સંયુક્ત આરબ અમીરાત (UAE)માં વધુ બે ભારતીય નાગરિકોને ફાંસી આપવામાં આવી છે. બંનેને હત્યાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતીય વિદેશ મંત્રાલયે ફાંસી આપવાની પુષ્ટિ કરી છે. UAEના અધિકારીઓએ 28 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતીય દૂતાવાસને જાણ કરી કે બંનેને ફાંસી આપવામાં આવી છે. ફાંસી કઈ તારીખે આપવામાં આવી તે હજુ સ્પષ્ટ નથી. બંને કેરળના નાગરિકો છે. તેમના નામ મોહમ્મદ રિનાશ અરંગીલોટ્ટુ અને મુરલીધરન પેરુમથટ્ટા વલપ્પિલ છે. ભારતે દયાની અપીલ કરી હતી, કોર્ટે તેને ફગાવી દીધી હતી વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય દૂતાવાસે દયા અરજી અને માફી માટે અપીલ કરી હતી, પરંતુ યુએઈ સુપ્રીમ કોર્ટે મૃત્યુદંડની સજાને યથાવત રાખી હતી. મંત્રાલયે કહ્યું કે મૃતકોના પરિવારોને ફાંસી અંગે જાણ કરવામાં આવી છે. અહેવાલો મુજબ, રિનાશ અલ એનમાં એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરતો હતો. તેણે યુએઈના એક નાગરિકની હત્યા કરી હતી. જ્યારે મુરલીધરનને એક ભારતીય વ્યક્તિની હત્યા બદલ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે તે બંનેને શક્ય તમામ કાનૂની સહાય પૂરી પાડે છે. મંત્રાલય બંનેના પરિવારના સભ્યો અંતિમ સંસ્કારમાં હાજરી આપી શકે તેવી વ્યવસ્થા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. વિદેશી ધરતી પર સૌથી વધુ ભારતીયોને મૃત્યુદંડની સજા યુએઈમાં ફટકારવામાં આવી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે 13 ફેબ્રુઆરીએ રાજ્યસભામાં જણાવ્યું હતું કે ત્યાં 29 ભારતીયો મૃત્યુદંડનો સામનો કરી રહ્યા છે. જો કે, ઉત્તરપ્રદેશના બાંદાના રહેવાસી 33 વર્ષીય શહજાદી ખાન અને કેરળના બે યુવાનોને સજા ફટકારવામાં આવ્યા બાદ આ સંખ્યા ઘટીને 26 થઈ ગઈ છે. શહજાદી ખાનને 15 ફેબ્રુઆરીના રોજ યુએઈમાં ફાંસી આપવામાં આવી હતી. શહજાદી પર 4 મહિનાના બાળકની હત્યા કરવાનો આરોપ હતો. તે 2 વર્ષથી દુબઈ જેલમાં હતી. કોર્ટે ચાર મહિના પહેલા તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી. તેને 5 માર્ચે યુએઈમાં દફનાવવામાં આવી હતી. જાણો આખો મામલો… આગ્રાના રહેવાસી ઉઝૈરે શહજાદીને દુબઈમાં વેચી દીધી શહજાદી બાંદાના માટોંધ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઇરા મુગલી ગામનો રહેવાસી હતી. દુબઈ જતા પહેલા શહજાદી સામાજિક સંસ્થા ‘રોટી બેંક’માં કામ કરતી હતી. વર્ષ 2021માં, તે ફેસબુક દ્વારા આગ્રામાં રહેતા ઉઝૈરના સંપર્કમાં આવી. ઉઝૈરે ખોટું બોલીને શહજાદીને તેના પ્રેમની જાળમાં ફસાવી. બાળપણમાં શહજાદીનો ચહેરો એક બાજુ દાઝી ગયો હતો. ઉઝૈરે શહજાદીને તેના ચહેરાની સારવાર કરાવવા માટે આગ્રા બોલાવી. આ પછી, સારવાર કરાવવાના નામે, તેને નવેમ્બર 2021માં દુબઈમાં રહેતા દંપતી ફૈઝ અને નાદિયાને વેચી દેવામાં આવી. શહજાદી ત્યારે ખોટું બોલીને દુબઈ ગઈ હતી. ફૈઝ અને નાદિયા દુબઈમાં શહજાદીને ખૂબ પરેશાન કરતા હતા. તેણે ઘણી વાર ભારત આવવાનો પ્રયાસ કર્યો, પણ તે લોકો તેને પાછા આવવા દેતા નહોતા. દુબઈમાં શહજાદીને માર મારવામાં આવતો હતો શહજાદીએ પહેલા કહ્યું હતું કે તે બંને તેને ઘરમાં બંધ રાખતા હતા. તેઓ મને ક્યારેય બહાર જવા દેતા નહીં અને માર મારતા. ફૈઝ અને નાદિયાને 4 મહિનાનો દીકરો હતો. જે ખૂબ બીમાર હતો. આ દરમિયાન, તેનું મૃત્યુ થયું. ફૈઝ અને નાદિયાએ આ માટે શહજાદીને દોષી ઠેરવી. પોલીસ કેસ કરવામાં આવ્યો અને શહજાદીને જેલમાં ધકેલવામાં આવી. 15 દિવસ પહેલા પિતા-ભાઈ સાથે છેલ્લી વાત થઈ હતી શહજાદીએ 15 દિવસ પહેલા તેના પિતા અને માતા સાથે ફોન પર વાત કરી હતી. 14 ફેબ્રુઆરીની રાત હતી. સવારે શહજાદીને ફાંસી આપવામાં આવી. ફાંસી આપતા પહેલા તેને તેની છેલ્લી ઇચ્છા વિશે પૂછવામાં આવ્યું. તેણે કહ્યું- તે તેના માતાપિતા સાથે વાત કરવા માંગે છે. બાંદા જિલ્લામાં તેમના ઘરે ફોન આવ્યો. શહજાદીએ કહ્યું- આ મારો છેલ્લો ફોન છે. હવે આ કોર્ટ-કચેરીના ચક્કરમાં પડતા નહીં. તેમણે અમને બીજા રૂમમાં રાખ્યા છે. મેં તમને બધાને 2 વર્ષથી જોયા નથી. અમારા પર કોઈ દેવું નથી. તમે લોકો બિલકુલ ટેન્શન ન લો. ગમે તે હોય, આપણી સાથે તો ઘણી દુર્ઘટનાઓ થઈ છે. એક છેલ્લી દુુર્ઘટના થઈ રહી છે, પછી કોઈ થશે નહીં. તેણે વધુમાં કહ્યું- તમારે લોકોને મને ભૂલી જવું પડશે. મને કોઈની સામે કોઈ ફરિયાદ નથી. ફોન ડિસ્કનેક્ટ થઈ જશે, તે પછી તમારે બધાએ ચિંતા કરવાની જરૂર નથી. આ દરમિયાન, શહજાદીના પિતા અને માતા પણ ફોન પર રડતા રહ્યા. બંને પોતાની દીકરીની માફી માંગતા રહ્યા. તેઓ કહેતા રહ્યા, અમે તારા માટે કંઈ કરી શક્યા નહીં. હું તને બચાવી શક્યો નહીં. તું પાછી આવી જા મારી દીકરી. પિતાએ જણાવ્યું કે જ્યારે શહજાદી 8 વર્ષની હતી, ત્યારે રસોઈ બનાવતી વખતે તેના ચહેરા પર ઉકળતું પાણી પડી ગયું હતું. આના કારણે ચહેરા પર દાઝી જવાના નિશાન પડ્યા હતા.