રાજકોટના ત્રંબામાં સ્થિત પોપ્યુલર સ્કૂલમાં ધો. 12 કોમર્સની પરીક્ષા દરમિયાન તેની સ્કૂલના વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા ચોરી કરાવવામાં આવતી હોવાનો પર્દાફાશ દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા કરવામાં આવ્યો હતો.આ મામલે હવે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા CCTVની ચકાસણી શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા ચોરી કરાવાતી હોવાનું સીસીટીવીમાં સામે આવશે તો સ્કૂલ સંચાલકને હિયરિંગમાં બોલાવવામાં આવશે અને બાદમાં બોર્ડને રીપોર્ટ પણ કરવામાં આવશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે. વિદ્યાર્થીઓને ચોરી કરાવાતી હોવાનું ખુલશે તો કડક કાર્યવાહી કરાશે
રાજકોટ DEO કિરીટસિંહ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના ત્રંબા ખાતે આવેલી પોપ્યુલર સ્કૂલમાં તેમની સ્કૂલના વિદ્યાર્થીઓને ચોરી કરાવવામાં આવતી હોવાની ફરિયાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવને કરવામાં આવેલી છે. ત્યારે હવે ધોરણ 10 અને 12ની પરીક્ષા જે કેન્દ્રો પર યોજવામાં આવેલી ત્યાંના CCTVની CDની ચકાસણી હાલ ચાલી રહી છે. જેમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને સ્ટાફ દ્વારા ચોરી કરાવવામાં આવતી હોવાનું ખૂલશે તો સૌ પ્રથમ તે સ્કૂલના સંચાલકને હિયરિંગમાં બોલાવવામાં આવશે અને બાદમાં શિક્ષણ બોર્ડને રીપોર્ટ પણ કરવામાં આવશે. 2,753 બ્લોકના CCTV ફૂટેજ ચેકિંગની કામગીરી શરૂ
બોર્ડની પરીક્ષા પૂર્ણતાના આરે છે ત્યારે રાજકોટ જિલ્લામાં હવે CCTVના ફૂટેજ ચેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટમાં 2 સેન્ટરો પરથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના 2 એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સહિત કુલ 50 કર્મચારીઓની દેખરેખમાં હાલ ફૂટેજ જોવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પોપ્યુલર ઉપરાંત અન્ય શાળાનાં CCTV ચકાસણીમાં ગેરરીતિ ખૂલશે તો જવાબદારો સામે કાર્યવાહી થશે. પરીક્ષા ચોરીમાં માત્ર વિદ્યાર્થી જ હોય તો તેની સામે સજા થશે, પરંતુ જો સ્કૂલનો સ્ટાફ તેમાં સંડોવાયેલો હોય તો કડક સજા કરવામાં આવતી હોય છે. ગેરરીતિ પુરવાર થશે તો પરિક્ષાર્થી સામે કાર્યવાહી થશે
ગત તા.27 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. હવે બોર્ડની પરીક્ષા પૂર્ણતાના આરે છે તે અગાઉ જ દરેક સેન્ટરોના CCTV ફૂટેજ ચેક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ધોળકિયા અને ન્યુ એરા સ્કૂલ ખાતે બે સેન્ટર પર રાજકોટ જિલ્લાના 65 કેન્દ્રોની 308 બિલ્ડીંગ અને 2,753 બ્લોકના CCTV ફૂટેજ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ ધો.10 અને ધો.12ના સેન્ટરો પરથી સીડી મગાવી હાલ બંને સેન્ટરો પર 20-20 કોમ્પ્યુટર પર ચકાસણી ચાલી રહી છે. આ ચકાસણીમાં કોઈ વિદ્યાર્થી ગેરરીતિ કરતો નજરે ચડશે તો તેનું ફુટેજ કટ કરીને જિલ્લાના સેન્ટર ૫ર ફરી ચેક કરવામાં આવશે. ત્યાંથી આ ફૂટેજને ગાંધીનગર મોકલી શિક્ષણ બોર્ડ દ્વારા ગેરરીતિ પૂરવાર થશે તો જે-તે પરીક્ષાર્થી સામે કાર્યવાહી કરવામાં આવશે. ‘4.30 વાગ્યા બાદ સ્ટાફ દ્વારા ચોરી કરાવવાનું શરૂ થાય છે’
નોંધનીય છે કે, પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપતા વિદ્યાર્થીએ અગાઉ જણાવ્યું હતું કે, ધોરણ 12માં અભ્યાસ કરી રહ્યો છું અને ગુજરાત બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ધોરણ 12 કોમર્સનો વિદ્યાર્થી છું અને ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં બોર્ડની પરીક્ષા આપી રહ્યો છું. બોર્ડની ચાલુ પરીક્ષા દરમિયાન આ સ્કૂલના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને માઇક્રો કોપી આપવામાં આવે છે. પેપર બપોરે 3 વાગ્યે શરૂ થાય છે. જોકે 4.30 વાગ્યા બાદ પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું શરૂ થાય છે. વર્ગખંડમાં સર આવી વિદ્યાર્થીઓને ઈશારો કરે છે અને ત્યારબાદ એક પછી એક વિદ્યાર્થી વોશરૂમમાં જાય છે અને ત્યાંથી વિદ્યાર્થીઓ માઇક્રો કોપી લઈને ક્લાસરૂમમાં આવે છે. પોપ્યુલર સ્કૂલના બધા જ વિદ્યાર્થીઓ પાસે આ પ્રકારની માઇક્રો કોપી મે જોઈ હતી. જેમાં 50થી 60 માર્કના MCQ અને ટૂંકમાં મુદ્દાઓ લખેલા હોય છે. મને માઇક્રો કોપી વાણિજ્ય વ્યવસ્થાનું પેપર પૂર્ણ કર્યા બાદ વોશરૂમમાં ગયો ત્યાંથી મળી હતી. ગર્લ્સને સીડી પરથી ચિઠ્ઠી આપવામાં આવે છે- વિદ્યાર્થી
અન્ય વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપી રહ્યો છું. જ્યાં બપોરે ત્રણ વાગ્યે પેપર શરૂ થયા બાદ સાડા ચાર વાગ્યાથી માઇક્રો કોપીની આપ-લે શરૂ થાય છે. જેમાં એક સર આવી ક્લાસમાં ઈશારો કરી જાય છે અને ત્યારબાદ માત્ર પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓને વોશરૂમમાં જવા દેવામાં આવે છે. ચાલુ પરીક્ષાએ જ્યારે સ્ટાફ ચેકિંગ માટે આવે છે ત્યારે તેઓ જુએ છે કે પોપ્યુલર સ્કૂલના વિદ્યાર્થીઓ ચોરી કરે છે તેમ છતાં પણ તેમને કઇ કહેતા નથી. સ્કવોડના અધિકારીઓ અહીં આવતા હોય તેવું મારા ધ્યાનમાં આવ્યું નથી. ગર્લ્સને સીડી પરથી ચિઠ્ઠી આપવામાં આવે છે. ગેરરીતિ ખુલશે તો સમગ્ર સ્કૂલ બ્લોક કરવામાં આવશે
આ મામલે દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે અગાઉ જણાવ્યું હતું કે, ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં બોર્ડની પરીક્ષા દરમિયાન ચોરી થતી હોવાનો ઇ-મેઈલ મળેલો છે અને આ જ પ્રકારનો ઈમેલ રાજકોટ કલેક્ટર અને ગુજરાત બોર્ડને પણ કરવામાં આવેલો છે. આ ઈમેલ આવ્યા બાદ તુરંત જ 10 વ્યક્તિઓની લોકલ સ્કવોડ આ પરીક્ષા કેન્દ્ર ઉપર મોકલવામાં આવી હતી અને તે ત્રણ કલાક સુધી ત્યાં રહી હતી. જોકે ત્યાં હાલમાં આવી કોઈ ચોરી થતી હોવાનું ધ્યાનમાં આવ્યું નથી, પરંતુ પરીક્ષા પૂર્ણ થયા બાદ સીડી વ્યુઇંગ આવશે. જેમાં સીસીટીવી રેકોર્ડિંગના આધારે આ સ્કૂલમાં ચોરી થતી હોવાનું ખુલશે તો સમગ્ર સ્કૂલ જ બ્લોક કરવામાં આવશે. વિદ્યાર્થીએ ઇ – મેઇલથી કરી ફરિયાદ
કસ્તુરબાધામ ત્રંબા જિ. રાજકોટ ખાતે આવેલી પોપ્યુલર સ્કૂલમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની HSC General પરીક્ષા માટેનું કેન્દ્ર ફાળવાયેલું છે. જેમાં તેમની જ શાળાના મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા પરીક્ષા શરુ થયાના એક કલાક બાદ તા. 01/03/2025 વિષય કોડ 046 વાણિજ્ય વ્યવસ્થાના પેપરમાં તેમના વિદ્યાર્થીઓને Washroom બ્રેક આપી વિદ્યાર્થીઓને માઇક્રો કોપી આપી ચોરી કરાવવામાં આવે છે. જેમાં માઇક્રો કોપી ફોટો આ સાથે મોકલેલો છે. જે બાબતે CCTV ચેક કરી સ્કૂલ મેનેજમેન્ટ તથા પરીક્ષા સ્થળ સંચાલક સામે યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી. બોર્ડ પરીક્ષામાં 33 ગુના માટે 33 સજા
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા વિદ્યાર્થીઓને 33 ગુનાઓ બદલ 33 પ્રકારની સજાની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં 1 થી 3 પરીક્ષા રદની સાથે પોલીસ કેસની જોગવાઈ તો છે જ પરંતુ જો કોઈ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા દરમિયાન ઘાતક હથિયાર સાથે ઝડપાઈ તો તેનું તે પરીક્ષાનું પરિણામ રદ થશે જ પરંતુ સાથે તે વિદ્યાર્થીને કાયમ માટે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે ઍટલે કે આજીવન ગુજરાત બોર્ડની પરીક્ષામાંથી બાકાત રાખવામાં આવશે. આ ઉપરાંત ગેરરીતિના કિસ્સાઓમાં પાણીવાળા અને પટ્ટાવાળાથી લઇ ઝોનલ ઓફિસર અને પાલા કેન્દ્રના નિયામકની સંડોવણી ખૂલે તો રૂ. 10 હજારનો દંડ, સસ્પેન્શન અને પોલીસ ફરિયાદ સુધીની કડક સજાની જોગવાઈ છે. ગુના અને તે માટેની સજા 1. સંચાલક, નિરીક્ષક કે બોર્ડ તરફથી મળેલી સૂચનાનું કોઈ પાલન ન કરે તો – સૂચના આપવા સુધી ઉત્તરવહીમાં જે લખ્યું હોય ત્યાં બે લાઈન દોરી સૂચનાનો અમલ નથી કર્યો, તેમ શેરો કરીને પરીક્ષાર્થીને ફરીથી ઉત્તરવહી લખવા આપવી. 2. તાકીદ આપ્યા છતાં પરીક્ષાખંડમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીઓને મૌખિક કે કોઈ સાંકેતિક દ્વારા સંદેશો પાઠવતો હોય તો – પરીક્ષાર્થીનું તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ કરવું. 3. મદદ કરવાની વિનંતી સાથે ઉત્તરવહીમાં ચલણી નોટ અથવા ચલણી નોટો મૂકી હોય તો – પરીક્ષાર્થીનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી અને ત્યાર પછી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે. 4. ઉત્તરવહીમાં પરીક્ષાર્થી પોતાને પાસ કરવા પરીક્ષકને વિનંતી કરતું લખાણ કે લાલચ કરે અને પોતાનું સરનામું ઉત્તરવહીમાં આપે ત્યારે – તે વિષયનું પરિણામ રદ 5. પરીક્ષાથી અથવા તેમના પ્રતિનિધિ વાલી ઉત્તરવહીમાં ગુણ વધારી આપવા પરીક્ષકનો સંપર્ક કરે અથવા પરીક્ષકને લાંચ આપવાનો પ્રયત્ન કર્યો હતો – સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ 6. પરીક્ષા દરમિયાન ઉમેદવાર પાસે જે તે સંબંધિત વિષયને લગતી કાપલી, નોટ્સ, ટેક્સબુક, નકશો હોય તો – સાહિત્યમાંથી લખ્યું હોય તો પરીક્ષાનું પરિણામ રદ કરી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે. 7. પરીક્ષા દરમિયાન વિષયને લાગતું સાહિત્ય, નોંધ, લખાણ વગેરે બેન્ચ પાસેથી મળી આવે તો – સાહિત્યમાંથી લખ્યું હોય તો પરીક્ષાનું પરિણામ રદ કરી એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે 8. પરીક્ષાર્થીની ઉત્તરવહીમાં લાગતું સાહિત્ય પરીક્ષકને મળી આવ્યું હોય તેવો અહેવાલ રજૂ કરવામાં આવે તો – સાહિત્યમાંથી લખ્યું ના હોય તો એક વિષયનું પરિણામ રદ અને લખ્યું હોય તો તમામ વિષયનું પરિણામ રદ 9. પરીક્ષાર્થીએ પરીક્ષા ખંડમાંથી ઉત્તરવહી બહાર ફેંકી દીધી હોય તો – સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ 10. પરીક્ષાર્થી કે તેના પ્રતિનિધિ ઉત્તરવહી ફાડી નાખે અથવા લખાણ સાથે ચેડાં કરે તો – સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ 11. પરીક્ષાર્થી પરીક્ષાખંડમાંથી કોઈપણ કારણસર બહાર જવાની પરવાનગી લઈને અનઅધિકૃત વ્યક્તિને મળે તો – તે વિષયની પરીક્ષાનું પરિણામ રદ 12. પરીક્ષાર્થી પરીક્ષાખંડમાંથી ઉત્તરવહી બહાર લઈ જાય તો – તે પરીક્ષાનું પરિણામ રદ કરી પછીની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે 13. પરીક્ષાર્થી અથવા તેના પ્રતિનિધિ પરીક્ષાખંડમાં પરીક્ષા દરમિયાન લખેલી મુખ્ય ઉત્તરવહીને બદલે બહારથી લખેલી અને ઉત્તરવહી બદલવા પ્રયત્ન કરે તો – જે તે પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારબાદની બે પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે 14. ઉત્તરવહી પરીક્ષા દરમિયાન કે પરીક્ષા બાદ નિરીક્ષકને ના આપે તો – પરીક્ષાનું પરિણામ રદ કરી, પછીની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે અને પોલીસ કેસ કરવામાં આવશે 15. પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને ચિઠ્ઠી, ચબરકી કે કોઈપણ સાહિત્ય પકડીને કોપી કરાવવાનો પ્રયત્ન કરે ત્યારે – બંનેનું સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ 16. પરીક્ષા ખંડમાં કોઈ પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થી પાસેથી ઉત્તરવહી ઝૂંટવી લે તો – સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ 17. પરીક્ષક, નાયબ મુખ્ય સમીક્ષકના રિપોર્ટ પરથી પરીક્ષાર્થી એકબીજામાંથી અન્ય રીતે ચોરી કરી છે તેવી બોર્ડની ખાતરી થાય તો – બંનેનું સમગ્ર પરિણામ રદ 18. પરીક્ષાખંડમાં નકલ કે ઉતારો કરતાં પકડાય તો – સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ 19. ઉત્તરવહીના જવાબો પરીક્ષાર્થી બહારથી લખીને પરીક્ષાખંડમાં લાવે તો – સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારબાદની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે 20. મૂળ પરીક્ષાર્થીને બદલે અન્ય વ્યક્તિ તેની જગ્યાએ પરીક્ષામાં બેસે તો – પરિણામ રદ કરી ત્યારબાદની બે પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે અને પોલીસ કેસ કરવો 21. પરીક્ષા સ્થળે ગેરશિસ્ત વર્તન કરવા માટે – તે વિષયનું પરિણામ રદ 22. પરીક્ષા સ્થળે મારામારી કે હિંસક કૃત્ય કરવા અથવા ઘાતક હથિયાર કે સાધન લાવ્યું હોય તો – પરિણામ રદ કરી કાયમ માટે પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે 23. ઉત્તરવહીમાં પોતાની ઓળખ માટે કોઈ પણ નિશાની કરે તો – જે તે વિષયનું પરિણામ રદ 24. પરીક્ષાર્થી મુખ્ય ઉત્તરવહીમાં અપશબ્દોભર્યું લખાણ લખે તો – જે તે વિષયનું પરિણામ રદ 25. વર્ગમાં સામૂહિક ચોરીના કિસ્સો ધ્યાનમાં આવે તો – પરીક્ષાનું પરિણામ રદ કરી ત્યારબાદની એક પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે 26. ઉત્તરવહી પર લગાડેલા સ્ટિકરની વિગતો જાણીને લગાડેલા સ્ટિકર ઉખાડવાનો પ્રયત્ન કરે તો – સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ 27. કોઈપણ પરીક્ષા કેન્દ્રમાં પરીક્ષાર્થીઓ દ્વારા સામૂહિક રીતે ગંભીર અનિયમિતતાઓ સામે આવશે તો – જે તે વિષયની પરીક્ષા રદ કરાશે અને જરૂર જણાય ત્યારે આગામી તમામ પરીક્ષા રદ કરવા સુધીની શિક્ષા 28. સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને મૌખિક કે સંકેતિક રીતે ગેરરીતિનો સૂચક સંદેશ આપતો હોય તો – જે તે વિષયનું પરિણામ રદ 29. સીસીટીવી ફૂટેજમાં પરીક્ષાર્થી દ્વારા બિનઅધિકૃત સાહિત્ય લાવેલું દેખાય તો – જે તે વિષયનું પરિણામ રદ 30. સીસીટીવી ફૂટેજમાં બિનઅધિકૃત સાહિત્યની આપ-લે કરતા દેખાય તો – બંનેનું જે તે વિષયનું પરિણામ રદ 31. ઉમેદવારો વર્ગખંડમાં મોબાઈલ અથવા તો અન્ય પ્રતિબંધિત વસ્તુઓ લાવે જે સંચાલક અથવા તો સીસીટીવી ફૂટેજમાં ધ્યાને આવે તો – જે તે વિષયનું પરિણામ રદ કરી પછીની બે પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે 32. પરીક્ષાર્થીને વોટ્સએપ, ઇમેલ કે સોશિયલ મીડિયા દ્વારા પ્રશ્નોપત્ર મળ્યાનો સંદેશ પ્રશ્નપત્ર શરૂ થયા અગાઉ મળે તો – સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી ત્રણ પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવે 33. પરીક્ષાર્થીને બહારથી કોઈ લખાવે અથવા તો લખાવવાનો પ્રયત્ન કરે તો – સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ કરી બે પરીક્ષામાં બેસવા દેવામાં નહિ આવેપરીક્ષા દરમિયાન ફરજ બજાવતા 13 પ્રકારના કર્મીઓની ગેરરીતિમાં સંડોવણી ખૂલે તો 10 હજારનો દંડ, સસ્પેન્શનથી લઈ FIR સુધીની કડક સજા