સુરતમાં શુક્રવારે(7 માર્ચે) નીલગિરિ મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં હજારો લોકોની વચ્ચે વડાપ્રધાન મોદી દિવ્યાંગ ચિત્રકાર મનોજને ઓળખી ગયા હતા. બે હાથ ન હોવા છતા પગ અને મોઢાની મદદથી અદભુત પેઈન્ટિંગ બનાવતો ચિત્રકાર રામમંદિર અને મોદીનું પેઈન્ટિંગ બનાવી લાવ્યો હતો. જેને જોઈ મોદીએ તેનો કાફલો રોકાવ્યો હતો અને ચિત્ર મંગાવી તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો. સાથે સિક્યુરિટીને કહ્યું હતું કે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મનોજ તેને મળવા આવે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન આ દિવ્યાંગ ચિત્રકારને રૂબરૂ મળ્યા હતા અને ખબરઅંતર પૂછ્યા હતા. મોદી આ ચિત્રકારને ભૂતકાળમાં પણ મળી ચૂક્યા છે. રામમંદિર અને મોદીનું પેઈન્ટિંગ બનાવ્યું
મનોજ ભિગારે. જે અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી ચૂક્યો છે. પરંતુ, કુદરતે આપેલી પેઈન્ટિંગની કળા આજે પણ અકબંધ છે. મનોજ પોતાના બે પગ અને મોઢાની મદદથી અદભુત પેઈન્ટિંગ બનાવે છે. ભૂતકાળમાં મનોજ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી ચૂક્યો છે. શુક્રવારે પણ સુરતમાં યોજાયેલા કાર્યક્રમમાં અયોધ્યાના રામમંદિર અને વડાપ્રધાનનું પેઈન્ટિંગ બનાવી તે પહોંચ્યો હતો. હજારો લોકોની વચ્ચે વડાપ્રધાન મનોજને ઓળખી ગયા
નીલગિરિ મેદાનમાં સભા સ્થળ પર વડાપ્રધાન પહોંચ્યા ત્યારે ખુલ્લાવાહનમાં ફરીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હતા. આ સમયે જ પેઈન્ટિંગ સાથે ઉભેલા મનોજ પર વડાપ્રધાનની નજર પડતા જ તે ઓળખી ગયા હતા અને પોતાના કાફલાને રોકાવ્યો હતો. ત્યારબાદ સિક્યુરિટીને કહી મનોજ પાસેથી પેઈન્ટિંગ લઈ તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો. વડાપ્રધાને દિવ્યાંગ ચિત્રકારના ખબર અંતર પૂછ્યા
સુરતમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સભાસ્થળ પર જ વડાપ્રધાને સિક્યુરિટી સ્ટાફને જાણ કરીને મનોજને મળવા માટે બોલાવ્યો હતો. રૂબરૂ મુલાકાત કરી ખબર અંતર પૂછ્યા હતા. મનોજ ભૂતકાળમાં પણ મોદીને મળી ચૂક્યો છે. આ તસવીર મારા માટે અણમોલ ભેટ બની ગઈ- મનોજ ભિગારે
મનોજે જણાવ્યું હતું કે, જ્યારે હું પહેલીવાર તેમને મળવા ગયો ત્યારે તેમણે મારું નામ લીધું. તે સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગયો હતો કે, દેશના વડાપ્રધાન એક સામાન્ય વ્યક્તિનું નામ કેવી રીતે યાદ રાખી શકે? તેમણે ઘરના વડીલની જેમ મારી સાથે વાતચીત કરી અને જાણવા માંગ્યું કે હું શું કરું છું? આમ તો આ તસવીર મેં તેમને ભેટમાં આપવા માટે બનાવી હતી, પણ તેમણે મારી તસવીર પર પોતાનો ઓટોગ્રાફ આપીને મને પરત આપી. એ હવે મારી માટે એક અણમોલ ભેટ બની ગઈ છે.