સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગતરોજ સુરત પોલીસ દ્વારા PMના કોન્વોયના રૂટ પર ખાસ રિહર્સલ કરવામાં આવ્યું હતું. પોલીસના આ રિહર્સલ સમયે એક બાળક સાઇકલ લઈને કોન્વોય રૂટમાં પ્રવેશ કરતા પોલીસ અધિકારી દ્વારા તેને વાળ પકડીને માર મારવામાં આવ્યો હતો. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા વાઇરલ થતા જવાબદાર પીએસઆઇ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બાળક સાથેનું વર્તન બિલકુલ અયોગ્યઃ DCP
આ મામલે ડીસીપી અમિતા વાનાણીએ એક મેસેજના માધ્યમથી જણાવ્યું છે કે, સોશિયલ મીડિયામાં એક રીલ વાઇરલ થયેલી છે, જેની હકીકત એવી છે કે, બંદોબસ્ત રિહર્સલ દરમિયાન કોન્વોયની મૂવમેન્ટ રોડ ઉપર થઈ રહી હતી. ત્યારે એક બાળક રૂટ ઉપર આવી જતા અને અકસ્માત થવાની સંભાવના હોવાથી પોલીસે આવવાની ના પાડેલી. આમ છતાં અવારનવાર કોન્વોયના રૂટમાં આવતા આ દુઃખદ બનાવ બનેલો હતો. આ વાઇરલ વીડિયોમાં દેખાતા પીએસઆઇ મોરબી જિલ્લામાં ફરજ બજાવે છે. તેમનું નામ બી. એ. ગઢવી છે અને સુરત શહેર ખાતે બંદોબસ્ત માટે આવેલા હતા. જેમણે કરેલું વર્તન બિલકુલ અયોગ્ય છે અને તે બાબતે ખેદ વ્યક્ત કરવામાં આવે છે. આ પીએસઆઇ બી. એ. ગઢવીને તાત્કાલિક અસરથી કંટ્રોલરૂમ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસ રિહર્સલ દરમિયાન બાળક સાઇકલ લઈને પ્રવેશ કર્યો હતો
ઉલ્લેખનીય છે કે, આ ઘટના લિંબાયત રેલવે અંડરપાસના રતન ચોક પાસે બની હતી. વડાપ્રધાનની સુરક્ષા અને બંદોબસ્ત માટે પોલીસ કાફલો રિહર્સલ કરી રહ્યો હતો. આ દરમિયાન બાળક સાઇકલ લઈને ભૂલથી કન્વોય રૂટ પર આવી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન બે દિવસ માટે સુરત અને નવસારી ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે.