેવાનીમાં મુસ્લિમ લીગ. બીજો સમૂહ દલિતોનો હતો, જેની આગેવાની ડો. ભીમરાવ આંબેડકર કરી રહ્યા હતા. આંબેડકર દલિતો માટે અધિકારોની માગણી કરી રહ્યા હતા. ત્રીજું જૂથ માસ્ટર તારાસિંહની આગેવાનીમાં શિરોમણિ અકાલી દળનું હતું. તારા સિંહે પ્રથમવાર શીખો માટે અલગ રાજ્યની માગણી કરી. 1947માં આ માગણી આંદોલનમાં બદલાઈ ગઈ. એને નામ આપવામાં આવ્યું પંજાબી સૂબા આંદોલન. શિરોમણિ અકાલી દળ ભારતમાં જ ભાષાના આધારે એક અલગ શીખ સૂબો એટલે કે શીખ પ્રદેશની માગ કરી રહ્યું હતું. પંજાબમાં 19 વર્ષ સુધી અલગ શીખ પ્રદેશ માટે આંદોલન અને પ્રદર્શન થતાં રહ્યાં. આ દરમિયાન હિંસાની ઘટનાઓ વધવા લાગી. આખરે 1966માં ઈન્દિરા ગાંધીએ પંજાબને ત્રણ હિસ્સામાં વહેંચવાનો નિર્ણય કર્યો.
શીખોની બહુમતીવાળું પંજાબ, હિન્દી ભાષા બોલનારા માટે હરિયાણા અને ત્રીજો હિસ્સો ચંડીગઢ હતો. ભીંડરાંવાલાંથી પન્નુ સુધી, ખાલિસ્તાની આતંકીઓએ કહેર વરસાવ્યો
ઈન્દિરાનો આ નિર્ણય ઘણાને પસંદ ન પડ્યો અને પંજાબ અલગ દેશ બને તેવી માગણી થવા લાગી. પંજાબ એ પંજાબ છે તે ભારતનો ભાગ નથી. પંજાબને અલગ કરીને ખાલિસ્તાન નામ આપવાની માગણી થવા લાગી. આના માટે ખાલિસ્તાન સમર્થકો આગળ આવવા લાગ્યા ને આંદોલનો થયા. ખાલિસ્તાનનો એક કટ્ટર સમર્થક હતો જરનૈલસિંહ ભિંડરાવાલા. તે આગળ વધીને આતંકી બની ગયો. તેણે આખું પંજાબ સળગાવ્યું. 1984માં ખાલિસ્તાનીઓનો સફાયો કરવા ઈન્દિરા ગાંધીએ ઓપરેશન બ્લુ સ્ટાર ચલાવ્યું હતું.
ખાલિસ્તાની મૂવમેન્ટને આગળ વધારવા માટે ગુરપતવંતસિંહ પન્નુ આગળ આવ્યો. તેણે ખાલિસ્તાની આંદોલનની સળગતી રાખમાં પેટ્રોલ રેડ્યું ને આગ ભડકી. પન્નુ મૂળ અમૃતસરનો છે અને કેનેડા-અમેરિકાનો નાગરિક છે. અમેરિકામાં કાયદાની પ્રેક્ટિસ કરે છે. આતંકી પન્નુ ભારતને વારંવાર ધમકી આપી ચૂક્યો છે
ખાલિસ્તાની ચળવળનો ચહેરો આતંકી પન્નુ ભારતને વારંવાર ધમકી આપી ચૂક્યો છે. એર ઈન્ડિયાના વિમાનને તોડી પાડવા, દિલ્હી એરપોર્ટ બંધ કરાવી દેવું, અયોધ્યા રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી, ગુજરાતમાં IPL વખતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હુમલો કરવો, એવી ઘણી ધમકીઓ આપી ચૂક્યો છે. પન્નુ વિરુદ્ધ ભારતમાં 12 કેસ નોંધાયા છે. એમાંથી પંજાબમાં રાજદ્રોહના 3 કેસ પણ છે. છેલ્લે,
વિદેશમંત્રી લંડનથી આયર્લેન્ડ જવાના છે. તે પણ ભારતની કૂટનીતિનો ભાગ છે. કારણ કે કતારની જેન આયર્લેન્ડ પાસે પણ ઓઈલ અને ગેસ ભરપૂર છે. જો આયર્લેન્ડ સાથે સંબંધો વધારે મજબૂત બને છે તો ભારતે અમેરિકા પર આધાર રાખવાની જરૂર નહીં પડે. ટ્રમ્પના ટેરિફ પછી ભારત બીજા દેશો સાથે સંબંધો વધારી રહ્યું છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. (રિસર્ચઃ યશપાલ બક્ષી)